Blog

વાગી તો ગયું હવે જાગી પણ જઈએ…

વાતો કરવી સહેલી છે. કોઈ વિચાર તરત બોલી દેવો હવે રમત થઈ ગઈ છે.

અને કોઈપણ વાતને કોઈપણ વાત સાથે જોડી દેવી એક ફેશન બની ગઈ છે. આંગળીના ટેરવા દોડાવો એટલે વિચારોને કાયા મળે, અને પછી ઘરે ઘરમાં ભળે.

આટલાં વિચારો ફેલાઈ છે, લખાય છે, વંચાય છે, સંભળાય છે, દેખાય છે છતાં બધું જેમનું તેમ જ છે. તો પછી આ બધું ક્યાં જાય છે..? ઉડન છૂ…!!

મોબાઇલમાં કોઈપણ એપ ખોલો એટલે કોરોના. સલાહ-સૂચનો અને આદેશો. હા, જરૂરી છે. પરંતુ એટલી જાગૃતતા દેખાતી નથી. જેટલા સૂચનો ફોરવર્ડ થાય છે એટલા પાલન નથી થતા. “એવું કશું ન હોય…” એમ કહી ને આપણે પણ જવા દઈએ.

એમાં હું અને તમે પણ સામેલ જ છીએ. જ્યાં સુધી પોતા પર ન આવે ને ત્યાં સુધી આપણે કશું સાચું નથી માનતા. અથવા ગંભીરતા નથી દાખવતાં. કોરોના પ્રત્યક્ષ ઉદાહરણ છે. ગુજરાતમાં કેસોની સંખ્યા વધી એટલે લોકોમાં તકેદારી પણ વધી.

વાતો કરવી અને વાતો જીવવી બંને અલગ. કોરોના વિશે ચર્ચા કરો અને તમને કોરોના થયો છે, એ દર્દ સહન કરો, એ બંને અલગ ને..!!

જીવનનો એક અફર નિયમ છે કે ‛વાગે નહીં તો જાગે નહીં’

જ્યાં સુધી રસ્તામાં ઠેસ ન વાગે ને ત્યાં સુધી આપણે ઊંચું જોઈને જ ચાલતાં હોઈએ. ઠેસ વાગી એટલે રસ્તો અનુભવાયો. પછી નજર નીચી અને મન પગમાં.

છેલ્લા 20-25 દિવસથી જનજીવન ગભરાઈ રહ્યું છે. મહામારી બળવાન બની અને લોકો જાગૃત થયાં. હજી આ કોરોના લાંબો ચાલશે. જેમ અફવા ફેલાતાં રોકી ન શકીએ એમ રોગચાળો પણ બેકાબૂ હોય છે. કોરોના જશે તો બીજું કંઈક નવું આવશે.

આપણે હવે હંમેશા માટે સાવધાન જ રહેવાનું. કારણ કે, પ્રકૃતિ અને માનવજાત વચ્ચેનો વહેવાર થોડો ડખે ચડ્યો છે. માટે હવે એક જશે તો બીજું આવશે…!

કોરોનાનો ડર લોકોમાં આવતાં બહુ વાર લાગી. મોબાઇલની સ્ક્રીન પર આપણે જેટલાં ભયભીત હોઈએ એટલાં જીવંત નથી હોતાં. ઓનલાઈન જેટલાં જાગૃત હોઈએ એટલાં ઓફલાઇન નથી હોતાં.

વાચ્યું ન વાચ્યું, ફોરવર્ડ કર્યું, પોસ્ટ કરી, સ્ટોરી મૂકી, સ્ટેટ્સ રાખ્યું, એક-બે ગ્રુપમાં ચર્ચા કરી.. પછી જેવો મોબાઈલ લોક કરીએ કે બધું ભૂલી જઈએ. જાણે બધું બીજા માટે જ હોય. કોરોના ઈફેક્ટમાં પણ એવું જ થાય છે. હજી લોકો ઘણું મસ્તીમાં લે છે.

કારણ કે, વાગ્યું નથી, વાગે તો જ જાગે… અને જાગે તો જ દિલ પર લાગે.

આ ગયો રવિવાર આપણને ક્યારેય નહિ ભુલાઈ. કારણ કે, દેશ એકરૂપ થયો. લોકોમાં જાગૃતતા વધી. લોકો પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં થયા. સામાજિક દૃષ્ટિએ આવી જાગૃતતા સ્વૈચ્છીક આચરવી જોઈએ.

અત્યારે ભારતમાં ગુરુ-શિષ્ય વ્યવસ્થા ચાલે છે. મોદી કહે નહિ તો લોકો કરે/ડરે નહિ. મોદીને વાગે છે તો એ લોકોને જગાવે છે. આપણે બસ રાહ જોઈએ કે, કોક આવીને કહેશે અને પછી આપણે પાલન કરીશું.

સ્વૈચ્છીક અનુશાસન બાબતે હજી આપણે માઈલો દૂર છીએ. આપણે આપણી કાળજી ઓછી અને બીજાની વધુ રાખીએ છીએ. પરંતુ આપણે સ્વસ્થ રહીશું તો બીજાને મદદરૂપ બની શકીશું. આ વાત માત્ર કોરોના પૂરતી નથી.

કોરોના વાગ્યો હોય તો હવે આપણે જાગવું રહ્યું. દુનિયા માટે નહિ ખુદ માટે. 

નિરોગી જીવન જીવવું. એ પણ એક મોટી સફળતા છે. પણ એ બાબત કોઈ નોટિસ નથી કરતું. કારણ કે એ કેટેગરીમાં કોઈ એવોર્ડ નથી અપાતાં.

નિરોગી જીવન એટલે મોટા પાયે આર્થિક બચત. પરિવારમાં ખુશીની બચત. જીવન માણ્યાની ક્ષણોની બચત. આ માટે કોઈ પુરાણ ભણવાની જરૂર નથી. બસ, રોજનો યોગ્ય ખોરાક અને થોડી આચરણમાં જાગૃતતા એટલે નિરોગી.

બાકી, કોઈ મોટી ઘટનાને ટાળી શકાતી નથી. કોરોના પકડમાં આવતાં સમય લાગશે. કેમ કે, જે વસ્તુ ફેલાઈ જાય એને ભેગી કરવામાં સમય લાગે. પછી એ અફવા ફેલાવતો મેસેજ હોય, કોરોનાનાં વાયરસ હોય કે ઘરમાં ઢોળાયેલી રાય…

જે ફોરવર્ડ કરો છો એમની તપાસ કરવાની ટેવ કેળવવા જેવી છે. આવ્યું એટલે ફેલાવ્યું એવું નહિ. ટેરવા પર થોડો કાબૂ રાખી ઓફલાઇન જાગૃતતા કેળવીએ. આચરણમાં સ્વચ્છતા/સત્યતા રાખીએ…

મોટા ભાગની મહામારીઓ અને મોટા રોગચાળો આપણાં આચરણથી કાબુમાં લઈ શકાય છે. આપણું સ્વચ્છ આચરણ સ્વસ્થ સમાજ માટે ખૂબ આવશ્યક છે.

કોરોના લોકોને વાગ્યો છે.. બસ, હવે અહીંથી જાગવાનું છે.. માત્ર રોગ આવે ત્યારે જ નહિ, પરંતુ દરરોજ… કેમ કે, રોગ આજકાલ માટે જ છે… પરંતુ છીંક ખાવી.. જ્યાં ત્યાં થુકવું… ઉધરસ… કફ.. ખાંસી.. જેવા તેવા હાથે લોકોને મળવું.. એતો રોજ કરવાનું ને આપણે…!

વાગી તો ગયું હવે જાગી પણ જઈએ…

21 દિવસ ઘરમાં રહેજો.. ઘરમાં રહી ઘરમાં રહેજો..

ટીક ટૉક 

જિંદગીને માણવામાં કોરા ના રહો. કોઈ કોરોના આવીને મનાવી જાય એ પહેલાં થોડી સાવચેતી રાખી રોજ મોજીલાં વરસાદમાં ભીનાં થતાં રહો. જીવન છે તો જ બધું છે. 

- જયદેવ પુરોહિત JP

25/03/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Baldev
Baldev
1 year ago

Correct

trackback
1 year ago

[…] – જયદેવ પુરોહિત વાગી તો ગયું હવે જાગી પણ જઈએ… […]

2
0
Would love your thoughts, please comment.x
()
x