Blog

મિત્રતામાં સાચું જીવન જીવતાં હું અને તમે…

આપણી ઈજ્જતના ધજીયા ઉડાવવાની તાકાત કોની પાસે હોય?? આપણા રહસ્યોને રહસ્યો રાખવાની જવાબદારી કોની પાસે હોય? આપણા વિશે ક્યાં, કયારે અને કેવું બોલવું એ આપણા કરતા વધારે કોણ ધ્યાન રાખે?? આ બધાનો જવાબ છે … પરમ મિત્ર. (પરમ શબ્દનો પ્રયોગ શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા દર્શાવવા થાય છે. પરમાત્મા, ગુરુ સાક્ષાત પરં બ્રહ્મ…)

માણસ સૌથી વધુ કમ્ફર્ટેબલ બેસ્ટ ફ્રેન્ડ સાથે હોય છે. જેમ કે, એમનો ફોન ગમે તે સ્થિતિમાં રિસીવ કરી લેવો(દિગમ્બર અવતારમાં પણ..), દિવસમાં કોઈ ઘટના ઘટે તો સૌપ્રથમ દોસ્તને જણાવીએ, એ પછી કોઈએ આપણને માર માર્યો હોય કે કોઈ છોકરી મલકાયને ગઈ હોય, આપણે જે અર્ધસત્ય પરિવારને કહેતા હોય એનું સંપૂર્ણ સત્ય મિત્રને ખબર હોય છે. દુનિયાની સામે કદાચ ગાળો ન બોલતા હોઈએ, પણ પરમ મિત્રોની મહેફિલમાં ખુલ્લેઆમ ખુલતાં હોઈએ આપણે.

વ્યક્તિ જ્યાં ખોટું ન બોલી શકે એ સ્થાન એટલે મિત્રતા.

હા, ગઈકાલે ઘણા ઇમોશનલ થઈને બધા સંબંધમાં મિત્રતા ઘુસાડવા લાગ્યાં હતા. પણ બધા સંબંધને મિત્રતાની જેમ નિભાવતા નથી પાછા. મમ્મી,પપ્પા,ભાઈ, બહેન આ બધા સંબંધને મિત્રતાનું નામ ન આપી શકીએ. એમનું સ્થાન મિત્રતા કરતા પણ ઉચ્ચ છે જ. જન્મ થયો એટલે એ સંબંધ શરૂ.. પણ મિત્રતા શરૂ થતી નથી. મિત્રતાનો સંબંધ એટલે મળ્યાં, વધુ મળ્યાં, ભેટયા, રોજ ભેટવા લાગ્યાં, બન્નેમાં કઈક સામ્યતા શોધવા લાગ્યાં, સાથેનો સમય માણવા લાગ્યા, અને એકબીજામાં ઓગળી ગયા. એ મિત્રતા. એ પરમ મિત્રતા.

થોડા દિવસો પહેલા લખેલી મારી હિન્દી કાવ્ય બધાની મિત્રતાને વાચા આપવા પૂરતી છે…

चाहे वक्त हो बेवफा, चाहे सब हो खफा
फिर भी, ना रूकने दे, ना कभी झुकने दे
वो दोस्त होते हैं

चाहे खुशिया तमाम हो, या हो गुलशन,
मुस्कुराहट मैं भी बटवारा करवाएं,
वो दोस्त होते हैं

कभी टांग खिचाई तो कभी आसमान चढाई
लेकिन आखरी आह तक, जलनकी रूह तक
हाथ मैं जीसकी हो कलाई
वो दोस्त होते हैं

મિત્રતા પ્રેમ કરતા ચડિયાતી છે. કેમ કે, પ્રેમનું પહેલું પગથિયું જ મિત્રતા છે. મિત્રતા કયારેય ગરીબ નથી હોતી. મિત્રતામાં કયારેય જાતિવાદ નથી નડતો. મિત્રતામાં બધા સમાન. બધાનું અસ્તિત્વ સમાન.બધાની ફરજ સમાન. બધાની લાયકાત સરખી, અને બધાની ઔકાત પણ સરખી.

મિત્રતાની વ્યાખ્યા હજાર હોય શકે પણ બધાની મિત્રતા અલગ જ રહેવાની. કોઈ મિત્રોના નામે શરાબ પી લે, તો કોઈ મિત્રતાને નામે શરાબ છોડી દે, કોઈ મિત્રતાને નામે વ્યસની બની જાય તો કોઈની મિત્રતા વ્યસનને છોડાવી દે, કોઈની મિત્રતા સારી ટેવો પડાવે ને કોઈની મિત્રતા ખરાબ ટેવોથી શરૂ થાય, કોઈની મિત્રતા જીવનથી ભટકાવી દે ને કોઈની મિત્રતા જીવન સુધારી દે, કોઈની મિત્રતા ડૂબાડી દે ને કોઈની મિત્રતા દરિયો પાર કરાવે… પણ છે બધી મિત્રતા.

મિત્રતાને જજ કરવાનો અધિકાર કોઈનો હોતો નથી. અને મિત્રતા પણ શું વિચારી વિચારીને કરશો?? મિત્રતા એક એવો સંબંધ છે જ્યાં કોઈ પરંપરા, કોઈ રિવાજ,કોઈ ધર્મ કે કોઈ મર્યાદા આડે આવતી નથી.

જ્યાં બગડવાની મજા હોય, જ્યાં પાગલ થવાની પરવાનગી હોય, જીવનના બધા જ પ્રસંગોમાં જેની પહેલી હાજરી હોય, આપણા દુઃખોમાં આપણા કરતા પણ વધારે જે વ્યક્તિ દુઃખી હોય, પોતા પાસે પૈસા ન હોય છતાં બાજુવાળા પાસેથી લઈ આપણને આપતાં હોય, મળવા આવવા માટે ઘરમાં ઝઘડો પણ કરી લે, ઘરમાં બે-ચાર બોલ સાંભળીને પણ હસતાં ચહેરે આપણને મળવા પહોંચી જાય એ મિત્ર, એ સખા અને એજ આપણી કોણીનો ટેકો…!!

“એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહિ હો સકતે” એવા ફિલ્મી ડાયલોગ્સને સરેઆમ જૂઠા સાબિત કરે એવા છોકરા છોકરીની મિત્રતા બહુ મજબૂત હોય છે. એક છોકરી અને એક છોકરો દોસ્ત હોય છે પણ સમાજમાં અમુકને આવી મિત્રતા ગળા નીચે ઉતરતી નથી એટલે ઉલટી કરવાનું શરૂ કરે. પણ મિત્રોને કોઈ ફેર પડતો નથી.

આસપાસની પબ્લિકથી જે સંબંધને કોઈ જ ફેર ન પડે એ સંબંધ એટલે મિત્રતા…યારી…
બસ, આજે એમ જ મિત્રો વિશે, મિત્રતા વિશે લખવું હતું, ન કોઈ સંદર્ભ, ન કોઈ મોટી વાતો, ન કોઈની દોસ્તીના ઉદાહરણ, ન કોઈ ભારે શબ્દો, ન કોઈ લેખકો, કવિઓના ક્વોટ, કે ન કોઈની દોસ્તીના વખાણ.

કેમ કે, બધાની મિત્રતા યુનિક છે. બધાની મિત્રતા અલગ છે. અજબ છે. ગજબ છે. એટલે આ આર્ટિકલ પરમ મિત્રોને અર્પણ… અને પરમ મિત્રતાને નામ.

જીવનમાં મિત્રોનું હોવું એટલે કૃષ્ણનું સાથ હોવું.

લાસ્ટ વિકેટ

તારું બકબક ને મારી લવારી
લગોલગ છે આપણી યારી

– જયદેવ પુરોહિત

02/08/2019
SANJOG NEWS, AMRELI

4.3 6 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Hetal Inamdar
Hetal Inamdar
1 year ago

ખુબ જ સરસ મિત્રતા વિશે રજૂ કરી શક્યા છો. મિત્રનુ મહત્વ દરેકના જીવનમાં કંઈક અલગ જ પ્રકારનુ હોય છે. કદાચ તેને શબ્દો દ્વારા વાચા આપવી કે વ્યાખ્યાયિત કરવી ખુબ જ કઠીન છે. છતા આપે આપની લાગણીઓને ઘણો સારો ન્યાય આપવાનો ઉમદા પ્રયત્ન ચોક્કસ જ કર્યો છે. 🙏

Hina Purohit
Hina Purohit
1 year ago

Vahhh👌👌👌👌

2
0
Would love your thoughts, please comment.x
()
x