Blog

સમાજની સનાતન સમસ્યાઓ

સમાજની સનાતન સમસ્યાઓ

મોંઘવારી, ગરીબી, બેરોજગારી, અને મંદી. આ આપણાં આદિકાળથી સાથી રહ્યા છે. આજ સુધી એ વફાદાર બની આપણા કદમે કદમે જોડે ચાલ્યાં છે. માંડ માંડ સ્થિતિ થોડી ઉકેલાતી ભાસે ત્યાં પછડાટ મળે. અને બીજીતરફ વધતી જતી આપણી ઢગલાબંધ જરૂરિયાતો. આ કોઈ અપેક્ષાઓ નથી, આ કોઈ આપણી ઈચ્છાઓ પણ નથી, છતાં એ છે. એ રહેશે પણ.

આજના સમયમાં બધા સરખાં છે. અમીર હોય કે ગરીબ મંદી બધાને અનુભવાય છે. અને એક હકીકત કહું તો મંદી વધુ તો અમીરોને નડે. ગરીબીની પોતાની એક રાજાશાહી હોય છે. રોજનું રોજ મળી રહેતું હોય. ન વધુ મળવાની લાલશા કે ન આવતીકાલ માટે સાચવી રાખવાની વૃત્તિ.

યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે. આ એક વિચિત્ર બેરોજગારી છે. કામ કરતાં યુવાનોની બેરોજગારી. કદાચ જે યુવાન 24/25 ઉંમરનો હોય એ સાવ નવરો તો ઘરે ન બેઠો હોય. કંઈકને કંઇક કામમાં લાગી જ ગયો હોય અને લાગી જવું પણ જોઈએ. છતાં બેરોજગારીનો આંકડો ઊંચો. એવું કેમ?? અવલોકન કરેલ એક સર્વે જણાવું તો, આજના સમયમાં જેની પાસે સરકારી નોકરી નથી એ પોતાની જાતને બેરોજગાર કહેવામાં આનંદિત થતો હોય છે. પછી ભલે તે ધોમધોકાર કામ કરતો હોય, મહિને 40-50 હજાર છાપતો હોય પરંતુ એની ગણતરી થાય બેરોજગારમાં.

સમાજમાં બે પ્રકારના યુવાનો છે. એક કે જેને સરકારી નોકરી જોઈએ છે, મળે તો ઠીક, નહીં તો પોતાની કુશળતામાં સંપૂર્ણ ભરોસો. અને બીજા યુવાનો એ કે, “બોસ, સરકારી નોકરી જોઈએ એટલે જોઈએ જ…” એમાંથી ઘણાને મળે અને ઘણાં રાહ જોવામાં 33 વટાવી પણ જાય. સરકારના ભરતીના નિયમો પણ અટપટા છે. આજના સમયમાં રાહ જોઈને બેઠાં રહો તો કટાઈ જાઉં. કાં તો સરકારી નોકરી મેળવવા પાગલ બની “મહેનત” કરો, કાં તો જે મળે એ કામ કરો. કામ મળશે એટલે બીજા હજારો નવાં રસ્તાઓ ખૂલશે. બેરોજગારી ભલે હોય પણ આપણે બેરોજગાર રહેવું કે નહિ, એ તો આપણો પોતાનો નિર્ણય ને!!

આવનાર ભવિષ્યમાં જીવનની જરૂરિયાતો વધશે જ ઘટશે નહિ. એટલે પછી ખર્ચ વધુ અને આવક ઓછી થશે. માટે મંદી અનુભવાશે. મોંઘવારી પણ વિકાસ કરશે જ. અને ગરીબીની વ્યાખ્યા બદલાય જશે. હાથમાં સ્માર્ટફોન હોય, ચમકતાં બુટ હોય, કપડામાં કચરલી ન હોય, અને ઉપર છત અને પંખો હોય એને ગરીબ કેમ કહેવું!! આ તમામ વસ્તુઓ અત્યારે દરેક પાસે છે. ઝૂંપડાથી લઈ ઝરૂખા સુધી બધાનું જીવન કંઈક ખાસ છે. સાવ લઘર-વઘર કહેવાય એવાં લોકો હવે ક્યાંક જ જોવા મળે છે. માણસની રહેણીકરણી અપડેટ થઈ છે. જીવનશૈલી સુધરી છે. ગરીબી એ દૃષ્ટિએ તો ઘટી છે.

વાત માત્ર ભારતની નથી, ગમે તે દેશમાં નજર કરો. આ ચાર મુદ્દા જોવા મળે જ. બેરોજગારીમાં આપણે આગળ હોઈએ, કારણ કે, વિદેશીઓ કામઢા હોય. આપણે અહીં આળસ વૃત્તિ વધુ અને કામ કર્યા વિના જ કમાવાની માનસિકતા વધુ છે.

મોંઘવારી ઘટશે એવાં એંધાણ હાલ તો દેખાતા નથી, બેરોજગારી પણ નહિ ઘટે, કારણ કે, બધા જ સ્નાતક સુધી તો ભણવા લાગ્યાં, એટલે જોબ તો જોશે જ. ગરીબીનો પ્રશ્ન ઓછો થશે પરંતુ નાબૂદ તો નહીં જ. અને મંદી. મંદી કોઈ માખી નથી કે ફૂંક મારો ને ઉડી જાય. મંદી થવામાં પણ સમય લાગે અને મંદી દૂર થવામાં તો બમણો સમય લાગે. માટે આ સમસ્યાઓ આપણી જન્મજાત છે. એ રહેશે જ. સનાતન સમસ્યાઓ…

ટીક ટૉક

પ્રજા કહે, છે નેતા દોષી,
નેતા કહે, છે જન-દોષી

– જયદેવ પુરોહિત

04/09/2019
સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x