Blog

🦁ગુજરાત : મોઢું સોહામણું ને સોળે શણગાર🦁

આપણું ગુજરાત વિવિધતાથી છલોછલ છલકતું મલકતું છે. કામઢાના ક થી લઈને જ્ઞાનના જ્ઞ સુધીની બારાક્ષરી ગુજરાત ક્ષણે ક્ષણે જીવે છે

ચાંદ પર જઈને જુઓ કે નજીક આવીને જાણો અમારી ચમક નોખી અનોખી ને અનેરી છે. અદકેરી છે. ગુજરાતનો ઈતિહાસ સંસ્કાર, સભ્યતા અને સાહસનો પરિચય છે તો વર્તમાન પરમાર્થ, પરિશ્રમ અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાત કયારેય ઘરડું નહિ થાય. ગુજરાત કયારેય ધ્વસ્ત નહિ થાય. ગુજરાત કયારેય નમાલું નહિ થાય. ગુજરાતી લોકો ગુજરાતને રોજ ઓક્સિજન આપે છે. અને ગુજરાતનું અસ્તિત્ત્વ એ સમગ્ર દેશ માટે સંજીવની છે. આપણી માણસાઈની પારસમણી ઘણાએ ચાખી છે, ઓગાળી છે, અને પચાવી પણ છે. અહીંની માટીમાં માનવતાની લાકડી અને ચારિત્ર્યના તાંદુલની કૂંપણો ક્ષણે ક્ષણે ફૂટે છે.

ગરીબાઈની તિરાડમાંથી સંસ્કારોની સરિતા આજે પણ અવિરત કૂદકા મારે છે. ખુમારીમાં દાનવીરતાનો સરવાળો કરો એટલે જવાબમાં ગુજરાતનો સ્વભાવ મળે.

માથે હાથ દઈ ઉભળક પગે બેસી રહેવું એ ગુજરાતના DNAમાં જ નથી. કદાચ કોઈ સો વાર સોમનાથ તોડી નાખે તો અમે બસ્સો વાર ફરી સોમનાથ બનાવીએ. ગરીબીમાંથી સુદામા અને ગાંધી પેદા કરવાનું ધાવણ આ ગુર્જરી ધરામાં છે. ઈતિહાસ બધાને ખબર છે એટલે જ તો કવિ નર્મદે પહેલી જ પંક્તિઓમાં લખ્યું..

જય! જય! ગરવી ગુજરાત!

દીપે અરુણું પ્રભાત
જય! જય! ગરવી ગુજરાત!

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. –
ઊંચી તુજ સુંદર જાત

જય! જય! ગરવી ગુજરાત!

ઘણાએ ગુજરાતને પોતાના નામે કરવાની વૃથા મહેનત કરી પરંતુ કોઈના હાથે રણની એક ઢગલી પણ લાગી નથી. બીજાના ટાંટિયા ખેંચી આગળ વધવું એ અમારા સંસ્કારમાં જ નથી. આપણી ગુર્જરી માતાએ હંમેશા શીખવ્યું કે, “મહેનતનો રોટલો ખાવો”. અને મહેનત પણ જેવી તેવી નહિ. આખું વિશ્વ ગુજરાત પાસેથી મેનેજમેન્ટ, મહેનતના ટ્યુશન લેવા આવે એવી મહેનત. એવી અદભુત શક્તિ. એવો દૃઢ સંકલ્પ. કસાયેલું શરીર અને ધોતી પહેરેલ માનવી વિશ્વને આજે પણ યાદ છે. અંગ્રેજો ગુજરાતના સાહસી નીડર માણસોથી ધ્રુજતાં. કેમ કે આપણા સાવજોની ગર્જના ભલભલાને હચમચાવી દે.

એકતા શબ્દ ગુજરાતની ભેટ છે આ દેશને. યાદવાસ્થલી થતી હતી ભારતમાં ત્યારે સરદારે અનેકતામાં એકતા ભણાવ્યું. ગુજરાતની તાકાત “સ્ટેચ્યુ ઑફ યુનિટી”થી હજારો ગણી ઉંચી છે. ગિરનારી ઉદારતા આપણા લોહીમાં દોડે છે તો રેતાળ રણની વિશાળતા અમારી સુંદરતા છે.

અહીંયા કોઈ બેરોજગાર નથી. અહીંયા કોઈ ગરીબ નથી. વ્યવસાયનું આખું બ્રહ્માંડ છે ગુજરાતમાં. જેને કંઈ કામ નથી કરવું એજ બેરોજગાર છે. બાકી ગુજરાતમાં જ્યાં જ્યાં નજર પડે ત્યાં વ્યવસાય મળી જ જાય. અહીંની કંપનીઓ લાખો લોકોને રોજગાર આપે છે. નવી વિચારધારાને અહીં ઉત્સાહભેર સ્વીકારાય છે. વેપાર વ્યાપક છે તેથી જ અહીંનો માહોલ ફાવક છે. સાહેબ, જે જે વ્યક્તિએ ગુજરાત ચાખ્યું છે એ બધાં આજે પણ ઓડકાર ગુજરાતીમાં ખાય છે.

ગુજરાતનો સૂર્યાસ્ત નહિ થાય. અહીંના પ્રત્યેક લોકો ખુદમાં એક સૂર્ય છે. હજી પણ ગાંધી કે સરદાર કે અંબાણી કે … અરે કેટલા નામ ગણાવું… એ બધા ફરી પેદા કરવાની ક્ષમતા ગુજરાત ધરાવે છે. અમે મસ્તમોજી છીએ પણ ભાન ભૂલકણાં જરાય નથી. ગુજરાત રાજ્ય એક શ્રેષ્ઠ દેશ બનવાની પૂરેપૂરી હિંમત ધરાવે છે. અમારી માનવીય ક્ષમતાના પોસ્ટરો વિદેશોમાં ચમકે છે. કારણ કે, ગર્જવું એ અમારો વારસો છે. એકલું ચાલ્યું જવું અમને ફાવતું નથી, સત્યની સેનાને સાથે લઈને યુદ્ધ કરવાની અમારી આદત છે. “સાદગી પણ એક સૌંદર્ય છે” આ વિધાનને અમે જીવ્યાં,  એવા નેતાઓ  પણ ગુજરાતે સમયે સમયે આપ્યાં છે. લીડરશીપનો દિમાગ અહીંની વિશેષતા રહી છે.

અહીંના ગામડાઓમાં વસતું ગુજરાત એ અમારી અમીરાત છે. અમારી જાહોજલાલી છે. અમારી ખુમારી છે. આવકાર કોને કહેવાય?? માણસાઈ કોને કહેવાય?? એ જોવું હોય તો વિદેશીઓને પણ ગુજરાત આવવું પડે. પદ પૈસાને પ્રતિષ્ઠા વિના પણ અહીંના લોકો સંતોષી અને સાચે જ સુખી છે. અમને ભસ્મમાંથી ભગવાન બનતા આવડે છે. અમને ઢેફામાંથી અન્ન બનાવતાં આવડે છે. અમને ભજીયા વેચીને પણ વિશ્વનો મોટો બિઝનેસમેન બનતા આવડે છે. અમને ચા પીવડાવીને વડાપ્રધાન સુધી પહોંચતા આવડે છે. અમને ગોઠળિયેથી પગભર થતાં આવડે છે. અમને જીવનમાર્ગમાં અવ્વલ રહેતા આવડે છે. ગુજરાત એ કોઈ રાજ્ય નથી પરંતુ ગુજરાત એ આખો યુગ છે. ભવિષ્યમાં આખું વિશ્વ ગુજરાત સમજવા પડાપડી કરતું હશે. ‘ગુજરાતીઓ આટલાં ખુશ કેમ રહી શકે છે?’ અન્યો માટે તો આ પણ એક સંશોધનનો વિષય છે.

રણ, દરિયો, જંગલ, વગેરે એ અમારી સેના છે. અતૂટ સેના. અમારા ઉદ્યોગો કરોડો લોકો માટે પેટપૂર્તિનું સાધન છે. “જે અમારા પર નભે એ પછી ક્યાંય ન નમે.” ગુજરાત દિવસે ને દિવસે જુવાન ધોધ બનતું જાય છે. ગુજરાતનું ગરમ લોહી સાચી દિશામાં ગતિ કરે છે. ગુજરાત એ જીવન જીવવાનું સ્વર્ગ છે. જે ખુશ્બુ ગુજરાતીઓમાં છે એ જ છે સાચું ગુજરાત. અમારું ગુજરાત. આપણું ગુજરાત.

આ કોઈ અતિશયોક્તિ કે અતિવર્ણન નથી. અને જો એવું કોઈને ભાસતું હોય તો સમજવું કે એ ગુજરાતી નથી.

વાત ગુજરાતી જાત ગુજરાતી
છે બધી રીતભાત ગુજરાતી
વિશ્વ આખું ઝુકાવશે મસ્તક
હોય જો લાયકાત ગુજરાતી

💥ટીક ટૉક💥

“ગુજરાતીઓને હું કહેવા માગું છું કે તમે શરીરથી ભલે દુર્બળ હો પણ કલેજું વાઘ અને સિંહનું રાખો.” (સરદાર પટેલ)

– જયદેવ પુરોહિત

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x