Blog

કોઈ ઘટના જ્યારે તમાચો મારે ત્યારે

આપ દેખ રહે “સ્પીક ટાઈમ”…

આજકલ કી તાજા ખબર..

  • અમદાવાદમાં 1000થી વધુ ટ્યુશન કલાસીસ, 764 જેટલા કલાસીસમાં પોલીસે જાહેરનામાંની નોટિસ આપી
  • ટ્યૂશન ક્લાસ, દવાખાનાં અને રેસ્ટોરામાં NOC ના હોય તો વીજજોડાણ કાપો: જિલ્લા કલેક્ટર
  • વડોદરાથી ગ્રાઉન્ડ રિપોર્ટ / જે વર્ષોથી કરવાનું હતું તેનું ડહાપણ હવે સુઝ્યું..વડોદરામાં 112 ક્લાસ સીલ, વીજ કનેક્શન કપાયાં
  • સુરત અગ્નિકાંડ થતા તંત્રમાં મચી ભાગદોડ

જે થયું સુરત ક્લાસિસમાં એ ખરેખર સ્તબ્ધ હતું. એવાં સમયે શું કરવું અને શું ન કરવું એવી સમજ માનવ સહજને ન રહે. ગભરાઈ ગયેલો માનવ જીવ અંતે ભાગદોડ કરી શકે છે. એ બનાવથી એક બીજી ઘટના બની સમગ્ર ગુજરાતમાં. એ ઘટના એટલે “તંત્ર-જાગૃતિ”

એકાએક ટ્યુશન કલાસીસ બંધ કરાવા લાગ્યા. શિક્ષણને આડેધડ બેફામ ગાળો ભાંડવા લાગ્યા. જાણે પોતે શિક્ષણ મંત્રીની પદવી પર નિવૃત થયા હોય. સોશિયલ મીડિયાથી ભગવાન બચાવે. કોઈપણ બનાવને “રાષ્ટ્રીય ઘટના” બનાવવા સક્ષમ છે.

મોબાઈલ યુગમાં બીજો એક બદલાવ એ આવ્યો કે, સમાજમાં કોઈપણ ઘટના ઘટે , એ ઘટનાને સીધી રાજકારણ સાથે જોડી દે છે. માન ન માન મેં તેરા મહેમાન. ખેર, જવા દો. એ કોઈ રોકી નહિ શકે. કેમ કે લોકોને અફવા શેર કરવામાં નશો ચડે છે.

જ્યાં સુધી ગાલે તમાચો ન લાગે ત્યાં સુધી તંદ્રા ભાગતી નથી એ તો સાબિત થયું. જેવી આ ઘટના બની કે આખા રાજ્યના અધિકારીઓ સફાળા દોડતાં થઈ ગયા. ઘેર ઘેર ટ્યુશન કલાસ ચાલે છે. ગલીએ ગલીએ રેસ્ટોરન્ટ ધમધમે છે. રાતોરાત નોટિસો અપાવવા લાગી. ફાયર સેફટીની તપાસ થવા લાગી. કાયદેસર-ગેરકાયદેસર ચકાસણી પણ થવા લાગી. તો શું આ અધિકારીઓ સુરતની આગની પ્રતીક્ષામાં હતાં??? શું બદલાવ માટે કુદરત આપણને તમાચો મારે ત્યારે જ આપણે જાગીશું??

શું કરવું જોઈએ?? ટ્યુશન કલાસ અને ખાનગીકરણના બેઝિક નિયમો બનાવો. અને ખાસ સરકારમાન્ય પ્રમાણપત્ર દરવાજે ચોંટાડો. જે કલાસીસ સરકારમાન્ય ન હોય ત્યાં માતાપિતાએ અથવા જાગૃત સ્ટુડન્ટએ જવું જ નહીં. અને ટ્યુશન કલાસિસનો કોર્સ પૂર્ણ થયા બાદ “કલાસીસનું પ્રમાણપત્ર” અવશ્ય માંગો. અને ફી ભર્યાની કાયદેસર પહોંચ પણ માંગી શકો.

આવું પહેલી વાર નથી થયું. ઘણી વાર રેસ્ટોરન્ટ, ગેરકાયદેસર જમીન, ગેરકાયદેસર ખાનગી સ્કૂલોનું ચેકીંગ થયું જ છે. પરંતુ ત્રણ ચાર દિવસ સમાચારમાં મસાલો બની જાય એટલે બધું શાંત. કોઈને પૂર્ણતામાં રસ નથી. ગેરકાયદેસર વૃત્તિ આપણો સ્વભાવ બની ગયો. આમાં બધા દોષી છે. પરંતુ જ્યાં સુધી સૂડી વચ્ચે આંગળી કપાતી નથી ત્યાં સુધી પગની આંટી છૂટતી નથી. કોઈ નિમિત્ત ઘટના બનવાની રાહ બધાને રહે છે. પછી જ પરિવર્તન થતું હોય છે.

વાત છે સેફટીની. કલાસીસ બંધ થવા જોઈએ કે નહીં. એ મુદ્દો નથી. ફાયર સેફટીની બોટલ ઘરે ઘરે હોવી જ જોઈએ. આપણે સમાજને સેફટીના પાઠ ભણાવવા નીકળી પડ્યા મેસેજીસમાં. પરંતુ આપણું ઘર કેટલું સેફટી?? ગેસનો બાટલો, એ.સી, ફ્રીજ, વાયરિંગ વગેરે કોમન બધાના ઘરે હોય છે. આગ લાગવાની સંભાવના તો આપણા ઘરે પણ છે. અને ન કરે નારાયણ ને આગ ભભૂકી તો શું ફાયર બ્રિગેડની રાહ જોશો?? એક નાની ફાયર સેફટીની બોટલ ઘરે ઘરે રાખવા જેવી ખરી.

બાકી રહી વાત વેકેશનમાં ટ્યુશનની તો, જે છે એ બરોબર છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ ઘરે તો થતી નથી. શાળામાં પણ બધાને માર્કનો ઢગલો કરવામાં જ ફુરસત છે. વર્તમાન શાળા શિક્ષણને વિદ્યાર્થીના ભવિષ્યમાં કોઈ રસ નથી. બસ, માત્ર 20 વિદ્યાર્થીના સારા માર્ક આવે, પેપરમાં અને પોસ્ટરમાં ફોટો આવે અને એના લીધે 20 વધુ એડમિશન આવે એટલે શાળાનો જયજયકાર. ટ્યુશનમાં જવું ન જવું એ બધાનો પર્સનલ નિર્ણય હોય છે એમાં કોઈને દખલગીરી કરવાનો અધિકાર ન હોય. પરંતુ જે જગ્યાએ જઈએ છીએ ત્યાનું પ્રમાણપત્ર લેવાની જાગૃતતા હવે કેળવવી પડશે. કલાસીસ સરકારમાન્ય છે કે નહીં એ જોવાની કસરત પણ હવે કરવી પડશે. કેમ કે હવે તો સુરતના બનાવે સમગ્ર માનવજાતને તમાચો લગાવ્યો છે. જ્યારે કુદરત કોઈ પાઠ શીખવે છે ત્યારે જ આપણે સક્રિય થઈએ છીએ.

સેફટી જીવન જ પ્રાથમિકતા હોવી જોઈએ. વડાપ્રધાન ન બનીએ તો વાંધો નહિ પરંતુ સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવીએ એ પણ કામયાબી જ છે.

આવી અઘટિત ઘટનાઓ વારે વારે નથી બનતી. એ બની જતી હોય છે. એમાં આપણે સેન્સ વાપરી સામનો કરવો જોઈએ નહીં કે હોબાળો મચાવીને. જ્યારથી મોબાઈલ બોલતા થયા છે બધા ન્યાયાધીશો બની ગયા છે. સેફટી જીવન જીવો ભલે એજ્યુકેટેડ ન બની શકીએ.

લાસ્ટ વિકેટ

આજ શહેરોં મેં હૈ જિતને ખતરે

જંગલોં મેં ભી કહાઁ થે પહલે (અઝહર ઇનાયતી)

– જયદેવ પુરોહિત

27/05/2019

SANJOG NEWS, AMRELI

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x