Blog

યે બાલા બાલા ક્યાં હૈ….યે બાલા..

બાલા… બાલા…. બાલા… જ્યારથી અપકમિંગ બાલા ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી “બાલા” શબ્દની બોલબાલા વધી ગઈ અને હાલ સોશિયલ મીડિયામાં હાઉસફુલ 4 ને પ્રમોટ કરવા “બાલા ચેલેન્જ” પણ ઓન ટ્રેડિંગ છે. પણ બાલા શબ્દ પર ચર્ચા ગંભીર છે. વાત છે સ્ક્રિપ્ટ ચોરીની…

આયુષ્માન ખુરાના પોતાની નટખટ ફિલ્મો દ્વારા ફેમસ થઈ ગયો. જે વિષયો પર એ ફિલ્મ સાઈન કરે છે એવી ફિલ્મો કરવાનો વિચાર પણ બીજા અભિનેતાઓ નથી કરતાં. હવે જેની શરૂઆત જ ‘વિકી ડોનર’થી થઈ હોય એમની સફર વિશિષ્ટ બને એમાં અચરજ નથી. બેક ટુ બેક 5 ફિલ્મો સુપરહિટ આપ્યાં બાદ ખુરાના સાહેબ હવે “બાલા” ફિલ્મમાં નજરે પડશે. બાલા એ હિન્દી શબ્દ છે. ગુજરાતીમાં કહીએ તો ‘વાળ ન ઉગવાની સમસ્યા’. ખરતાં વાળ અથવા પડતી ટાલ દર ત્રીજા માણસને પજવે છે. આવા સહજ ટોપિક પર ફિલ્મ બને, ખરેખર ક્રિએટિવિટી કહેવાય. પણ વાત કોર્ટમાં પહોંચી. કારણ કે, એક જ ટોપિક પર બે ફિલ્મો સાથે અથડાય, બાલા અને ઉજડા ચમન…!!

વાત છે 2017ની, કમલ કાંત ચંદ્રાએ બાલા ફિલ્મની સ્ટોરી લખી અને આયુષ્માનને સંભળાવી. એટલે ખુરાનાજીએ તરત મળવાનું નક્કી કર્યું. સ્ટોરી ખૂબ ગમી. કમલ કાંત ચંદ્રા પણ ખુશી ખુશી ત્યાંથી નીકળી ગયાં. એ એવાં ગયા કે પાછા આવ્યાં જ નહીં. કમલે ઘણી વાર આયુષ્માનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કંઈ થયું નહીં. અંતે એવો જવાબ મળ્યો કે, “હમણાં આયુષ્માનને આ પ્રોજેકટ પર કામ કરવાની ઈચ્છા નથી.” વાત પુરી થઈ. કમલ પણ શાંત બેસી ગયો. પણ જૂનો ઘા તાજો ત્યારે થયો જયારે ડાયરેકટર અમર કૌશિકે બાલા ફિલ્મની ઘોસણા કરી અને એ પણ આયુષ્માન સાથે. તડપ તડપ કે ઉસ(કમલ કાંત) દિલ સે આહ નીકલતી રહી….

કમલે ઘણી નોટિસ આપી પરંતુ કઈ ફેર પડ્યો નહિ તેથી તે કોર્ટમાં પહોંચી ગયો. ડાયરેકટર અમર કૌશિકે કહી દીધું કે, “હું આજ સુધી કયારેય કમલને મળ્યો જ નથી. અને હું પહેલેથી જ આ સ્ટોરી પર કામ કરતો હતો. એટલે કમલની સ્ક્રિપ્ટ ચોરવાનો પ્રશ્ન જ નથી રહેતો. અને રહી વાત કોર્ટની તો એ મામલો પ્રોડ્યુસરનો છે….” કમલ ભાઈ પાસે હવે કોઈ રસ્તો એવો હતો નહિ કે એ ‘સ્ક્રિપ્ટ પે સિર્ફ મેરા હક…’ એવું સાબિત કરી શકે. એટલે શાંત ઝરૂખે એ બેસી ગયાં. સત્ય શું છે એનાં મહત્ત્વ કરતાં કયું સત્ય સાબિત થાય છે એનું મહત્ત્વ છે. અને જેને સાબિતી મળે એજ સમાજનું સત્ય.

ફિલ્મ બની ગઈ, રિલીઝ કરવાની તારીખો પણ બદલાતી રહી. પરંતુ કોર્ટ કચેરી આદુ ખાઈને પાછળ પડી હોય એમ “ઉજડા ચમન” ફિલ્મના ડાયરેકટર અભિષેક પાઠક જાગ્યાં. એમને પણ બાલા ફિલ્મ પર ટોપિક કોપી કર્યાનો આરોપ લગાવ્યો. આમ જુઓ તો ફિલ્મ બે છે પણ સ્ટોરી એક જ. બંને ફિલ્મના પોસ્ટર સરખાં, બંને ફિલ્મના મુખ્ય પાત્રનો દેખાવ સરખો, બંને ફિલ્મના ટ્રેલર મળતાં જ આવે. ઉજડા ચમનની પેલાં બાલા રિલીઝ કરવા માટે જ બાલા ફિલ્મની તારીખો બદલાતી રહી છે. વાત અત્યારે તો કોર્ટમાં છે. જોઈએ કોના વાળ ખીલે ફુલે ને રેશમી બને…

અક્ષય કુમાર પણ બાલા શબ્દને લઈને ચર્ચામાં છે પરંતુ એ ક્યાંય વિવાદમાં નથી. પરંતુ એમનું આવનાર ફિલ્મ હાઉસફુલ 4, એમાં એમના પાત્રનું નામ બાલા છે. લૂક એકદમ ચમકતી ટાલ જ. એમનું એક ગીત આવ્યું, “શૈતાન કા સાલા, બાલા…” એ ગીતનો હુક સ્ટેપ જ “બાલા ચેલેન્જ” છે. ફિલ્મ પર ચર્ચા જગાવવાની નવી શોધ એટલે ચેલેન્જ આપો…

પણ બાલા ફિલ્મનો ખુરાફાતી આઈડિયા યુનિક તો છે. ડાયલોગ્સ ક્રિએટિવ હોવા જોઈએ એ આયુષ્માનની પહેલી ડિમાન્ડ હોય છે. સ્ટોરીને પ્રાધાન્ય આપવામાં એ અત્યારે મોખરે છે. અને એવી વાતો લઈને આવે કે જે આપણી આસપાસ જીવાતી હોય પણ ચર્ચાતી ન હોય. કૉમેડીની થાળીમાં વિચારોને આઝાદ કરવાની રેસિપી પીરસવામાં પણ આયુષ્માન ટોચ પર છે. જોઈએ હવે બાલા પહેલા આવે કે ઉજડા ચમન…

વાત આઈડિયા ચોરીની છે તો આપણી ચિંતા પણ કઈ ઓછી નથી. અહીં આપણે લખેલાં વિચારો ઘણા પોતાનું નામ નીચે લખીને ધરબી દે. આ મુદ્દો કોર્ટમાં લઈ જવાય કે નહિ..?? આતો ખાલી વાત થાય છે. બાકી કમલ કાંત ચંદ્રાની જેમ થાકી બાજુ પર બેસવાનું જ રહે.

“The cinegram” નામે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. ત્યાં ફિલ્મી રીવ્યુ નવા અંદાઝે અમે મુક્તા રહીએ છીએ, કેમ કે, એક કોલમમાં બધા ફિલ્મની વાત શક્ય નથી. તો ચેનલ પર જાવ અને the sky is pink ના રીવ્યુ જુઓ.

બાલાની બીમારી સારી, બાલા માટે કોર્ટ કચેરી ન સારી…ખીખીખી.

– જયદેવ પુરોહિત

18-10-2019

Sanjog news, Amreli

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x