Blog

‘મા-બાપ અને બાળક’ કે ‘મા-બાપ સાથે બાળક’

“કોઈ મા-બાપ સવારમાં ઉઠતાં એવું નથી વિચારતાં કે આજે તેઓ તેમના બાળકનો દહાડો બગાડશે. કોઈ મા પોતાની જાતને એવું નથી કહેતી કે આજે હું મારા બાળક ઉપર ચિડાઈશ, બરાડા પાડીશ, કે તેનું અપમાન કરીશ. હા, એ શક્ય છે કે સવારના ઊઠીને કોઈ મા-બાપ એવો સંકલ્પ કરે કે આજે હું શાંતિ જાળવીશ, બાળકની ઉપર ગુસ્સો નહીં કરું કે દલીલોમાં નહીં ઊતરું. આમ છતાં, એવું બને કે દિવસના અંતમાં ધૈર્ય તૂટે અને અણગમતું યુદ્ધ ફરીથી છેડાઈ પડે. ફરી એકવાર, આપણે નહીં ગમતા સૂરમાં એવા શબ્દો બોલી નાખીએ જે મતલબનો આપણો કોઈ ઈરાદો ના હોય.”

ઉપર જે વાતો લખાયેલી છે એમાં આપણે સૌએ હામી ભરવી પડે. ઘરમાં બાળક પરનો ગુસ્સો કોઈ પ્રિ-પ્લાનિંગ નથી હોતું. એવી પરિસ્થિતિ ક્રિએટ થઈ જતી હોય કે આપણે બાળકો પર સહજ ગુસ્સો કરી બેસીએ. એ ગુસ્સો મા-બાપ માટે ક્ષણિક હોય છે પરંતુ બાળકના મગજમાં તો પ્રાઇવેટ મેમરીમાં સેવ થઈ જાય, જે વખત આવ્યે ગુસ્સો રી-બાઉન્સ કરે છે. બાળઉછેર એ સૌથી ચર્ચિત મુદ્દો છે. ઉપરનો પહેલો ફકરો જે પુસ્તકમાંથી ઉદ્દધૃત કર્યો એ પુસ્તક છે, “BETWEEN PARENT AND CHILD”

આ પુસ્તકની પચાસ લાખથી પણ વધુ કોપી વેંચાય અને વંચાય ચુકી છે. આ પુસ્તક “ડૉ. હેમ જી. ગિનોટ” દ્વારા લખાયેલું છે. આ ભાગદોડ ભરી લાઈફમાં મા-બાપ બાળકને પૂરતો સમય આપી શકતાં નથી માટે કેર ટેકરની ઘરમાં એન્ટ્રી થઈ છે. બાળક છે એ તાજું ફુટેલું કૂંપણ હોય છે જો તમે સાર-સંભાળ ન લો તો કૂંપણને યોગ્ય દિશા મળતી નથી ને માટીમાં જ દટાઈ જાય છે. પરંતુ દટાવું એ કૂંપણનો ધ્યેય નથી, ખીલવું એમનું લક્ષ્ય છે.

ડૉ. ગિનોટના આ પુસ્તકે વાલીઓને તેમના બાળકોની દેખભાળ રાખવા અને તેમની સાથે આત્મીયતા કેળવવાની રિતોને નવી દિશા આપેલી છે. બાળઉછેર હોય કે મનોચિકિત્સકનો પ્રશ્ન બધાં વિષયોમાં કદાચ સૌથી વધુ લોકપ્રિય નિષ્ણાત ડૉ. ગિનોટની સલાહ વધુ લેવામાં આવી છે. અને આ લાડીલા વ્યક્તિત્વએ વાલીઓને સાથ આપવામાં પીછે હઠ ન કરી. આંતરરાષ્ટ્રીય લેખકોમાં ગિનોટનું નામ માનભેર લેવાય છે.

થોડી ચર્ચા બુકની અંદરની બાબતની. આ પુસ્તકમાં જરૂરી એવા 12 મુદ્દાઓ આવરી લેવામાં આવ્યાં છે. અને આ પુસ્તકનું વિષયવસ્તુ એકદમ વાર્તા સ્વરૂપે પરંતુ સચોટ છે. મા-બાપ અને બાળક વચ્ચેના સવાલોના જવાબો સરળતાથી મળી રહે અને સ્વભાવ, પ્રભાવ અને વિચારોમાં પરિવર્તન પુસ્તક વાંચતા જ અનુભવાય. જેવી રીતે મેનેજમેન્ટ-સ્કિલ, ઇન્ટરવ્યૂ-સ્કિલ બિઝનેસમાં મહત્ત્વની છે તેનાથી પણ વધુ આવશ્યક ‘બાળકો સાથે સંવાદ કરવાની સ્કિલ’ જરૂરી છે. જે સંબંધમાં સંવાદ ઓછો થઈ જાય ત્યાં પછી વિવાદ પણ થતો નથી. અને આ અવસ્થા ઘરના વાતાવરણ માટે હાનિકારક છે.

બાળકની સામે આપણે કેવી રીતે પ્રસ્તુત થઈએ છીએ એ જ સૌથી અગત્યની બાબત છે. બાળક એટલે ભૂલ કરવાની ગેરેન્ટી, હવે વારે વારે ગુસ્સો કર્યા કરીશું તો બાળક ભૂલી જશે કે મમ્મી-પપ્પાને શાંતિથી પણ વાત કરતાં આવડે છે. અને એક સર્વે એવો પણ છે કે જો નાની નાની બાબતમાં બાળકને રોકટોક કર્યા કરો તો બાળક ઘરમાં મૌન રહેવાનું પસંદ કરે છે અને માત્ર ધરમાં અંતર્મુખી બની જાય છે જે સુખી કુટુંબમાટે હિતાવહ નથી. કજીયો ન કરે તો એને બાળક કેમ કહેવું?? તોફાન કે હેરાન ન કરે તો બાળક કેમ કહેવું? એતો એમની ઉંમર છે નિખાલસથી જીવવાની. ‘નો વિચાર ઓન્લી અત્યાચાર’. બોલતું બાળક જ ઘરને જીવંત રાખી શકે છે. બાળકને ઘડવાની રીત બદલાવો, બાળકો એ કોઈ તિહાર જેલના કેદી નથી, કે નથી એ હોસ્ટેલમાં રહેતાં, એ પોતાનાં ઘરમાં રહે છે તો બને તેટલા નિયમો ઓછાં બનાવો.

“મારુ બાળક તો સમજતું જ નથી!!” આવું બધા મા-બાપના મુખે સાંભળેલું છે. પ્રશ્ન એ છે કે સમજવાનું આપણે હોઈ કે માસૂમ બાળકને? સૌથી મોટા શિક્ષક મા-બાપ છે અને જે ઘરમાં બાળકનો ખિલખિલાટ, કજીયાપણું અને તોફાની-મસ્તી થતી હોય એ ઘર સૌથી મોટી શાળા છે. વાતે વાતે આંખો ફાડી બાળકને ડરાવવાની જરૂર હોય છે?? આખા દિવસમાં કેટલો સમય બાળક સાથે પસાર કરો છો? બાળકમાં મૌલિક વિચારો કેળવાય એ માટે શું પ્રયાસ કરો છો?? બાળકની પસંદ-નાપસંદની ખબર છે? વારસામાં ભૌતિક સુવિધાઓ આપવાના કે વિચારોનું વૃંદાવન?

આવા પસાચ પ્રશ્નો જાતે બનાવો એટલે ખ્યાલ થશે કે આપણને તો બાળકના પચાસ પ્રશ્નોની પણ જાણ નથી તો જવાબ તો દુરની વાત છે. “મા-બાપ અને બાળક” શ્રી તૃપ્તિ સોનીએ અનુવાદ કરેલ છે ડૉ.ગિનોટની પુસ્તકનો. કિંમત માત્ર 100 રૂપિયા. ખરીદવા અને આચરણમાં મુકવા જેવી ખરી. આ પુસ્તક ખરીદીને બાલ દિન ઉજવી શકાય. હકીકતે બાલ દિન બાળકોએ નહિ માતાપિતાએ ઉજવવો જોઈએ એ બહાને ચોવીસ કલાક પોતાના જ બાળકની વધુ નિકટ જઇ શકાય. અને શક્ય હોય તો ફોન ઘરે મૂકીને સ્પેશ્યલ ત્રણ-ચાર કલાક એવાં સ્થળે જવાનું જ્યાં “મા-બાપ અને બાળક” જ હોય.

તો, કરો નક્કી અને ઉજવી આવો બાલ દિન. કેક ચોકલેટ કે નવા કપડાં પહેરાવીને નહિ પરંતુ ઓછામાં ઓછી ત્રણ કલાક બાળક સાથે રહો. નો બ્રેક, નો મોબાઈલ, કંઈ જ નહીં. માત્ર “મા-બાપ સાથે બાળક”. રોમાંચિત થશો અને દસ નવી વાત જાણવા મળશે પોતાના જ બાળક વિશે. ખેલો… નાચો… આજ બાલ દિન હૈ….બાળક બનો ..

ટીક ટૉક⏳

“મારા જન્મ પહેલાં મારા પિતા મરી ગયા પણ મોટો થયો ત્યાં સુધી દાદા મને રોજ સૂતા પહેલાં વાર્તા કહેતાં. વાર્તા એ શું છે? ‘સ્ટોરી ઈઝ ધ ટ્રાન્સમિશન ઑફ હોપ’. ( લેખક જ્યોર્જ મેકેન્ના )

✍ જયદેવ પુરોહિત

(ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યૂઝ)
(બુધવાર, ૧૪/૧૧/૨૦૧૮)

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x