Blog

❤️પ્રે………મ❤️

વેલેન્ટાઈન વિક નજીક આવે એમ લોકોની આંખો ચાર થવા લાગે. બજારમાં એક બાઇક પર ભાઈ બહેન જતાં હોય તો પણ ગામને તો એ ‘લફરાવ’ જ લાગે. પોતાની પત્નીની સાથે ફરતા હોય તો પણ ખાખી કપડાનો ડર રાખવો પડે છે. ભરી બજારમાં કોઈને ગાળો આપી તમાશો બનાવવો સરળ છે, સ્વીકાર્ય પણ. પરંતુ પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ ઠપકાર્ય છે. અજબ દુનિયા ગજબ લોગ. આવું તો શરૂ જ રહેશે કોઈ નહીં રોકી શકે. ચલો આપણે તો પ્રેમની રાહ પકડીએ.

પ્રેમ. પ્રેમ એ અવ્યાખ્યાયિક પદ છે. પ્રેમ શબ્દને કયારેય સર્વસ્વીકૃતી ન મળી શકે. કારણ કે બધા પાસે પોતાની પ્રેમ-વ્યાખ્યા અલગ જ છે. અને સત્ય પણ. આજથી હજારો વર્ષો પહેલા જેને પ્રેમ કહેવામાં આવ્યો છે એ જ સનાતન પ્રેમ આજે પણ છે જ. બસ, અભિવ્યક્તિની તરકીબો બદલી છે. પરંતુ પ્રેમની હૂંફ હજી એજ છે. રાધાની પ્રતીક્ષામાં બેઠેલા કાનુડાને રાધાનો ચહેરો જોઈને જે મજા આવતી હશે એજ પ્રેમાનુભવ શું નથી થતો આપણને? બધાના જીવનમાં એક રાધા(પ્રેમ) હોય છે. અને હોવી પણ જોઈએ. રાધા(પ્રેમ) વિનાનું જીવન કેમ જીવવું??

આ જિંદગી હર ક્ષણ આપણી સાથે યુદ્ધ કરે છે. આપણી સંવેદનાઓ સાથે કુરુક્ષેત્ર-કુરુક્ષેત્ર રમે છે. આપણી મનોસ્થિતિ સાથે હજારો લાગણીઓ રોજ હુમલો કરે છે. આપણે કયારેય એમની સામે જીતવાના નથી પરંતુ ટકી રહેવા પ્રયત્ન કરવો જોઈએ. આ ટકી રહેવા માટે એક જ બ્રહ્માસ્ત્ર છે “પ્રેમ”. આપણી અંદર જ્યાં સુધી પ્રેમ જીવંત છે ત્યાં સુધી આપણે અજેય છીએ. અને એ પ્રેમ રોતલો, ઉદાસ્યો, કે હારેલો ન હોવો જોઈએ નહીં તો એ ખુદને જ મારી નાખશે. સમાજમાં એવા હજારો લોકો છે જેને પોતાનો પ્રેમ હણી નાખ્યો અને દોષ ‘નસીબ’નો માને છે.

પ્રેમ જીવલેણ નથી. પ્રેમ હાનિકારક પણ નથી. પ્રેમ કાયર પણ નથી. પ્રેમ તો સર્વોપરી સર્વોચ્ચ સર્વેસર્વા છે. શોધ માત્ર પોતાના માત્ર પોતાના પ્રેમની છે. જે બધાના હૃદયમાં નવા નવા સ્વરૂપે જ છુપાયેલો ધરબાયેલો છે.

હવે દરવર્ષે વેલેન્ટાઈન જેવા દિવસો આપણને કહેશે કે “ચલો… હવે પ્રેમ જગાવો/જતાવો. … પ્રેમ અભિવ્યક્ત કરો…” ના, જો આવું જ થતું હોય તો ખરેખર પ્રેમની શોધ થવી જોઈએ. જ્યાં પ્રેમ રહેતો હોય ત્યાં વિચારધારા અલગ જ હોય છે. દુનિયાને જોવાની નજર અલગ જ હોય છે. બધી પરિસ્થિતિઓ સાથે ન્યાય કરવાની રીતો અલગ જ હોય છે. નિરાશાને નવી તક સમજવાની દૃષ્ટિ પ્રેમ છે. આત્મ-હત્યા નહિ પરંતુ આત્મ-સન્માન એ પ્રેમ છે.

પ્રેમની પરાકાષ્ઠા કયારેય કોઈનું મૃત્યુ ન જ હોઈ શકે. જે લોકો પ્રેમ પાછળ આત્મહત્યા કરી મરી ગયા હોય એને આપણે સૌ પ્રેમનું ઉદાહરણ માની લઈએ અને ભગવાન બનાવી દઈએ. પછી વાતે વાતે કહીએ કે “પ્રેમ તો પેલા બન્ને જેવો કરાય…” પ્રેમ કયારેય કોઈનું જીવન નથી ટુકાવતું.

 

ત્યાં પ્રેમ નહિ પરંતુ નાસમજ હોય છે. પ્રેમ છે એ નવા ચાર રસ્તા બતાવે. જિંદગીના રસ્તા બન્ધ કરવાનું કામ પ્રેમ ન હોય શકે. શા માટે બીજાના પ્રેમને જોઈને અથવા કોઈના ઉદાહરણો આપીને આપણામાં પ્રેમ પ્રગટાવો જોઈએ. પ્રેમ તો આત્મહત્યા કરવા જતાં હોય ને ફરી જીવનની આશ જગાવે. હાથે કરીને જીવનના સૂર્યોદય ન ટૂંકાવવા જોઈએ.

પ્રેમ શબ્દને “લગ્ન” સાથે જોડીને ક્યાંક આપણે ગુંચવાયા છીએ. જેના લગ્ન થઈ ગયા હોય એ પ્રેમ સુધી પહોંચવાની રેસમાં હોય છે. અને જે પ્રેમમાં પડ્યા હોય એ લગ્ન સુધી પહોંચવાની રેસમાં છે. પ્રેમને સંકુચિત ન કરવો જોઈએ. પ્રેમ ચોતરફ છે. માત્ર વ્યક્તિમાં જ પ્રેમતત્ત્વ છે એવું ક્યાંય એકપણ ધર્મમાં કહેવાયું નથી. પ્રકૃતિ પ્રેમનો પર્યાય છે. અને આમપણ પ્રેમ વ્યક્ત કરવા માટે આપણે રમણીય પ્રકૃતિનો જ સહારો લઈએ છીએ. ફૂલ, નદી, આકાશ….

જે આંખોમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી ત્યાં પ્રેમ છે. જે હાથોમાં ક્રૂરતા નથી ત્યાં પ્રેમ છે. જે પગમાં લાત મારવાની સહજતા નથી ત્યાં પ્રેમ છે. જે મનમાં ભ્રષ્ટાચાર નથી ત્યાં પ્રેમ છે. જેના જીવનમાં નફરત 10% અને 90% સ્નેહ છે ત્યાં પ્રેમ છે. જેને નસીબથી કે જીવનથી કોઈ શિકાયત નથી ત્યાં પ્રેમ છે.

જેની નજરમાં હરએક મનુષ્ય માટે સમાનતા છે ત્યાં પ્રેમ છે. જેની પાસે સારી શિખામણ આપવાવાળા પરિવારજનો અને મિત્રો છે તેની પાસે પ્રેમ છે. જે બ્રેક અપ પછી મરી જવાનું પસંદ કરે ત્યાં ક્યારેય પ્રેમ ન હોય શકે. પ્રેમમાં ભાગવાની છૂટ હોય શકે પણ ભાંગી પડવાની શક્યતા ન હોય.

પોતાની ખુદની પ્રેમની વ્યાખ્યા પોતાના જ હૃદયમાં હોય છે. બસ એને પામી લઈએ એટલે હૈપ્પી વેલેન્ટાઈન ડે.

ટીક ટૉક💓

પ્રેમને પ્રેમ જ રહેવા દો.

– જયદેવ પુરોહિત

13/02/2019

(સંજોગ ન્યૂઝ, અમરેલી)

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
6 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Vivek padhiyar
Vivek padhiyar
5 months ago

Waah khub prembharyo lekh 😊👍

Shivam joshi
Shivam joshi
5 months ago

👌👌👌👌👌👌

AffiliateLabz
5 months ago

Great content! Super high-quality! Keep it up! 🙂

6
0
Would love your thoughts, please comment.x
()
x