ફોન કે વેબસાઈટની હિસ્ટ્રી આપણે સરળતાથી ડીલીટ કરી શકીએ છીએ. શું એ જ પ્રોસેસ આપણે આપણી યાદો સાથે કે જીવાયેલી જિંદગી સાથે કરી શકીએ?? વિજ્ઞાન એવું કહે છે કે, ભવિષ્યમાં લોકો મગજની મેમરી ડીલીટ કરી શકશે. પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક ટીનેજર સ્પેશ્યલ વેબસિરિઝમાં આ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. એ વેબસિરિઝનું નામ છે “THE A LIST”
13 એપિસોડની આ વેબસિરિઝ એક રોમાંચક સફર છે. વિજ્ઞાનની તાકાત અને વનસ્પતિનું સજીવન ઘુમવું આબેહૂબ બતાવ્યું છે. વૃક્ષો પણ આપસમાં વાતો કરી શકતા હતાં એવું ઇતિહાસ કહે છે. એ વાતને અહીં સારી રીતે દર્શાવાય છે. ટ્રાવેલિંગ કેમ્પ અને એમાં રોમાંચક સ્ટોરી ડ્રામા. અને આમપણ અંગ્રેજી વેબસિરિઝો માણો એટલે કઈક નવીનતા અને કઈક નવો ટેસ્ટ જોવા મળે જ. આપણે અહીં હવે વેબસિરિઝનો અતિરેક રોમાંચ ઘટાડે છે. એકને એક સ્ટોરી, મર્ડર મિસ્ટ્રી કા અદાલતમાં પહોંચતી વાર્તાઓ. અથવા અંડરવર્લ્ડ ડોનની બેશુમાર ખુલ્લેઆમ ફાઈટિંગ/ફાઈરિંગ. અતિરેક નફરત પેદા કરે… અતિરેક અણગમો પેદા કરે… અતિરેકતા કંટાળો પેદા કરે…
The A list જાણે એક જંગલીય પ્રવાસ. કેમ્પ પર ગયેલા ૨૦ જેટલા જુવાનિયા અને સાથે બે અનુભવીઓ. શરૂઆતનું મ્યુઝિક જ તમને વાર્તામાં ઇનવોલ્વ કરી દેશે. મિયા નામની અતરંગી છોકરી વાર્તાને આગળ વધારે છે. અને એમ્બર નામની નાજુક નમણી છોકરી વાર્તાને મસાલેદાર બનાવે છે. એમ્બરને એટલી આકર્ષક બતાવવામાં આવી કે, બે મિનિટ દર્શક પણ મોહિત થઈ જાય. અને એમની સ્ટ્રોંગ બોડી લેંગ્વેઝ લાળ ટપકાવે. આખું ગ્રુપ ધીમે ધીમે એકબીજાને જાણે. મિયા અને ડેવ નામનો રૂપાળો છોકરો સાથે જ ફરતા.. સમજી ગયા ને..!!
એમ્બર પાસે એવો પાવર હોય છે કે, એ લોકોને પોતાના વશમાં કરી લોકોની પાછળની યાદો થોડા સમય માટે ભુલાવી શકે. છે ને અદભુત…!! બધા પાત્રો સ્ટોરીમાં ઇનવોલ્વ છે. એલેક્સ, જેના, પીટલ, મેક્સ વેગેરે… !! મિયાને શક જાય કે એમ્બર એ એમ્બર નથી. એ કઈક અલગ છે અથવા એમની પાસે કઈક તો પાવર છે. એ શોધખોળ કરે અને હકીકતની નજીક પહોંચે છે. જુદી જુદી એક્ટિવિટીસની મજા અને એમાંથી પસાર થતી વાર્તા જોવા જેવી ખરી.
એક વર્ષ પહેલાં પણ આ જ ગ્રુપ એ જ જંગલમાં કેમ્પ કરવા આવ્યું હોય છે. પરંતુ એ વાત કોઈને યાદ નથી હોતી. કારણ? એમ્બરનો પાવર. જુના ફોટો મળે, જંગલ પણ પોતાનું એક પાત્ર અહીં ભજવે છે. વાત કરી એમ, વૃક્ષોનું બોલવું, ડાળીઓનું હલનચલન થોડું ડરામણું અને મજેદાર છે. એ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળવો, એમ્બરની ટીમ મોટી થતી જવી. એકવર્ષ પહેલાં થયેલું મૃત્યુ ફરી જીવંત થવું. મતલબ કે, વાર્તામાં બધું છે. વિજ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાન. બધું જ. બેગ્રાઉન્ડ સંગીત પણ મજેદાર. અને વચ્ચે આવતાં 2 ઈંગ્લીશ ગીતો પણ મજેદાર.
Dan Berlinka અને Nina Metivier બંનેએ આ સિરીઝ બનાવી છે. નાના એવાં જંગલમાં 13 એપિસોડ ઉતારવાની કળા આંખે ચોંટી જશે. વાર્તા પણ દર્શકોને પકડમાં રાખે છે. રહસ્યની છણાવટ ગમે તેવી અને જુવાનિયાઓની મસ્તી વધુ પસંદ આવે તેવી. સિરિઝના 2 એપિસોડ જોશો એટલે અનુભવશો કે આપણે પણ એ જંગલમાં એમની સાથે જ છીએ. આપણે પણ એમ્બરથી બચવાનું છે અને મિયાને સત્ય સુધી પહોંચાડવમાં મદદ કરવાની છે.
જંગલોની મજા અને કેમિકલની સજામાં આખી વાર્તા સંકળાયેલી છે. ઠોકર વાગે ને વાર્તામાં વળાંક આવે તેવું છે.
હવે, જુઓ અને માણો જંગલોની વાતો અને મેમરી ડિલિટની દાસ્તાન. The A list.. ચલો એક થ્રિલર સફર પર…
– જયદેવ પુરોહિત
04/10/2019
SANJOG NEWS, AMRELI