ચકોડોળની નામંજૂરીએ મેળાઓમાં મોકળાશ રખાવી હતી અને વરસાદની રમઝટે નવરાત્રીમાં ખલેલ કરી હતી. ગણેશજી પણ પાણીમાં તરબોળ જ રહ્યા હતાં. એટલે કે આ વખતે તહેવારો આવ્યાં અને ગયાં એવું જ થયું. પરંતુ તહેવારો માણવામાં આપણને કોઈ ન પહોંચે. શું આપણે પરીક્ષાનો તહેવાર પણ ઉજવીશું?? વાતોથી નહીં હો, વર્તનથી..
શાળાઓમાં પરીક્ષાનો તહેવાર ધીમી ધારે શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓમાં નવરાત્રી જેવો ઉત્સાહ નહીં હોય પરંતુ ઉદાસીમાં પણ પરીક્ષાઓ જરૂર ઉજવાશે. લેવાં ખાતર લેવાશે અને લખવા ખાતર લખાશે. પેપરોનાં થપ્પા થશે ને લાલ બોલપેનના લીટા થશે. મેળવેલ ગુણમાં ભેળસેળ થશે ને ઉભી બજારે પોસ્ટરો લાગશે. શાળાનું નામ ચમકતું હશે ને પરિણામોનાં આંકડા આકાશ આંબતા હશે. પરંતુ આ આખી પ્રક્રિયા કોઈ જાદુગરીથી જરા પણ ઓછી ઉતરતી નથી.
વિચારવા જેવી બે ત્રણ વાત કરવી છે; આ સમયમાં ભણવું એટલે પૈસાનો જથ્થો ખર્ચવો. સરકારી શાળાઓમાં આપણને “પોસાતું” નથી. વાત છે વિદ્યાર્થીઓની અને એમનાં વાલીઓની. બાળક 1 થી 8 ધોરણ ભણે ત્યાં સુધી માતાપિતાના લાખો રૂપિયા વપરાય ગયા હોય છે અને 12 પાસ સુધી પહોંચે ત્યાં તો વાત જ ન પુછો. ખાનગી શાળાઓમાં ભણવા કરતાં અભણ રહેવું પોસાય એવો દાયકો ચાલે છે. માત્ર લૂંટાતી ફી ની દ્રષ્ટિએ…!!
‘તમારા બાળકને 95+ ટકાવારી અપાવીશું’ વગેરે લોભામણા વચનો આપણને મોંઘી સ્કૂલ તરફ તાણી જાય. કદાચ માનો 99 ટકાવારી આવી પણ ગઈ તો શું એને ડાયરેકટ જોબ મળી જશે! અથવા શું એ સૌથી હોશિયાર છે એવું લેબલ મળી જશે!
યાદ રાખો કે એ માત્ર ટકાવારી આપવાનાં જ લાખો કરોડો રૂપિયા લે છે. વિદ્યાર્થીને ટેલેન્ટેડ બનાવવાના નહીં. તમે કોઈ પર 12 વર્ષ દરવર્ષે લાખો રૂપિયા ખર્ચ કરો અને 12 વર્ષ પછી આપણને મળે શું? બાળકનો સામાન્ય વિકાસ બસ એજ. એનાથી વિશેષ કશું જ નહીં. પોતાના પોસ્ટરો ચમકાવવા બાળકોના ચહેરાઓનો જાણી જોઈને ઉપયોગ કરે છે.
હસવું આવે એવી વાત તો એ છે કે, કોઈ કંઈ બોલતું જ નથી. હજી નવમાં ધોરણની વાર્ષિક પરીક્ષા બાકી હોય અને એ પેલાં જ બાળકને 10 માં ધોરણનું ભણાવવામાં આવે છે. ન વાલીને પ્રશ્ન કે ન કોઈને તકલીફ. દર સાત દિવસે પરીક્ષા લેવામાં આવે, બાળક છે કે જેલનો કેદી…!!
લેશન… લેશન.. ને લેશન.. બસ. વિદ્યાર્થી સ્કૂલમાં દસ વર્ષ લેશન જ કરે છે. રમત ગમ્મત માત્ર ફોટા પાડવા પૂરતી થાય છે જેથી વાર્ષિક પત્રિકામાં એક બે ફોટો લગાવી શકાય.
વિદ્યાર્થીઓનો વિકાસ સાચે જ તપાસવાની ઈચ્છા હોય તો એમની મૌલિકતા તપાસો. 12 પાસ કરેલ વિદ્યાર્થી મૌલિકપણે કેટલું વિચારી શકે છે ને કેટલું બોલી શકે છે.
દુઃખની વાત તો એ છે કે, આજકાલ શાળાઓમાં બાળકોને મૌલિકતા પણ ગોખાવે છે. માત્ર પરીક્ષાની દોરીમાં બંધાયેલા વિદ્યાર્થીઓ પેદા કરતી શાળાઓ અઢળક છે. એક સામાન્ય ઉદાહરણ કદાચ તમને મગજમાં બેસે તો…
40 મિનિટનો એક પિરિયડ. અને ક્લાસમાં 70 થી 80 વિદ્યાર્થીઓ. એમનું લેશન જોવું, એમને નવું ભણાવવું, એમનાં વિશે જાણવું, એમના પ્રશ્નો સોલ્વ કરવાં, એમની બાજુમાં બેસીને નવું શીખવવું વગેરે વગેરે કરવાનું હોય છે. પણ 80 વિદ્યાર્થીઓ અને 40 મિનિટ અને 1 શિક્ષક. ખાલી બધાના એક વખત નામ બોલેને તો પણ છેલ્લાં 20 વિદ્યાર્થીઓ તો રહી જ જાય. હવે આમાં સર્વાંગી વિકાસ થયો એમ કેમ સમજી લેવું.
સમજદારને ઈશારો જ હોય. વાતનો મર્મ એટલો જ છે કે પૈસાનો ખર્ચ થાય છે તેટલું વળતર મળતું નથી. કે નથી મળતું ભણતર. વેલ ડ્રેસ, અને જ્યાં ન હોવી જોઈએ એવી ડીસીપ્લીન બતાવીને લાખો લૂંટે છે એમાં આપણે લૂંટાવું કે નહીં એ આપણે વિચારવું જ રહ્યું.
બાકી, વર્ષો વીતી જશે જેમ વીતે છે. ઘણા સ્કૂલો બનાવીને કરોડોપતિ થઈ ગયા પરંતુ એમની સ્કૂલમાંથી એકપણ વિદ્યાર્થી ક્યાંય કઈ ન બન્યો હોય એવી સ્કૂલો ગલીએ ગલીએ છે.
અંતે છેલ્લી વાત. પૈસા ખર્ચવાથી કે ફેસિલિટી દેવાથી વિધાર્થીને પાંખો નથી ફૂટી જતી. એટલે વિચારવું જરૂરી છે ને એના કરતાં પણ અનુસરવું ખૂબ જરૂરી.
વાત બધાની નથી થતી પરંતુ વાત બધે પણ નથી થતી એ વિચારવા જેવું કે નહીં !!
ટીક ટૉક
વર્તમાન શિક્ષણ : શિક્ષકો વક્તા અને વિદ્યાર્થીઓ શ્રોતા અને વાલીઓ દાતા
– જયદેવ પુરોહિત
૧૬/૧૦/૨૦૧૯
સંજોગ ન્યુઝ, અમરેલી