ભારત દેશ આજકલ બધાની આંખોમાં ચમકતો સિતારો બની ગયો. વિશ્વના સધ્ધર દેશોને ભારતમાં પોતાનું સ્થાન બનાવવું છે અને આપણે અન્યોને પ્રભાવિત કરવા છે. મોટા ભાગની વૈશ્વિક બિઝનેસ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે. કારણ કે, આપણી પાસે વસ્તી છે. આપણી પાસે જગ્યા છે અને આપણી પાસે ઉદારતા છે. રોકાણકારો વધે એટલે આપણું અર્થતંત્ર પણ આકાશ તરફ ગતિ કરે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી ડિમાન્ડ વધી છે. અથવા આપણે જાગૃત થઈ ગયા. જે હોય તે પરંતુ ભારત હવે ધીરે ધીરે વ્યાપકપણે વિસ્તરતો દેશ બની ચુક્યો છે. આપણું બંધારણ હવે અન્યો માટે અસાધારણ બની ગયું.
“ભારત” શબ્દ બોલીએ કે સાંભળીએ ત્યારે ભારતનો આખો નકશો નજર સામે ઝળહળી ઉઠે. જાણે લહેરાતી તિરંગો સમગ્ર ભારતને પોતાની બાહોમાં સમાવીને વ્હાલ કરતો હોય. આ દેશે બે હાથે લૂંટાવ્યું પણ છે અને સ્વ-બળે ઘણું ઘણું મેળવ્યું પણ છે. ઉદારતા એવી કે શત્રુઓને પણ અહીં પોતાનું ઘર જ લાગે. આપણો ઇતિહાસ, આપણું પૌરાણિક અસ્તિત્વ અને આપણી મર્યાદાઓ આપણને ખાસ બનાવે છે. જ્યાં સુધી ભારત પ્રત્યેની આપણી લાગણી ભીની થતી રહેશે ત્યાં સુધી ભારત અખંડ રહેશે. “ભારત મારો દેશ છે… બધા ભારતીયો મારા ભાઈબંધ છે…”
ભારત દેશે દરેક ભારતીયોને એક પહેચાન આપી છે. આશરો આપ્યો છે અને પોતાનું નામ આપ્યું છે. પરંતુ આ દેશને આપણી પાસેથી શું મળતું હશે?? આપણે આ દેશની કઈ રીતે મદદ કરી શકીએ?? આ વિચાર દરેક ભારતીયોને ઉદ્દભવો જોઈએ અને એ માર્ગે ડગ ભરવા જોઈએ. જયારે દેશ માટે મદદરૂપ થવાની વાત આવે એટલે તરત આપણને સરહદ યાદ આવે. સાચું ને ! પરંતુ બધાની ત્યાં જરૂર નથી. ઘરને અંદરથી મજબૂત બનાવવાની જવાબદારી આપણી છે. આપણે શિક્ષિત બનીએ એ જ આ દેશની માંગ છે. અને શિક્ષિત બન્યા પછી એ નોલેજને સારી રીતે વહેંચીએ.
જયારે પણ આ દેશના વિકાસની વાત આવે ત્યારે શિક્ષણને પ્રાધાન્ય આપવું જ પડશે. જ્ઞાન વિના કોઈપણ દેશ ટોચ પર ન પહોંચી શકે. શિક્ષણમાં જેટલી વિવિધતા અને વિશાળતા વધશે એટલી ઉંચાઈએ આપણો તિરંગો લહેરાશે. વર્તમાન સમયમાં કોઈપણ દેશને જો વિશ્વ કક્ષાએ ડંકો વગાડવો હોય તો એ દેશને ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર કરવો જ પડશે.
ટેકનોલોજી વિના આજનો યુગ એક ડગલું પણ આગળ વધવા અસમર્થ છે. ભારત હજી ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જેટલો ટેકનોલોજીનો સાચી દિશામાં ઉપયપગ થશે એટલો જ ફાયદો આવનારા ભારતને થશે. ટેકનોલોજીનું નોલેજ દરેક યુવા સુધી પહોંચવું જોઈએ. એ વર્તમાન ભારતની જરૂરિયાત છે.
આ દેશની ખાસિયત એ છે કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો અહીં રહેવા આવ્યા છે અને આપણા ભારતીયો પણ વિદેશોમાં ખૂણે ખૂણે પહોંચ્યા છે. ભારતીયતા દરેક જગ્યાએ ખીલી છે અને મહેકતી રહેશે. જ્યાં સુધી આ દેશનો યુવાન દોડતો રહેશે ત્યાં સુધી આ દેશ ક્યારેય થાકશે નહિ.
આપણે બધા ભારત દેશના મહત્ત્વના લોકો છીએ. કોઈ વ્યક્તિ એમાંથી છૂટી ન શકે. કોઈ એક વ્યક્તિ દેશ બનાવા બેસે તો વર્ષોના વર્ષો લાગે. પરંતુ દરેક વ્યક્તિ માત્ર પોતાનું નાનું નાનું કામ કરે તો પણ આખો દેશ બની જાય. આપણે જે કામ કરી રહ્યા છીએ એ દેશ માટે કરું છું એવી દેશભાવના હોવી જરૂરી છે. એવું ફિલ કરવું હોય ને તો, તમે અત્યારે જ્યાં ઊભા છો, બેઠા છો, જે કરતા હોય તે, તમારી આંખ બંધ કરો, તમારા મસ્તક પરથી ધીરે ધીરે નજર ઉપર ખેંચતા જાઉં, જેમ ફિલ્મોમાં કેમેરાનો સીન બતાવે તેમ…. જાણે ડ્રોન કેમેરો આપણા પરથી આકાશમાં જતો હોય. નજરને એટલી ઊંચી લઈ જાઉં કે તમને આખું ભારત નકશાના રૂપમાં દેખાવા લાગે અને એ ભારતમાં તમે પણ દેખાતા હોય. એક અદભુત અનુભવ થવો જોઈએ.
આપણું એક કણ પણ દેશ માટે એક મણ બરાબર છે. પોતાના ઘરનું કામ કરવું એ પણ દેશનું જ કામ છે. માત્ર ધ્વજવંદન કરી આપણે બેસી રહેવાનું નથી. પોતાનો વિકાસ કરો એટલે આપમેળે દેશનો વિકાસ થઈ જશે. પોતાના માટે શ્રેષ્ઠ વિચારો એટલે દેશ માટે આપમેળે શ્રેષ્ઠતમ થશે. આપણી અંદર એક ભારત જીવે છે. એને હવા,પાણી અને ખોરાક આપી પોષતા રહો એટલે ભારત આપમેળે વટવૃક્ષ બની જશે.
ફરી એકવાર, આપણું હોવું એટલે ભારતનું ધબકવું… રાષ્ટ્રીય તહેવારની ઉજવણી એટલે આવનાર ભારત માટે ચિંતા, ચિંતન અને આચરણ કરવાનો અવસર…
ટીક ટૉક
तेवर अपने बदल चुका है, बदल गया सारा भारत
जाकर कह दो दुनिया से, आ गया नया भारत
– જયદેવ પુરોહિત
20-01-2020
સંજોગ ન્યૂઝ, અમરેલી