Blog

રડવાનું છોડ હવે ને લડવાનું પ્રણ લે

ભગવાને માણસો તો બનાવ્યા પણ અદેખાઈ કરી, ભગવાને વિશ્વ બનાવ્યું પણ અન્યાય રાખ્યો… બધાના નસીબમાં જીત લખી ને મારા તકદીરમાં હાર…

આ બધું હું મારુ નથી કહેતો પરંતુ મોટાભાગના લોકો આવા રોદણાં રોતા હોય છે. કોઈને બંગલો તો કોઈને ઝુંપડી, કોઈને પરિવાર તો કોઈને અનાથ, કોઈને છત તો કોઈને ફૂટપાથ… આવું જો વિચારવા બેસીએ તો હરક્ષણે ભગવાન દોષી લાગે. પરંતુ સત્ય કઈક જુદું છે. મને નથી લાગતું કે ભગવાન બધાના નસીબ લખતો હશે! મને નથી લાગતું કે ભગવાન એકએકનું પર્સનલ લિસ્ટ બનાવતો હશે… શું માનવું છે તમારું?? ભગવાન આટલાં ફ્રી હશે..??

તો, જવાબ છે ના. તો બીજો પ્રશ્ન થાય કે, તો શું લખતો હશે ભગવાન… યાદ રાખો ભગવાન એક જ વાક્ય લખે છે બધાની કુંડળીમાં.. .. માત્ર ચાર જ શબ્દો…

“હું જ મારો ભાગ્યવિધાતા….”
“હું જ મારો ભાગ્યવિધાતા….”

તું જ તારો અજવાસ છો ને તું જ તારો શ્વાસ છો. તું જ તારું ભાગ્ય લખ ને તું જ તારો કર હિસાબ. રડવાનું છોડ હવે ને લડવાનું પ્રણ લે. તું જ તારો અર્જુન ને તું જ તારો કૃષ્ણ થા.

ઈતિહાસની વાતોને વાંચી જુઓ તો સમજાશે કે, જેને જેને મહેનતને શસ્ત્ર બનાવ્યું છે એજ લોકોએ વિશ્વ ડોલાવ્યું છે. બે કદમ ચાલવાનું નક્કી કરીએ એટલે ઠેસ વાગે, ઠોકર પણ વાગે, કોઈ માર્ગમાં પથ્થર પણ ફેંકે ને કોઈ હડસેલવા પણ આવે… પણ આમ હારીને બેસી જઉં, નસીબનું નામ દઈને બચી જઉં, એતો હિંમત હારેલાનું કામ, બાકી જેના કાળજામાં કઈક કરવાની આગ સળગતી હોય, આંખોમાં પરિશ્રમનું તેજ હોય, પગમાં ઝઝૂમવાની આવડત હોય, અને હાથમાં લકીર બદલવાની તાકાત હોય.. એજ પોતાના ભાગ્યવિધાતા બની શકે.

એક તો એવો વ્યક્તિ બતાવો કે જેને દુઃખ ન જોયું હોય, એક તો એવો માણસ ગોતી લાવો કે જેને કયારેય તકલીફ ન પડી હોય, એક તો એવો શૂરવીર શોધી લાવો કે જેને પરાક્રમ વિના જ લોકચાહના મળી હોય. જે પરાક્રમ કરી જાણે એને જ દુનિયા નમસ્કાર કરે. બાકી, આ દુનિયા એમ કોઈને નમે નહિ. અહીં પોતે જ પોતાના નસીબ લખવા પડે, પોતાનું જીવન પોતે જ બદલવું પડે, પોતાનું નામ પોતે જ કમાવવું પડે.

હા, કોઈનો સાથ મળે, કોઈનો સહકાર મળે પરંતુ રસ્તા પર ચાલવું તો આપણે જ પડે. અને બીજાના ઉપકારે મળેલી જાહોજલાલી લાંબો સમય ટકતી નથી. કોઈ આપણને મેદાન સુધી પહોંચાડી શકે છે પણ યુદ્ધ તો આપણે જ કરવું પડે. સમગ્ર વિશ્વની રચના જ એવી અદભુત છે કે, કોઈ ભેદભાવ નહિ કે ન કોઈ લાગવગ. ભગવાને બધાના નસીબમાં મહેનત લખી છે. બધાને કોરું કાગળ આપ્યું અને કહ્યું કે, “જાઓ પૃથ્વી પર અને લખો તમારું ભાગ્ય…”

પરંતુ આપણે ક્યાંકને ક્યાંક અટવાય ગયા, એકબીજાના ટાંટિયા ખેંચવામાં ફસાઈ ગયા, આંધળી દોડમાં ભાગ લઈ લીધો. કોઈ જેવું બનવામાં જાતને છેતરવા પણ તૈયાર થયા, પોતાનું મકાન બનાવવા બીજાનું ઝૂંપડું તોડવા પણ તૈયાર થયા, જલ્દી પૈસાદાર બનવાના લાલચમાં આપણે બધા ક્યાંક ભૂલા પડ્યા છીએ, ચારેકોર સ્પર્ધાનું વાતાવરણ ઉભું કરીને જે પ્રદુષણ ફેલાણું છે… વાત ન પૂછો.

આ કોપી-પેસ્ટના જમાનામાં પોતાના સિદ્ધાંતો પર જીવનારા બહુ ઓછા છે. પોતાના વિચારોને વળગી રહેનારા આંગળીને વેઢે ગણાય જાય એટલા જ છે. પોતાનું ભાગ્ય પોતે જ લખનારા ઓછા છે… જરૂર છે એવા અડગ મનના મુસાફરોની, જરૂર છે એવા પાગલ માણસોની, જે ક્યારેય હાર ન માને. એવા લોકો ક્યાં મળશે?? શું એવા લોકોની ફેકટરી હશે?? એવા લોકોની ક્યાંય ખાણ હશે?? … અરે ના.. ક્યાંય નહિ મળે.. એવા લોકો એટલે તમે ને હું.

આપણે જ છીએ આપણા ભાગ્યવિધાતા… આપણે જ છીએ આપણા રચયિતા…

ટીક ટૉક

કિયે હૈ હાથ દો-દો, વક્ત કા મારા નહીં હૂં મૈં
ના જિસસે સ્વર કોઈ થિરકે, વો ઇકતારા નહીં હૂં મૈં
અગર મિલ નહિ પાઈ હૈ મુજે જીત તો ક્યાં હૈ
અભી ભી લડ રહા હૂં, આજ તક હારા નહીં હૂં મૈં (અજ્ઞાત)

– જયદેવ પુરોહિત

09/10/2019
SANJOG NEWS, AMRELI

2.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
VAANI
VAANI
1 year ago

જયારે માણસ પોતાનું સામર્થ્ય ભૂલી જાય ત્યારે એનું નસીબ કોઈ બીજું લખતું હોય છે. મજાનો લેખ…. લિખતે રહો.

2
0
Would love your thoughts, please comment.x
()
x