આંખોથી આંખો મળી. બીજે દિવસે ફરી આંખોએ હરકત કરી. વિચારોને એક ચહેરો મળી ગયો. સપનાઓને સરનામું મળ્યું. પ્રેમને એક આકાર મળ્યો. પછી એ બંને મળ્યાં. હળવે હળવે એકબીજામાં ભળ્યાં. એકબીજાનો સાથ આહલાદક લાગ્યો. હવે બંને એકબીજામાં ખોવાઈ ગયા હતાં. “તારામાં હવે તું નથી ને મારામાં હવે હું નથી” એ રીતે ઓગળ્યાં. એક દિવસ પણ વાત ન થાય તો ઉદાસી છવાઈ જતી. જયારે મળે ત્યારે હોઠોથી જ વાતો થતી. પછી દિવસે પણ રાતો થતી. હુંફાળી ઠંડીમાં પ્રેમની શરારતો થતી. બંને એકદમ ખુશ હતાં. ન કોઈ મંઝિલ ન કોઈ ખ્વાબ. બસ, સાથે રહેવું. મલંગ બની ગયા હતાં.
એ પ્રેમ ગુપ્ત હતો માટે તે સુરક્ષિત હતો. બજારમાં ખબર પડી કે એ બંને એકબીજાને ચાહે છે. પછી શું?? બધાએ પોતાની મર્દાનગી એ પ્રેમીઓ પર ઉતારી. આજે એક પાસે પગ નથી અને એક પાસે હાથ નથી. અને બજારે આ વાતની ઊજવણીમાં પાર્ટી કરી.
હણાયો જે જાહેરમાં લફરું બની,
ખાનગીમાં અમારો એ પ્રેમ હતો (જયદેવ “મસ્ત)
પ્રેમનો ઢંઢેરો પ્રેમીઓ માટે હાનિકારક હોય છે. કેમ કે, પ્રેમ કરવાની અસંખ્ય રીતો છે. પરંતુ સમાજ પાસે પ્રેમ સ્વીકારવાની રીતો એક-બે જ છે. પ્રેમ અદૃશ્ય તત્ત્વને સ્વીકારે છે અને સમાજ શરીર સુધી સીમિત રહી જાય છે. પ્રેમ સારો કે ખરાબ નથી હોતો. પ્રેમ બસ પ્રેમ હોય છે. એ હોય છે. પરંપરાઓ જેવું કશું હોતું જ નથી. અને કોઈ પરંપરા પથ્થર પર લખાયેલી નથી હોતી. પરંપરા પ્રેમથી ચડિયાતી નથી હોતી. ન હોવી જોઈએ.
પ્રેમ અદૃશ્ય છે. કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરીએ એટલે એમની અંદર જે નથી એ પણ આપણને દેખાવા લાગે છે. પથ્થરોને પ્રેમ કરીએ અને પથ્થર પરમાત્મા બની જાય. પ્રેમ ચમત્કાર છે જાદુગરી નહીં. જાદુગરીની પાઠ્યપુસ્તકો હોય. ચમત્કારની કોઈ બુક નથી હોતી. ચમત્કાર દરેક વખતે અલગ હોય છે. પ્રેમ ચમત્કારનો પર્યાય છે. પ્રેમ અનસ્ટોપેબલ છે. એક વ્યક્તિ, એક પુરુષ કે એક સ્ત્રી સુધી એ સીમિત નથી. સફર બહુ લાંબી છે અને ઉતારાઓ પણ ઘણા છે. પ્રેમએ નિરંતર ચાલતી સફર છે. ક્યારેક પ્રેમનો અભિનય કરી તો ક્યારેક માત્ર પ્રેમ જતાવી આ સફર શરૂ રાખવાની હોય છે. પુરુષ હોય કે સ્ત્રી બંને પ્રેમના સરખા ભાગીદાર છે.
પાગલ સમજ લિયા ઈસ ભીડને મુઝે
ફિર ભી, મુઝે તો સિર્ફ તુમસે મતલબ (જયદેવ “મસ્ત)
એમની ખરાબ આદતો પણ આપણને વ્હાલી લાગે છે. પ્રેમ માણસને પોઝિટિવ બનાવે છે. ભૂલમાં પ્રેમ થઈ ગયો હોય એવું બને પરંતુ પ્રેમમાં કોઈ ભૂલ નથી હોતી. કારણ કે, પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી. પ્રેમની કોઈ રીત નથી. પ્રેમની કોઈ તરકીબ નથી. દુનિયાનો સૌથી મોટો મૂર્ખામીભર્યો સવાલ એટલે, “પ્રેમ કોને કહેવાય???” , “પ્રેમ એટલે શું??” વેગરે…
આપણી પાસે જે કંઈ સાહિત્ય છે પ્રેમ વિશે. એ બધું તમારા અને મારા જેવા માણસોએ જ લખેલું છે. જીસને જૈસા દેખા, ઉસને વૈસા કહા. હવે એને પરંપરા કહો કે આબરૂ. આ પણ પથ્થરને પ્રેમ કરી પરમાત્મા બનાવવા જેવી જ વાત છે. ચાર-પાંચ વડીલો ભેગા મળી આવનાર પેઢીને પિંજરામાં પૂરી રાખવાની વાત કરે છે અને સમાજ તાળીઓ પાડી એ કેદને વખાણે છે.
આપણી પાસે બંને પક્ષ છે. પ્રેમની વાતો કરી વાસના પોષનારાઓ પણ છે. અને બધું પોસીબલ હોવા છતાં સેક્સ ન કરનારાનો પણ એક વર્ગ છે. કોણ સાચું? કોણ ખોટું? એનો જવાબ કોઈ પાસે નથી. હકીકતે પ્રેમની સાચી વ્યાખ્યા કોઈ પાસે નથી. પ્રેમ અનંત છે બસ કિરદારો બદલાયા કરે છે.
અંતે તારણ એટલું જ કે, પ્રેમ પ્રેમ હોય છે. એની કોઈ વ્યાખ્યા નથી. એનો કોઈ સિલેબસ નથી. પણ પ્રેમના દુશ્મનો ગલીએ ગલીએ છે. થોડું ઊંડું વિચારો તો દરેક યુગમાં પ્રેમ જ કેન્દ્રમાં હતો. માનવ જન્મનો પ્રથમ હેતુ જ પ્રેમ છે. પ્રેમને બીજા લોકો કઈ રીતે વર્ણવે છે એમાં ન પડો. પોતાની એક પ્રેમાળ દુનિયા રચો અને એમાં રહેનારાને પ્રેમ કરો. બાકી, ફરી આંખોથી આંખો મળી. બીજે દિવસે ફરી આંખોએ હરકત કરી….
ટીક ટૉક
૧૯૨૯નો પ્રેમ ૧૮૨૯ જેવો નથી, અને જવાન પેઢીને નવાં પ્રેમગીતો ગાવાનો અધિકાર છે… (અમેરિકન કવિ આર્થર ફિક)
– જયદેવ પુરોહિત
12/02/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી
અદભુત લખ્યું છે…👌👌👌👌👌
વાંચીને દિવસ બની ગયો…..
વાહ… ધન્યવાદ…
મારો આર્ટિકલ સફળ. .