Blog

💃હમ બદલને લગે… ડિસ્કો-દાંડિયા ખેલને લગે… કોઈ શક??💃

“જો આજે કૃષ્ણ ફરી જન્મ લે, તો વડીલોના વિરોધની પરવા વિના પોતાની રાધાને લઈ ડિસ્કો દાંડિયા રમવા પહોંચી જાય !”

જય વસાવડાની આ વાત એકદમ સાચી ઠરે જો કૃષ્ણ ફરી અવતરે. વર્ષોથી જુવાનીને વખોડવામાં આવે છે. હા, જુવાની પૂર્ણ-અવસ્થા નથી માટે જ એ મજાની છે. નવા અનુભવોનું ભરપૂર થ્રિલર પૅકેટ એટલે જુવાની. નવરાત્રી એન્ડીંગ નજીક હોય અને રંગરસિયાઓનો આનંદ ચરમસીમાએ હોય. એક સર્વે મુજબ જાણવા મળે કે સૌથી લોકપ્રિય તહેવાર હોય જુવાનિયાઓનો તો તે છે “નવરાત્રી”.

હા, હવે ગરબા-ગરબીનું સ્થાન ડિસ્કો દાંડિયાએ પચાવ્યું છે. જે ઘણા ઓટલાતોડ વયોવૃધ્ધને પચતું નથી. અને આમપણ પરિવર્તન પ્રશ્નાર્થચિન્હો લઈ ને જ આવે છે. નવરાત્રીમાં યુવાહૈયાઓ એકદમ ખુશીથી ઝૂમતા હોય છે. કોઈને રાધા તો કોઈને રુક્મિણી મળી જાય છે. પ્રેમ ક્યાં ક્યારે ને કઈ રીતે ઊગી નીકળે એ હજી કોઈ ઉકેલી શક્યું નથી.ખેર, અત્યારે નવરાત્રીની વાત કરીએ.

‘જૂનું રે થયું રે દેવળ…’ની જેમ અત્યારે સંગીતને નવી જ ઉંમર ફૂટી છે. શબ્દો ભલે 60 વર્ષ પહેલાના હોય પણ એમાં મ્યુઝિક તો ધીંગામસ્તી અને ધમાચકડીનું જ હોવું જોઈએ. ગરબાનું રી-ક્રિએશન પણ સુંદર થઈ રહ્યું છે. જુના ગરબાઓમાં નવીનતાનો તડકો વધારી ચારેકોર નવલી નવરાત્રીમાં ગરબાઘેલૈયાઓ સ્વાદિષ્ટ રમી રહ્યા છે. અને પરિવર્તન વિરોધીઓ જુના સ્વાદને પકડીને બેઠાં.

આપણે અહીંયા ખુલ્લેઆમ મારામારી સ્વીકાર્ય છે ને ખુલ્લેઆમ કોઈ કાનુડો પોતાની રાધાનો હાથ પકડીને રમવા જતો હોય તો હોહા થાય છે. આવા કપડાં ન પહેરાય ને આ રીતે શણગાર ન કરાય. એવાં ટોણા રોજ ઘરેઘરે વાગતાં હોય છે. કઈ વિચારધારાને ઘાસ નાખી રહ્યા છીએ એ જ સમજની બહાર છે. હજી ક્યાંક ક્યાંક ‘છોકરા-છોકરી’ સાથે રાસ લેતાં હોય તો સંસ્કૃતિનો વિરોધ માનવામાં આવે છે. મોટા શહેરોમાં તો ડિસ્કો દાંડિયાએ આ કાંટાવાડ તોડી નાખી છે.

જે પ્રાચીન સમયની વાત આગળ કરી અત્યારના ખેલૈયાઓને ટોકવામાં આવે છે. એ ટોકનારા માટે થોડી ‘પ્રાચીન’ વાતો અહીં મુકું છું. છેલ્લે નક્કી કરશું કે કોણ વધારે સ્ટાઈલિશ અને શૃંગારિક હતું.

પ્રાચીનગ્રંથ ‘ભાવપ્રકાશ’માં સ્ત્રીપુરુષ પરસ્પર વીંટળાઈને વેલની માફક ‘લતા રાસ’નું વર્ણન છે. અત્યારે જે નવી નવી સ્ટાઈલના દાંડિયા-સ્ટેપ યુગલોમાં રમાય છે એ પણ કંઈ નવા નથી. બસ નામ બદલાયા અને થોડું એડિશન. પ્રાચીન સમયમાં પણ બે જણનું ‘પંચીયું’, ચાર જણની ‘ચોકડી’, છ જણની ‘છકડી’ કે છ કે તેથી વધુ રાસરસિયાઓની ‘મધુબંસી’ ! હવામાં હાથ લહેરાવો કે કેડ લચકાવો જુના સ્ટેપને પોતીકો સ્ટેપ ગણી બધા ઝૂમે છે. અરે યાર.. દાંડિયા કે ગરબા ‘છોકરા-છોકરી’ અલગ રમે એ કેવી રીતે કલ્પના કરવી. તો તો દાંડિયા-પ્રિન્સ કૃષ્ણ એકલો જ રમત !!

ઘણાં આંખતીખા લવિંગોને ગીતના શબ્દોથી પણ પ્રૉબ્લેમ પડે છે. આવા ગીતો આપડે ન વગાડાય ને ફલાણા ગીતો આપણને ન શોભે! ત્યારે જરા ડોકિયું કર્યે પ્રાચીનતામાં… જુઓ એ સમયની વિચારધારા અને શૃંગારિક ચિત્રો…’સોળે શણગાર સજી…’

“અધર ડસે, ચીર ખસે, હસે તાલી દેઈ દેઈ… રૂપ સરસ, સોળ વરસ…નાચે થેઈથેઈ”

(અધર-હોંઠ, મિન્સ ચુંબન)આ પંક્તિઓ પ્રેમાનંદે મધ્યયુગમાં લખી. તો વળી થોભળદાસે લખેલું કે-

“હસી હસીને ચુંબન કરે રે, હાં હાં રે કંઠ બાંહડી નાખે”

આપણે તો પ્રેમરસ પોષનારા છીએ, પ્રેમની આપ-લે આપણને ગળે ઉતરવી જોઈએ, પરંતુ હમણાં તો ત્રાડ-ફાડ-રાડથી વાતે વાતે વિરોધ થાય છે. નવી જનરેશન પ્રેમાળ છે એતો સ્વીકારવાનું રહ્યું. ગરબીના પિતા દયારામ સુંદર માનસચિત્ર ઉપસાવે છે કે-

”રાતલડી કોની સંગ જાગ્યા? ઘાયલ છો જી,
નેનબાણ કેઈનાં વાગ્યાં? વાંકલડું તમ સામું કઈએ જોયું? મોહન છો, કઈ મોહિનીએ મન મોહયું ?”

પ્રાચીન સંસ્કૃતિ શણગાર અને શૃંગારથી છલોછલ ભરેલી છે. સોળ વર્ષની દામિની રાસ રમવા જતી હોય તેનું વર્ણન નરસિંહ મહેતા લખે છે કે,

“ચોળી ઉર ચમચમે, ઘમઘમે ઘૂઘરી, ઠમક ઠમકાવતી નેપૂર ભારી, ચલવે અંગ મોડતી, પિયુમન રંજની, જાણે ઘન દામિની ચમકે ભારી..”

આવા તો કેટલાય ઉદાહરણો મળે. વાત એમ છે કે પરિવર્તનનો ઓક્સિજન અપનાવો રહ્યો નહીંતર વર્ષોબાદ કાર્બન ડાયોક્સાઇડ બની રીટર્ન થશે.

ગરબાનું અપડેટ વર્ઝન આવી ચૂક્યું છે. અને જુવાનિયાઓએ ઇન્સ્ટોલ પણ કરી લીધું. હવે પ્રોબ્લેમધારીઓએ વાયરસ ફેલાવાનું બંધ કરી દાંડિયામાં જઇ શરીરના અને મનનાં થીજી ગયેલા હાંટકાઓને છુટ્ટા પાડવા જોઈએ. હજારો યુવક-યુવતીઓ એકસાથે નવાં નવાં સ્ટેપ ને એજ જૂનો આનંદ માણતાં હોય એ લ્હાવો જ અનેરો છે.

હા, પરિવર્તનમાં બધું સારું જ હોય એવું નથી. સાઈડ-ઇફેક્ટ થવાની જ પરંતુ થોડી રમવાની છૂટછાટ મળે તો ‘દબાયેલી સ્પ્રિંગ ઉછળે ઓછી’. અને જે સાચે જ દાંડિયા-રસિકો હોય એને તો પોતાનું રમવાનું મેદાન ખબર જ હોય. બાકી અન્ય મજનુઓને નવરાત્રી હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો. પણ થોડી ખુલ્લી વિચારધારાને પાણી આપવાની જરૂર ખરી.

પ્રાચીન અને વર્તમાનને સરખાવવાનું છોડી શણગારવાનું કામ કર્યા જેવું છે. નવી જનરેશનને નવી વિચારધારાની આઝાદી આપી ‘ડિસ્કો વિથ દાંડિયા’ રમવાની પરવાનગી મળવી જોઈએ. નવાનો ગમતો ગુલાલ કરી આવો નવા પરિવર્તનને પણ હસતાં ચહેરે આવકારીએ…. અને નોરતાંનાં નવાં રૂપને ઉજવીએ. આજે નહિ તો કાલે જે બદલાવ આવવાનો એ આવશે જ, એને કોઈ રોકી શકવાનું નથી. સો લેટ્સ પ્લે દાંડિયા… ડોન્ટ નાખીંગ ટાંટિયા..

ટીક ટૉક

મોજ તો ચારેતરફથી મળતી હોય છે પરંતુ એ મોજને માણવાની પણ કળા જોઈએ. કદાચ, વિરોધીઓ બનવા કરતાં દાંડિયાના તાલે નર્તક બનવું ભગવાનને વધારે પસંદ હશે !!

– જયદેવ પુરોહિત

( ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યૂઝ )
( બુધવાર, 17-10-2018 )

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x