એક બાળક બાળ મિલન વિશે બોલે છે ત્યારે…..
આમ તો બાળકોને ભેગાં કરવાની કોઈ તરકીબ હોતી નથી. બાળકો આપમેળે મળે એટલે બાળ મિલન કરી લેતાં હોઈ છે. બાળક થી બાળક મળે અને પછી એમાંથી બાળપણ મળે. કેવી મજાની વાત છે. જેમ સ્નેહમિલન, જેમ રામભરત મિલન એમ હવે બાળ મિલન શબ્દ પણ પ્રખ્યાત થઈ જશે, થવું જોઈએ. મોબાઇલની દુનિયામાંથી થોડાં બહાર લાવવાની જરૂર છે.
મોટાં લોકો મળે તો આયોજન કરે કાં તો અમારી વાતું કરે. હવે અમારે મળીને શું કરવું…!! તમારી વાતું…!!😀 ના, બાળકો મળે એટલે રમત ગમમત થાય, તોફાન થાય, મસ્તી થાય, એકબીજાને રડાવીએ… પાડીએ. પડીએ.. હસાવીએ.. હસીએ અને ધમાલ કરીએ. પરંતુ જો અમને કોઈ ધમાલ કરતું જોઈ લે તો પછી અમારી ધમાલ થઈ જાય. આમ પણ મોટાં લોકો પાસે ગુસ્સો ઉતારવાનું સાધન એક જ છે… બાળકો….!!
ચાચા નેહરુને બાળકો ખૂબ જ વ્હાલા હતાં, કાશ બધા જ માતાપિતા અને શિક્ષકોને પણ અમે એટલાં જ વ્હાલા લાગીએ જયારે અમે તોફાન કરતાં હોઈએ ત્યારે. ધમાલ કરવી એ અમારું લક્ષણ છે. બાળ મિલનમાં અમે જ્યારે પણ મળીએ ત્યારે પેલાં ધમાલ કરવાનું શરૂ કરીએ, કારણ કે, અમને વિશ્વાસ આવી જાય કે અમે બાળકો જ છીએ.
અત્યારનાં સમય પ્રમાણે માણસ ચાર દીવાલોની જેલમાં રહેતો થઈ ગયો. આસપસની દુનિયાથી સાવ અજાણ. એવાં સમયનો શિકાર અમે થઈ રહ્યા છીએ, એટલે કે, અમારું બાળપણ. માટે બધે જ બાળ મિલન થવું ખૂબ જ જરૂરી છે. મોબાઈલ ઘરે મૂકી અને બાળકોને લઈ બધા આવે અને અમને ખુલ્લા છોડી પોતે અમારી મજા માણે. ખરેખર એ છે બાળ મિલન. ખરેખર એ છે અમારી નિખાલસ મસ્તી.
A b c d… ક ખ ગ ઘ… ઘડિયા વગેરે બોલતા બોલતા અમે રમતાં હોઈએ, કવિતાઓ બોલી બોલી કૂદતાં હોઈએ… એકબીજાના નામ પાડી હસતાં હોઈએ અને એકબીજાનો નાસ્તો ખેંચી બધા સાથે મળીને ખાતાં હોઈએ… જરા વિચારો તો ખરા એ માહોલ કેવો મજાનો… સ્ફૂર્તિ ભર્યો હશે.
પછી તમે અમારા માટે નવી નવી રમતો શોધી લાવો, અમારા માટે નવી નવી સ્પર્ધાઓનું આયોજન કરો, ભણતરને રમતમાં ઝબોળી અમને શીખવી દો અને અમને ખબર પણ ન પડે. જેમ મમ્મી ગોળમાં દવા ઘોળી પીવરાવે તેમ..
અમે બાળકો મળીએ, નવાં મિત્રો બનાવીએ… એકબીજાનો નાસ્તો જમીએ, એકબીજાને ચીડવીએ… એકબીજાને ધક્કા મારીએ અને છેલ્લે રડીએ એટલે તમે દોડતાં આવો અને થોડો મીઠો ઝઘડો તમે પણ કરો. એટલે અમે છાનાં રહી જઈએ. અને મનમાં કહીએ કે, ચલો સમજ્યાં કે અમે બાળકો છીએ પણ તમે આમ ઝઘડી પડો….શું તમે પણ અમારી જેમ….હાહાં😀
આમ તો બાળક એટલે ભૂલો કરવાની ખુલ્લી છૂટ. બાળકો પાસે માત્ર વર્તમાનકાળ જ હોય છે એટલે જ એ હંમેશા હસતાં રહે છે. અને એટલે લોકોને બાળકો વધુ પસંદ હોય છે. ભગવાનને પણ બાળકોનું રૂપ કહે છે. બાળકો પાસેથી લોકો ઘણું શીખી શકે જો એમને શીખવું હોય તો…!!
હવે બાળ મિલનની વાત આવી છે તો, લો એક કવિતા દ્વારા વાત રજૂ કરું. અમે મળીએ, અમે વાતોનાં ગપ્પાં મારીએ ત્યારે અમારી પણ થોડી વ્યથા હોય, થોડા પ્રશ્નો હોય.. અમારા જેવું અમારું પણ નાનું નાનું દુઃખ અમને પણ હોય… તો આ છે એ વિચારવા જેવા મુદ્દા જે અમે બાળ મિલનમાં ટીક માર્ક કર્યા…
તો સાંભળો હવે, શબ્દો છે પ્રણવ પંડ્યાના પરંતુ વાત છે અમારી…
હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.
તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?
આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?
મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?
રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?
– પ્રણવ પંડ્યા
છે ને અમારી કથા અને વ્યથા. શું તમારાથી આવું ન થાય કદી?? શબ્દો વિચાર જો અને પછી અમારા પર જે અમલ કરવા જેવું છે એજ કરજો. નહીં તો તમારા ગુસ્સાના ગુનેગાર અમે બનીશું.
બસ, હવે હું પણ એક બાળક છું.. મારાથી વધુ ન બોલાય પ્રભુ…. અમે છીએ એટલે આ પૃથ્વી સુંદર છે. બાળકો વિનાનું ઘર અને બાળકો વિનાની શાળા ખંડેર જ કહેવાય. માટે અમારું જતન એજ તમારા જીવનનું અંતિમ સત્ય છે.
ચલો હવે થાકી જવાયુ. અંતે ગૌરાંગ ઠાકરએ લખેલી બે લીટી કહી આ બાળ મિલન વિષયને અહીં અલ્પવિરામ મુકું છું… બે લીટી સાંભળો એનાં કરતા એને સમજશો તો… મને વધુ ગમશે.
ટીક ટૉક
આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા ?(ગૌરાંગ ઠાકર)
– જયદેવ પુરોહિત
jaydevpurohit.com
13/21/2019
સંજોગ ન્યુઝ, અમરેલી