Blog

SPL :  જાગ ક્રિકેટર જાગ તારા તેડાં આવ્યાં રે

ક્રિકેટ નામના લોકપ્રિય જીવનું પ્રજનન ભલે ઈંગ્લેન્ડમાં થયું હોય પણ એ જીવનું ભરણ-પોષણ ભારતમાં થયું. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો ચરમસીમાએ પહોંચ્યો કે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતું બાળક પણ ડ્રિમ ઇલેવનમાં પોતાની ટીમ બનાવી ખેલાડીઓને ટેરવે રમાડે છે. ક્રિકેટ એ સદાકાળ ચાલતી રમત છે. જ્યાં સુધી કપડાં ધોવામાં ધોકો વપરાતો રહેશે ત્યાં સુધી ક્રિકેટના શ્વાસ ચાલતા રહેશે.

એક સત્ય છે કે 100 માંથી 93 છોકરાઓ ક્રિકેટર બનવાના શમણાં સેવે છે. દરેકને ભારતની બ્લુ જર્સી પહેરી હજારો ચિચિયારીઓની વચ્ચે બોલને ફટકારવો હોય છે. પણ એ 100 માંથી 92 છોકરાઓના સપના મજબૂરી નામની માટીમાં દટાઈ જાય છે અને માત્ર ક્રિકેટ જોઈને દિવાસ્વપ્નો માણતા થઈ જાય છે. કારણ કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ. પરંતુ હવે એવું નથી. હવે ક્રિકેટર બનવાનો ધોરીમાર્ગ ક્લિયર કટ છે બસ, થોડી ઓળખાણ અને વધુ કાબીલયત જોઈએ.

કોઈપણ મહાન ખેલાડી પહેલા ઘરઆંગણે પોતાનું કરતબ દેખાડે પછી જ એ રણજી ટ્રોફી અને ઇન્ટરનેશનલ સુધી પગ પસારો કરે છે. અત્યારે 20-20 અવર ક્રિકેટ મેચનો દબદબો છે. અને એ કારખાનમાંથી જ કોહિનૂર હીરા નીકળ્યાં છે. અત્યારની ભારતની વર્લ્ડકપની ટીમ પર નજર કરશો તો જાણ થશે કે 70% ટીમ આઈપીએલની મહેરબાની છે. સારી બાબતની ઝેરોક્સ કોપી કરવામાં કઈ ખોટું નહિ. લાભ હોય ત્યાં નકલ કરાય.

જામ રણજી, વિનુ માંકડ, સલીમ દુરાનીથી લઈને ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ જેવા ઇન્ટરનેશનલ સ્ટાર સૌરાષ્ટ્રની ભૂમિએ ઇન્ડિયન ક્રિકેટને આપ્યાં છે. એજ હેતુથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક હરખાવા જેવું કામ થયું છે એ છે “સૌરાષ્ટ્ર પ્રિમયર લીગ(SPL)” એટલે કે આઈપીએલનું નવજાત શિશુ. અને સૌરાષ્ટ્રમાં રમતાં હજારો જુવાનિયાઓ માટે ક્રિકેટમાં પોતાનું નામ ચમકાવાની પરફેક્ટ જગ્યા.

આઈપીએલની જેમ જ એસપીએલ. રંગબેરંગી ડ્રેસ, મનમોહિની ચિયર્સ ગર્લ્સ, સ્ટાર ખેલાડીઓ અને લાઈવ પ્રસારણ. મોજ છે બોસ. પરંતુ હજી સ્ટેડિયમ ખીચોખીચ ભરાતા ચાર વર્ષ નીકળી જશે. નિરંજન શાહના પ્રતિનિધિત્વમાં આ એક તકવાદી પગલું છે. અત્યારના યંગસ્ટર્સને તકની જ તલપ છે યોગ્યતા તો ભરપૂર છે. જે તક ઉભી કરે એજ જ લીડર કહેવાય. જય હો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન.

એસપીએલ શરૂ થઈ ચૂકી છે. બધા મેચો રાજકોટના ખંડેરી ક્રિકેટ મેદાનમાં જ રમાઈ રહ્યા છે. રંગીલું રાજકોટ બનશે ક્રિકેટનું હબ. કેમ કે સૌરાષ્ટ્ર પ્રદેશનું મુખ્યબિંદુ એટલે રાજકોટ. અત્યારે સૌરાષ્ટ્રના પાંચ પ્રાંતની ટીમ આ લીગમાં રમી રહી છે. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ, કચ્છ વોરિયર્સ, હાલાર હિરોઝ, સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સ. યાદ છે કે, જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે વોટ્સએપ મેસેજમાં માત્ર મનોરંજન હેતુ સૌરાષ્ટ્રના ગામના નામની ટીમ બનાવીને મજાક કરવામાં આવતી. પરંતુ આજે એ સત્ય બન્યું છે.

ક્રિકેટર બનવાના દફનાવેલા સપનાને ફરી પુનર્જીવિત કરવાની શ્રેષ્ઠ તક સૌરાષ્ટ્રના ક્રિકેટરસિયાઓને મળી છે. હા, રસ્તો જરા પણ સરળ નહિ હોય પરંતુ તક પણ નાની નથી. સખત પરિશ્રમ સામે લક્ષ્ય નતમસ્તક થઈ જ જાય છે. અને આમ પણ સ્પોર્ટ્સમાં ટોચ સુધી જવું હોય તો ધૈર્યની પરાકાષ્ઠા અને અન્યાય સહન કરવાનું કાળજું હોવું જરૂરી છે. જાતિવાદ દેખીતો હોવા છતાં ખુલ્લી આંખે અંધ બની રમતું રહેવું પડે.

આ લીગથી આવનાર ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં વધુ બે ત્રણ ગુજરાતીઓ રમતા હોય તો નવાઈ નહિ. અને કદાચ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સફર ન પહોંચે તો પણ એસપીએલ સુધીનો અનુભવ કોઈ સફળતાથી જરા પણ ઉતરતો નહિ હોય. અને મફતિયું ક્રિકેટ પણ બંધ થશે. ભલે બંગલા ન બને પણ ઝુંપડી સલામત રહે એટલી કમાણી તો રમનાર ખેલાડીને થઈ શકશે.

આ લીગને માત્ર રાજકોટ મેદાન સુધી મર્યાદિત ન રાખતા આવતા વર્ષથી પોરબંદર, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાના મેદાન સુધી પહોંચાડવી જોઈએ જેથી લોકચાહના વધે.

હે સૌરાષ્ટ્ર/ગુજરાતના ભાવિ ક્રિકેટરો, ઊઠો જાગો અને જ્યાં સુધી ભારતની ટીમમાં સ્થાન ન મળે ત્યાં સુધી પરસેવો વહાવ્યાં કરો.

સૌરાષ્ટ્રવાસીઓ જેટલો પ્રેમ આઈપીએલને આપો છો એટલો પ્રેમ એસપીએલને આપજો. ઘરના છોકરા આવનાર 2023નો વર્લ્ડ રમે તો કઈ ખોટું નહિ.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ફરી સ્નેહભર્યા વખાણ.

લાસ્ટ વિકેટ

કૈદ ક્યા, રિહાઈ ક્યા, હમ હી મેં હૈ હર આલમ

ચલ પડે તો સહરા(રણ) હૈ, રૂક ગયે તો ઝિંદાં(જેલ) હૈ. ( ફિરાક )

– જયદેવ પુરોહિત

20/05/2019

SANJOG NEWS, AMRELI

 

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x