Blog

જાણી જોઈને ફેંકેલા પથ્થરો…. એને વિરોધ ન કહો

શું આંદોલન શબ્દનો પર્યાયવાચી શબ્દ આક્રમણ કહેવાશે?? એક કૂતરું ગલીમાં આમતેમ ભટકી રહ્યું હતું. અચાનક એ જોરથી ભસ્યું અને ભસતું જ રહ્યું. એટલામાં આસપાસની ગલીઓમાંથી પંદર જેટલાં કૂતરાઓ પહોંચી ગયાં અને ભસવા લાગ્યાં. ખેલ પૂરો થયો બધાં છુટા પડ્યાં. હવે જે પહેલું કૂતરું હતું એને તો મજા પડી ગઈ. એ પોતાને કઈક સમજવા લાગ્યો. ‘હું એકવાર ભસું અને પાછળ આખું ટોળું બની જાય વાહ..!’ હવે તે દીવાલ સામે જોઈને પણ ભસે છે અને પાછળનું ટોળું દીવાલને ફાડી ખાવા દોડે છે.

આ દૃશ્ય કોઈ કલ્પના નથી. બધાની ગલીમાં બનતી પારદર્શક ઘટના છે. હવે આમાં સૌથી વધુ ખતરનાક કોણ?? પહેલું કૂતરું કે પાછળનું ટોળું?? આમ તો બંને ખતરનાક પરંતુ વધુ ખતરનાક પાછળનું ટોળું. જેમની પાસે પોતાનો અભિપ્રાય નથી એમને હોબાળો મચાવવાનો પણ હક નથી. આગળનું લીડર કૂતરું બદલાયા કરે છે પરંતુ પાછળની ટોળકી નથી બદલાતી. જાણ્યા સમજ્યા વિના જ બરાડા પાડયા કરે છે. હાથમાં પથ્થર લઈને વિરોધ નહિ માત્ર ક્રોધ નીકળતો હોય છે. સમાજ સમૂહમાં વેંચાવો જોઈએ. પરંતુ આજકાલ સમાજમાં ટોળાઓની તોફાની છે.

આંદોલન હંમેશા આઝાદી અને રાજનીતિનો મહત્ત્વનો ભાગ રહ્યો છે. અને આદર્શ રાજનીતિ માટે આંદોલન આવશ્યક પણ છે. આંદોલન થયાં એટલે જ આપણને ઘણા શ્રેષ્ઠ નેતાઓ મળ્યાં. આંદોલનનો મતલબ પોતાની મરજી મુજબનો જ ચુકાદો કરવામાં આવે એવો નથી હોતો. નહિ તો યુદ્ધ થઈ જશે. આંદોલન કરવાની ઘણી રીતો છે. પરંતુ પથ્થરમારો કે અન્યોને નુકસાન કરવાની નીતિ આક્રમણ કહેવાય વાતચીત નહીં. માત્ર સંભળાવી દેવા ટોળું ભેગું કર્યું હોય ત્યાં કોઈ નિર્ણય આવતો નથી. કેમ કે, સંભળાવી દેવાની સાથે સાંભળવાની અને ખાસ સમજવાની તૈયારી પણ હોવી જોઈએ. અફવાઓમાં કે કોઈના વિચારોમાં ફસાઈને ભેગું થતું ટોળું માત્ર તોફાન ઊભું કરી શકે છે. એ પોતાનો હક્ક નથી માંગી શકતાં.

પરિવર્તનની પ્રક્રિયા જયારે થઈ રહી હોય છે ત્યારે વાતાવરણ બગડતું હોય છે. કેમ કે, મગજમાં જામી ગયેલી ખરાબ આદતો આમ સરળતાથી દૂર નથી થતી. પરિવર્તનનો સ્વીકાર હંમેશા પરિણામ પછી જ થતો હોય છે. ચલિત પ્રક્રિયામાં માત્ર એનો વિરોધ થતો હોય છે. માટે પરિવર્તન હોબળાજનક હોય છે. જે રીતે દેશમાં વિરોધ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે એ ખરેખર ભારતનાં સ્વભાવ વિપરીત છે.

જેમની પાસે સાંભળવાની અને પોતાનો મત બીજાને સમજાવવાની કળા નથી હોતી એ ટાયર સળગાવવાને વિરોધ ગણે છે. લોકો ભૂલી જાય છે કે, “પપ્પા સામે ઊંચેથી બોલીએ તો તમાચો મળે રમકડું નહીં. પરંતુ જો એક-બે વખત ભૂખા રહીએ તો પપ્પા પણ પીગળીને રમકડું લઈ દેવા માની જતાં હોય છે.”

વાત અહીં સરકારને આંખો મીંચીને સ્વીકારી લેવાની નથી કરતો. સરકારને જાગૃત રાખવાની જવાબદારી પ્રજાની હોય છે. હમણાં ચારેકોર આંદોલન ચાલી રહ્યા છે. ક્યાંક સાચા તો ક્યાંક બિનજરૂરી. પ્રજા પાસે પોતાની નજર હોવી ખૂબ જરૂરી છે નહીં તો ઘણાં નેતાઓ પોતાની કારકિર્દી માટે આપણો ઉપયોગ પાછળ ભસતાં કૂતરાઓ તરીકે કર્યા જ રાખશે.

વિરોધ કરવામાં ક્રોધ ન ભળવો જોઈએ કારણ કે ક્રોધ ખુદનો જ નાશ કરાવે છે. કૃષ્ણ ભગવાન ગીતાજીના બીજા અધ્યાયમાં એક શબ્દ પ્રયોગ કરે છે : श्रुतिविप्रतिपन्ना… અર્થ થાય છે : જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી બુદ્ધિ…!! આવી જેમની બુદ્ધિ છે એવાં લોકોએ વિરોધ ન કરવો જોઈએ અને આંદોલનમાં પણ ન જોડાવું જોઈએ. આંદોલન આક્રમણ ન બનવું જોઈએ. વિરોધ ક્રોધ ન બનવો જોઈએ. વાતોનાં સમાધાન ચર્ચા કરવાથી થાય નહિ કે માત્ર હંગામો કરવાથી…!!

ટીક ટૉક
જ્યાં સુધી એના વદનના ભાવ પરખાતા નથી,
જિંદગીના ત્યાં સુધી પ્રશ્નો ઉકેલાતા નથી. (ગની દહીંવાલા)

– જયદેવ પુરોહિત

25-12-2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x