પાકિસ્તાન પાસે કાશ્મીર હતું ને આપણે છીનવી લીધું, એવું માનનારા ઓછાં નથી. જાણે પાકિસ્તાનને પરાસ્ત કરીને આપણે કાશ્મીર કબ્જે કર્યું હોય. કાશ્મીર નહોતું ભારતનું કે નહોતું પાકિસ્તાનનું. એ સ્વતંત્ર નાગરિકતા ધરાવતો પ્રદેશ હતો.
વચ્ચે ગોળ કુંડાળું કરી વચ્ચે રૂમાલ રાખી બન્ને ટીમમાંથી એક એક ખેલાડી આવે, જે રૂમાલ પોતાની બાજુ લઈ જાય એ વિજેતા. આ રમત આપણે રમ્યા હશું. બસ, એ રૂમાલ એટલે કાશ્મીર. અને મોદી સરકાર રૂમાલ લેવામાં સફળ રહી. આમ તો ઘરની ભૂલ સુધારીને થિંગડું લગાડ્યું છે સરકારે, ભારતના પૂર્વમંત્રીઓએ કરેલી થોડી ઢીલાશને વર્તમાનની સરકારે પાછી ખેંચી છે. અને સર્વસ્વ હક જમાવ્યો છે. ઐતિહાસિક દિવસ હતો 5 ઑગસ્ટ 2019નો…!
બે પ્રકારના નેતાઓ હોય છે, એક – કે જે પરિસ્થિતિ પ્રમાણે પ્રવાહમાં વહ્યા કરે અને બે- કે જે પરિસ્થિતિને બદલી પોતાનો નવો માર્ગ બનાવે. જે ભારે ભરખમ નિર્ણયો લઈ શકે એ જ પરિસ્થિતિ બદલી શકે. અને જે પરિસ્થિતિ બદલી શકે એ જ પરિવર્તન લાવી શકે. આ સરકાર પરાક્રમી છે. ગણ્યાગાંઠ્યા નેતાઓ છે જે સાહસી છે, પરંતુ બધા પ્રધાન સત્તાઓ પર છે એટલે દેશને પરિવર્તનનો માર્ગ મળતો રહે છે. જે સાહસ કરે એજ રાજા કહેવાય.
વાત છે કાશ્મીરની તો, સુઈ ચૂભી છે, રૂઝાતા સમય લાગશે. પણ પછી એજ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના સૂત્રોચ્ચાર કરતા થઈ જશે. જે પૈસા અહીંથી કાશ્મીર પહોંચતા અને પથ્થર બની જતા એ પૈસા હવે ફૂલ બનશે. મોદી મેજીક ત્યાં પણ અનુભવાશે અને ચોતરફ વિકાસ થશે. જેવો વિકાસ થશે એટલે કાશ્મીર પર ગાળો ભાંડનારા ગુફામાં ઘુસી જશે. અત્યારે પણ કાશ્મીર નિર્ણય પર વિરોધમાં બોલવું એટલે જાતને આતંકવાદી સાબિત કરવી.
ઘણાને લાગતું હશે કે વર્ષોનો પ્રશ્ન એક ઝાટકે કઈ રીતે થાળે પડી ગયો. તો એક વાત કહી દઉં કે, મોદી જયારે સત્તા પર આવ્યો એટલે સૌપ્રથમ એમણે કાશ્મીર મુદ્દા પર ડગલાં માંડ્યા હતાં. વિદેશ યાત્રાઓ, આસપાસના દેશોને વિશ્વાસમાં લેવાં, આપણું સૈન્ય બળ મજબૂત કરવું, શસ્ત્ર બાબતે સમૃદ્ધિ લાવવી, અન્ય દેશોને પણ આંતકવાદ સામે ઊભા કરવાં, શક્તિશાળી દેશોને અહેસાસ કરાવવો કે ભારત એક શ્રેષ્ઠ વિચારધારાનો જનેતા છે. પાકિસ્તાનની હરામખોરી ખુલ્લી પાડવી, અન્ય દેશો પણ પાકિસ્તાનને ગાંઠતા નહિ. વિકાસ થયાની તૃપ્તિ ભારતીયોને કરાવવી, મોદી જે કરે એ યોગ્ય છે એવો વિશ્વાસનો ઘૂંટડો ભારતની અણસમજ પબ્લિકને ઉતરાવ્યો, નોટબંધી પણ એમાનું જ એક સાહસી પગલું હતું. આ બધાનો સરવાળો થયો ત્યારે કાશ્મીર હાથમાં આવ્યું.
મોદી સરકારના નિર્ણયોને ફ્લેશબેકમાં યાદ કરો તો ખ્યાલ આવશે કે કાશ્મીર જીતવાની તૈયારી બહુત પુરાની હૈ. અમિત શાહ અઠવાડિયું ત્યાં ગયા ને ફેંસલો થઈ ગયો. એવું જરા પણ નથી. જે લીડર આવનાર સમયની કલ્પના કરી વર્તમાનમાં નિર્ણય કરતો હોય એ હંમેશા સફળ રહે છે. અને સફળતા ચિરકાલ સુધી રહે છે. એ સફળતા ક્ષણિક નથી હોતી. એ વ્યક્તિત્વ પણ અમર થઈ જાય છે.
સમયજતાં આ મુદ્દો પણ સમયના પ્રવાહમાં વિસરાય જશે. અને કાશ્મીર પણ ધબકતું થઈ જશે. પરિસ્થિતિ બદલાય એટલે પથ્થરમારો થાય એ સ્વાભાવિક છે. પરંતુ પરિવર્તન થતા બધું બરાબર થઈ જતું હોય છે. પરિવર્તન સમય માંગે છે. પરિસ્થિતિની વિરુદ્ધ દિશામાં જઈને નિર્ણયો લેવા એટલે આમ તો સળગતું લાકડું હાથમાં પકડવું. પરંતુ પાકેલી બુદ્ધિ હોય એટલે વરસાદ પહેલાં જ કૂવા ખોદીને રાખે.
આ જીત આઝાદી મળ્યા પછીની સૌથી મોટી જીત છે. પોતાનું જ કાળજું પાછું લાવતાં વર્ષો લાગ્યાં. કોઈએ કદાચ પ્રયાસ જ ન કર્યો, અથવા કોઈ પાસે આવું વિઝન જ નહોતું. વાત નિર્ણયશક્તિની છે.
જેમ જેમ તમે સફળ થતા જાવ, તેમ તેમ લોકોની અપેક્ષાઓ આપણા પર હાવી થતી જતી હોય છે. એ અપેક્ષાઓને પચાવી લોકોને પણ સાથે રાખી પબ્લિસિટી ટકાવી રાખવી મોદી પાસેથી શીખવા જેવી ખરી. અને કામ ચૂપ થઈને કરવું અને કામ સફળ થયાના ધડાકા બૂમો પાડીને કરો. લોકોએ સફળતાને વધાવી લેવાં તૈયાર જ છે.
લાસ્ટવિકેટ
કાશ્મીરને હવે ખુલ્લું આકાશ મળ્યું, ગૂંગળામણને ગમ્મત મળશે, મૌનને ત્રાડ મળશે, ગુલાબને ફોરમ મળશે, હવાને આઝાદી મળશે અને વિચારોને “સ્પીકટાઇમ” મળશે….”
– જયદેવ પુરોહિત
12/08/2019
SANJOG NEWS, AMRELI