“The lion king” આ વર્ષે આવેલું સુપરહિટ એનિમેશન ફિલ્મ. આપણે અહીં કાર્ટૂન જોવાય છે એટલું કાર્ટૂન કન્ટેન્ટ બોલીવુડમાં બનતું નથી. જો કે ભાગ્યે જ કોઈ એવું કાર્ટૂન ફિલ્મ હશે જે બોલીવુડમાં બન્યું હશે. અને બન્યું હશે તો ચાલ્યું નહિ હોય. પરંતુ વિદેશોમાં કાર્ટૂનને એક અલગ સ્ટેજ મળ્યું છે, સન્માન મળ્યું છે.
ત્યાંની ટેકનોલોજી આપણને ખેંચે છે એટલે જ તો હોલિવુડના ફિલ્મો અહીં વધુ જોવાય છે. ઈન્ટરનેટ મારફતે અને હિન્દી ડબિંગની મદદથી આપણે સરળતાથી વિશ્વની દરેક ભાષાની ફિલ્મો માણી શકીએ છીએ. ફિલ્મ એટલે વાર્તા. એક એવી વાર્તા જે ત્રણ કલાક આપણને બેસાડી રાખે. કાર્ટૂન ફિલ્મોનું વિશ્વ ખૂબ જ વિશાળ છે. તેની મહાનતામાં વધારો કરતું એક ફિલ્મ એટલે “ધી લાયન કિંગ”
આમ આ સ્ટોરી આપણાં પંચતંત્રમાં હજારો વર્ષ પહેલાં કહેવાય ચુકી છે. પ્રાણીને પાત્રો બનાવી વાર્તા કહેવાની કળા બહુ જૂની છે અને આપણી ખોજ છે. હિતોપદેશ અને પંચતંત્ર આ બે પુસ્તકો પર અઢળક ફિલ્મો અને ઢગલાબંધ સાહિત્ય લખાયું છે. ચિતરાયું છે. અહીં પણ એજ વાત છે. પ્રાણીઓનાં ખંભે બંધુક રાખી માણસને નિશાને રાખવાની વાત.
જોન ફેવરોઉ આ પ્રકારની ફિલ્મો બનાવવામાં ટોચ પર છે. ધી જંગલ બુકની ચોતરફ થયેલી સફળતા બાદ આ ફિલ્મ બનાવવાનો વિચાર એમને સ્ફુરેલો. અને મિલિયનમાં બનેલ આ ફિલ્મે બિલિયનોમાં કમાણી પણ કરી. એટલે કે જો મેકિંગ સારું હોય તો લોકો એનિમિશન ફિલ્મો પણ પસંદ કરે છે. વાત સાવ સામાન્ય છે પરંતુ ફિલ્મમાં, પરંતુ જે રીતે બતાવવામાં આવ્યું છે એ આકર્ષક છે, મનભાવક છે.
સિમ્બા નામનું એક સિંહનું બચ્ચું હોય છે. તેમનાં પિતા જંગલનાં રાજા. નામ એનું મુફાસા. મુફાસા એટલે પ્રજાપ્રિય રાજા. સિમ્બા હજી ગર્જના કરવાનું પણ શીખો ન હોય. હવે રાજ્ય હોય ત્યાં દગાખોરો પણ હોય જ. સ્વાભાવિક છે કે રાજ્યમાં આગામી રાજા એજ બને જે રાજાના પુત્ર હોય. સત્તાનો મોહ અથવા સત્તાનું ગાંડપણ કોઈને છોડતું નથી. એજ જંગલમાં સ્કાર નામે સિમ્બાના કાકા રહેતા હોય છે જે મુફાસાના વિરોધી. બદલો લેવાં માટે લોકો કોઈપણ હદે જવા તૈયાર થઈ જતા હોય છે. સ્કાર કપટ કરી રાજા બની જાય છે અને સિમ્બા એ જંગલ છોડી બીજે ચાલ્યો જાય છે.
એનિમેશન ફિલ્મોની ઇફેક્ટસ ફિલ્મમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ફિલ્મમાં પણ દૃશ્યો આંખે ચોંટી રહે એવાં છે. જંગલનું દૃશ્ય, બધા પ્રાણીઓના હાવભાવ અને ખાસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. જો કે આ ફિલ્મનું સંગીત ઠેર ઠેર વખણાયું છે. ઘણા સંવાદો આપણી નિજી જિંદગીને ઉઘાડી કરે છે તો ઘણી બાબતો સીધી હૃદયને સ્પર્શે છે. માટે જ આ ફિલ્મ સુપર ડુપર હિટ રહી.
ફિલ્મ જોશો એટલે થશે કે આવી ફિલ્મો તો સરળતાથી ગ્રાફિક્સથી બની જાય પરંતુ તમને જાણીને અચરજ થશે કે આ ફિલ્મ 260 મિલિયનમાં બની. એવું કહેવાય છે કે અત્યાર સુધીની સૌથી મોંઘી એનિમેશન ફિલ્મ. અને આ ફિલ્મે બિલિયનોમાં કમાણી કરી છે. એનો અર્થ એ થયો કે બધે જ આ ફિલ્મ પહોંચી છે.
આપણી પાસે ખજાનાઓ ભર્યા છે પ્રાણી કથાઓના અને કાર્ટૂન બની શકે એવા સાહિત્યોના. પરંતુ હજી સુધી આપણે એ સ્ટેજે પહોંચ્યા નથી. અહીં કોઈ ફિલ્મ 300 કરોડ કમાય તો પણ આંખો પહોળી થઈ જાય છે. ખેર, જવા દો. આ મસ્ત મજાનું અને ખુદને ઓળખવાનું ફિલ્મ છે. માત્ર સિંહ કુળમાં જન્મ લેવાથી સિંહત્વ નથી આવી જતું. અસત્ય સામે ગર્જના કરવી પડે અને પરિવાર માટે યુદ્ધ પણ કરવું પડે.
હવે જુઓ આ ફિલ્મ અને સિમ્બાની જેમ તળાવમાં આપણને પણ આપણી અંદરનો સિંહ જડી જાય તો નવા વર્ષની શરૂઆત ગર્જનાથી થશે.
– જયદેવ પુરોહિત
27/12/2019
સંજોગ ન્યૂઝ, અમરેલી
Wah jordar,..