Blog

હું : અહમ્ , અહંકાર કે આપણું અસ્તિત્વ

ગુજરાતી ભાષમાં જેટલું મહત્ત્વ શબ્દોનું નથી તેથી વધુ મહત્ત્વ ઉચ્ચારણનું છે. “હું ચિત્ર જોઉં છું” આવું સાદું વાક્ય પણ અનેકાર્થ જન્માવે છે. સૌ પ્રથમ તે વાક્ય તમે વાંચો. હવે “હું” શબ્દ પર ભાર મૂકી બોલો. અનુભવ થશે કે વજન માત્રથી “હું” શબ્દનો ભાવાર્થ તરત બદલાઈ જશે. જરા મોટેથી વાંચવાથી “અહમતા(i m something…) ” નો ધ્વનિ પડઘાય છે. જે સાંભળનારના મનમાં અપ્રિયતા લાવે છે. “શું સમજતો હશે પોતાની જાતને… જ્યારે હોય ત્યારે હું… હું …હું…જામ્યો હોય”.

છોટાઉદેપુર જિલ્લાની પ્રાદેશિક બોલીમાં “હું” નામનો વર્ણ જ નથી. તમને હું શબ્દ સાંભળવા જ ન મળે સિવાય કે બહારથી આવેલ લોકો પાસેથી. આપણે સામાન્યતઃ બોલતાં હોઈએ, “હું ખાઉં છું, હું આવું છું….” પરંતુ અહીં એ વાક્યપ્રયોગ જરા વિપરીત છે. અહીં “મેં ખાઉં છું.. મેં આવું છું…” હું ને બદલે મેં શબ્દપ્રયોગ થઈ રહ્યો છે. તો શું અહીંયાના લોકોમાં અહમ નથી???

ગીતાજીમાં ભગવાન જગત પરનું પોતાનું અસ્તિત્વ સમજાવતા વારંવાર “હું છું…હું છું…” એવું કહે છે.’નદીઓમાં હું જ ગંગા છું., હું જ આદિ, હું જ મધ્ય અને હું જ અંત છું,” અહીં ભગવાન હું ના ગુણગાન ગાઈ છે તો શાસ્ત્રોમાં રાક્ષસો પણ “હું” નો છેડો છોડતા નથી. “હું રાતે ન મરું, હું દિવસે ન મરું…” આ બધામાં “હું” જ મહત્ત્વનું છે. વળી ભગવાન રાક્ષસોને ‘તથાસ્તુ’ કહી વરદાન પણ આપી દે છે અને એજ નવા નવા રૂપે અવતરી “અહં બ્રહ્માસ્મિ” સાબિત કરે છે. અને સર્વોચ્ચ “હું” હું જ છું એવું કણ કણને યાદ કરાવે છે. ભગવાન અને રાક્ષસને “હું” બોલવાનો હક્ક છે. સામાન્ય જીવ માટે એ કેમ “અહમ” બની જાય છે???

“હું” એક અખંડ રહસ્ય છે. કયારેક સમજાતું નથી કે બોલતી વખતે માત્ર “હું” શબ્દ પર જોર દેવાથી આપણામાં “અહમ” કેમ આવી ગયો જણાઈ. ભાષા હજારો છે. શું ભગવાનને બધી ભાષાના “હું” ની જાણ હશે? અને જો ભગવાન પોતાનું અસ્તિત્વ સાબિત કરવા “હું જ છું” એમ કહી શકે તો આપણે તો નાશવંત મનુષ્યો જ ને. શું આપણો નાશ થવા માટે પણ “હું” ની જરૂર નથી?? અહંકાર નહિ જન્મે તો અવતાર કોણ ધારણ કરશે??

સંસ્કૃતમાં “અસ્ ભૂવી” ધાતુમાંથી “અસ્મિ” શબ્દ બને છે. આ અસનું વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ, એકવચન અસ્મિ છે. અસ્મિ શબ્દનો પ્રયોગ “અહમ” જોડે થાય છે. જેમ કે, “અહં બ્રહ્મા અસ્મિ”. “હું” એ સર્વનામ નથી પરંતુ હું એ સ્વનામ છે. માત્ર પોતાના માટે બોલતો શબ્દ.

“હું” આવ્યો ક્યાંથી?? અહમ પરથી, અને સંસ્કૃતમાં હુમ્ પરથી ! જે સંસ્કૃતમાં ‘હુમ’ છે એ પ્રાકૃતમાં ‘હું’ બની જાય છે. ચન્દ્રકાન્ત બક્ષી એક જગ્યાએ લખે છે કે, “હું” અવાજ એ સિંહનો અવાજ છે. સિંહનાદનો ધ્વનિ થાય છે : હૂં…! મારુ મંતવ્ય છે કે હું શબ્દ માણસે પોતાને માટે અપનાવી લીધો હશે જયારે એણે સિંહનું ગર્જન સાંભળ્યું હશે : ‘હું…! અને સિંહો ગુજરાતમાં જ હતાં… અને ‘હું’ ગુજરાતી ભાષામાં જ છે.”

“હું” શબ્દ લખવામાં જેટલો ઘાતક નથી તેટલો તે અલગ અલગ ઉચ્ચારણથી ઘાતક બને છે. હું શબ્દને બદલે આપણે “અમે” બોલવાનું શરૂ કરીએ તો… ગડબડ થશે. હું તને પ્રેમ કરું છું એમ નહિ પરંતુ અમે તને પ્રેમ કરીએ છીએ. જો થઈને ગડમથલ. હું એ આપણા હોવાપણાનું સબૂત છે. બધા પાસે પોતાનું હું છે. જે મૃત્યુ થાય ત્યાં સુધી જીવે છે. કોઈ કોઈના “હું” ને છીનવી શકતું નથી કારણ કે પોતાનું “હું” પણ આપણે સારી રીતે સાચવી શકતા નથી.

“હું” શબ્દને બને ત્યાં સુધી નીચા અવાજે અને પ્રેમાળ સ્વરમાં બોલવો નહિ તો લોકો “અહમ” સમજી લેશે. બાકી “હું” છે ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ અડગ છે. હું માંથી અમે અને આપણે થશે ત્યારે બધું બહુવચનમાં વહેંચાય જશે. માટે આપણી સ્પેશ્યલ સ્પેસ માટે પણ હું નું હોવું જરૂરી છે. બસ, ધ્વનિની કોમળતા હું ને કઠોર બનવા નથી દેતી.

લાસ્ટ વિકેટ

લોકો “હું” ને અહંકાર સમજે છે ને એક કલાકાર હંમેશા “હું”ને શોધતો હોય છે.

– જયદેવ પુરોહિત

10/06/2019

SANJOG NEWS, AMRELI

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x