આ આર્ટિકલ જયારે લખાય રહ્યો છે ત્યારે હું બરોડાના સુપર સ્માર્ટ બસસ્ટેશનમાં બેઠો છું. વિચારોનું સુદર્શન ચક્ર સતત ફર્યા જ કરે છે. ઘણી બાબતો તરફ કલમ દોડી જાય છે. પરંતુ આજે એક મુલાકાતને ‘આપ સૌની મુલાકાત’ બનાવવાની ઈચ્છા છે. લગભગ દોઢ વર્ષ પહેલાંની યાદો આજે બસ-સ્ટેશનમાં ફરી એ જ સ્થાને જીવંત થઈ.
ક્યારેક કોઈ અજાણ્યા લોકો સાથેની મુલાકાત આજીવન યાદોની ડાયરીમાં ઊંચે ને ઊંચે પતંગની જેમ લહેરાયા કરતી હોય.
આ રહી એ યાદગાર મુલાકાત…
ઘડિયાળનો કાંટો રાત્રે 2 વટાવી ગયો’તો. બસમાંથી નીચે ઊતરી સીધો બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પ્રવેશ્યો, થોડો ફ્રેશ થઈ એક મિત્રની રાહમાં કોફી ઓર્ડર કરી.(અત્યારે ‘કોફી’ બોઉં ચર્ચામાં છે… કોફી પીવાય કે નહીં એ હાર્દિક પંડ્યાને ખબર…)હું ટેબલ પર બેઠો. સામે નજર કરી તો 100જેટલા લોકો શયનાસનમાં સૂતાં હતા. કોર્નરનો ફુવારો પંખાનાં અવાજનું કામ કરતો હતો. ઊપર નજર કરતાં નિર્જીવ પક્ષીઓ દોરીના સહારે ઝૂલી રહ્યા હતા. એવામાં સિક્યોરિટી સ્ટાફે બાજુનાં ટેબલ પર આવી ચાની મહેફિલ જમાવી. બસની અવર-જવર સતત ચાલું છે. એક સેકન્ડ પણ બસ સ્ટેશન ખાલી જોવા ન જ મળે.
આ બધું તો ઠીક હવે નોર્મલ છે પણ એક યંગમેન નજરે ચડ્યો, પાછળથી તો પાગલ, ગાંડો,ગંદો ગોબરો મેન્ટલ જ લાગે. ખુલ્લા લાંબા વિખાયેલા વાંકળિયા વાળ, બ્લેક ચશ્માં, દાઢી તો વાડીમાં પાક ફૂલે તેમ ખીલી. એ બેઠો બેઠો પોતામાં મગ્ન હતો. થોડીવાર પછી એ ઊભો થયો ને એક સિક્યોરિટીમેનની સામે બેસીને પેન્સિલ ચલાવા લાગ્યો. મને અચરજ થઈ. કુતૂહલવશ હું પાસે ગયો. … તો મારી આંખ તેની ચિત્રકલમાં ચોંટી જ ગઈ. માત્ર 7 મિનિટમાં સિક્યોરિટી મેનનું પેન્સિલ વડે ચિત્ર આબેહૂબ કંડાર્યું. રાત્રે અઢી વાગે કોઈ બસસ્ટેશનમાં આવી આ રીતે ચિત્ર કેમ દોરે છે? ઘણા પ્રશ્નો મારા મગજમાં પીંછી ચલાવવા લાગ્યાં.
બધા ખોટા ઠર્યા ખાસ તો હું, ન તો એ પાગલ હતો કે ન તો એ ગાંડો, એ હતો “john p john”. હા, આ એમનું સાચું જ નામ છે. મેં મારા મનને ધમકાવ્યું અને કહ્યું “જાણ્યાં જોયા વિના હવે કોઈ વિશે અગાઉથી વિચાર્યું તો ખેર નથી….” જ્હોન નીચે બેસી સ્વકાર્યમાં ખોવાઈ ગયો. હું હજી સ્તબ્ધ બની ઊભો હતો.
“જ્હોન” કેરલનો નાગરિક અને વર્તમાન M.S UNIVERSITYનો કોલેજનો સ્ટુડન્ટ. એ કૉલેજ પ્રોજકટ પૂરો કરવા ચિત્રો દોરી રહ્યો હતો. મારી સામે જોહને 30 જેટલા ચિત્રો અલગ-અલગ પોઝિશનમાં આકાર્યા. મારાથી રહેવાયું નહીં એટલે હું તેમને મળવા નજીક ગયો. પહેલી 10 મિનિટ તો મેં માત્ર તેની કલાકારી માણી. પછી નામની આપ-લે થઈ અને સાથે થોડી અંગત જીવનની વાતો એમને મારી જોડે શેર કરી. મને તો મળીને મજા આવી ગઈ. રાતનાં એસાઈમેન્ટ કમ્પ્લીટ કરવા આવી ધગશ આ પૂર્વે મેં નથી જોઈ . એકદમ સિમ્પલ અને સરળ સ્વભાવનો જ્હોન. દૂરથી જોવા વાળાને પાગલ ભાસે પરંતુ તે પોતાના ચિત્રો પ્રત્યે પાગલ હતો. પાગલ હોવું એટલે કોઈ એક વિષયમાં ઊંડાણ સુધી જવું. અને એવું કામ પ્રત્યેનું પાગલપન આગળ જતાં સફળતાનો રસ્તો બનતો હોય છે. ફરી તે ચિત્રો દોરવામાં મશગુલ થયો.
મને કંઈક મળ્યું જે દિલને ગમ્યું અને ઘર કરી ગયું. મને સેલ્ફી લેવાની ઈચ્છા તરત થઈ અને લીધી પણ. આવા વ્યક્તિઓ સાથેની સેલ્ફીનો આલ્બમ ભરવાનો શોખ છે મને. જરૂર પૂરો કરીશ. એમની કલાપ્રત્યેની ઉકળાટ મને સ્પર્શી અને મારા ફોનબુકમાં જૉહનનું નામ જોડયું.
એ ફરી 600 ફોટા પુરા કરવામાં તલ્લીન થયો. આવજો કહી ફરી મળીશું એવા વિશ્વાસ સાથે છુટા પડ્યા. ત્યારે તો છુટા પડ્યા પરંતુ યાદોની ડાયરીમાં કાયમ માટે છપાઈ ગયા.
એનો બાહ્ય લુક જોઈ ચકિત ન થવું “કલાકાર એવાં જ હોઈ.( આ લુક એમનું સ્ટ્રગલ દર્શાવે છે. બાકી વોટ્સએપ dpમાં ફુલ હેન્ડસમ જ્હોન છે. એ કલાકારને આપ ફેેેસબુુક પર જોઈ શકો છો..)
એઇઈ મારી બસ આવી….એઇઇઈ ઉભી રાખો…….એક ફ્રેશ એનર્જી લઈ હું સફરમાં જવા જોહનની યાદો સાથે ઉપડ્યો………..ફિર milenge…..
આ હતી મારી યાદગાર મુલાકાત. આજે ફરી જ્હોનના બહેતરીન ચિત્રો આંખો સામે આવ્યા છે. મકરસંક્રાંતિના શુભ અવસરે “વિચારસંક્રાતિ” તાજી થઈ. એ મુલાકાતે મારો કાન મરોડયો અને શીખવ્યું કે… શા માટે કોઈને જજ કરવા જોઈએ….. સબ અલગ હૈ. સંક્રાતિ એટલે બદલવું. જો આ રીતે વિચારોની સંક્રાતિ ઉજવાય તો મજા જ આવ્યા રાખે.
ધારવાની બાબતે હું ખોટો ઠર્યો. એ મને બહુ ગમ્યું. આ મુલાકાત સતત યાદ આવ્યાં કરે છે અને કોઈના પણ વિશે જાણ્યા મળ્યા જોયા વગર વિચારતા અટકાવ્યા કરે છે.
( આજે જયારે હું આ પોસ્ટ શેર કરી રહ્યો છું ત્યારે પણ હું એ જ બરોડાનાં બસસ્ટેશનમાં એ જ ટેબલ પર (જયાં હું અને જ્હોન મળ્યાં હતાં) અને એ જ ખુરશી પર બેઠો બેઠો જ્હોનને યાદ કરી રહ્યો છું)
એ..એ.. ચલો આજે પણ મારી બસ આવી…
ટીક ટૉક
ज़रूर वो मेरे बारे में राय दे लेकिन
ये पूछ लेना कभी मुझसे वो मिला भी है!
(राहत इन्दौरी)
– જયદેવ પુરોહિત
16/01/2019
(સંજોગ ન્યૂઝ – અમરેલી)