પહેલાં એવો “ઠોસ” વિચાર કરેલો કે લૉકડાઉનમાં એક બે નવલકથાઓ લખી નાખવી છે.
અથવા તો 50-60 આર્ટિકલ લખીને એક સિરીઝ શરૂ કરવી. પરંતુ પછી વિચારોએ રસ્તો બદલ્યો અને બધું જ ધોવાઈ ગયું અથવા મેં જ ધોઈ નાખ્યું. ખબર નહીં જે હોય તે પણ એને બદલે મેં વાંચવાનું વધારી દીધું.
બે લીટી લખવા માટે ઓછામાં ઓછા બસ્સો શબ્દનું વાંચન તમારી પાસે હોવું જોઈએ. એવો મારો પહેલેથી મત રહ્યો છે. હું ઘણી બધી પુસ્તકોનો હમસફર બન્યો લોકડાઉનમાં. વધુ તો મેં બક્ષીબાબુને જ વાંચ્યા. હા, ચંદ્રકાન્ત બક્ષી.
તમે કોઈ લેખકને વધુ વાંચો એટલે પછી એ લેખક તમારી અંદર જીવંત થવા લાગે. અને જો તમે પણ લેખક હોય તો એમનો પરછાયો તમારા શબ્દોમાં છલકવા લાગે. કદાચ મારા લખાણમાં એવું થયું છે..??? ખેર, એ જવા દો..
મેં બક્ષીબાબુની ઘણી નવલકથાઓ, લેખો વાંચ્યા, વિચાર્યા અને વાગોળ્યા છે. એ ખજાનામાંથી ઘણી પાવરફુલ લાઇન્સ મેં શોધી છે. બસ, આજે એ તમારી સાથે વહેંચવા આવ્યો છું. તો, હવે બક્ષીબાબુના અતરંગી સપ્તરંગી અને બેખૌફ વિચારો…અને તમે….
● કાલ સવારે જીવતા રહેવા માટે તૈયારી આજ સાંજથી કરવી પડે છે.
સતત જીવતાં રહેવાની તૈયારી રાખવી. રોજે રોજની કમાણી, જિંદગી આખી એમાં પુરાણી. ઘણા લોકો મરી પડે ત્યાં સુધી પરસેવો પાડી પાડીને રોજ જીવતા રહે છે. કાલે સવારે નાસ્તામાં ગોળ-ઘી, દૂધ અને રોટલો મળી રહે તે માટે આજે લડી લેવું પડે છે. તૈયારી રાખવી જ જોઈએ, તૈયાર રહેવું જ જોઈએ.
● આંસુ અને શર્મ પર પગારદાર સ્ત્રીઓએ વિજય મેળવી લીધો છે. (એક વખત વાંચવાથી સમજાય જાય એટલો સરળ આ પ્રહાર નથી. વાંચો ફરી..)
◆ કલાકારો શોખથી ભૂખે મરી શકે છે, ભુખ ને એ લોકો આર્ટ સમજે છે. ( આર્ટિસ્ટ આ રીતે જ બનાતું હશે..)
◆ પોતાને ખુશ કરવા માટે પણ ક્યારેક માણસને સોરી બોલવા દેવું જોઈએ. (વાત સમજવા જેવી અને અમલમાં મુકવા જેવી)
◆ ચોવીસે કલાક જો સંસ્કારી વિચારો આવ્યા કરશે તો તબિયત ખરાબ થઈ જશે. ( એકદમ સચોટ તમાચો માર્યો છે, જે લોકોએ સંસ્કારી જીવનને વધુ સંસ્કારી બનાવવાની મૂર્ખામીઓ આદરી છે એવાં ‘pro-સંસ્કારીઓને..’ )
◆ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે છે કે તડકો ખુલી ગયો છે. ( ઘણા આંધળી રીતે ઘણા નેતાઓને ભગવાન માની બેઠાં હોય અને એ જે કરે તે જ શ્રેષ્ઠ. એવાં લોકોને નહીં સમજાતું હોય કે સાચે આંખે આંધળા લોકો પણ ‘તડકો’ તો અનુભવી જ શકે. )
◆ કૂતરો બધું જ સુંઘી શકે છે સમાગમ પછી સ્ત્રીને પણ, કદાચ એ જ કારણે સ્ત્રી સામે ભસતો હોય..
◆ જો જીવતા રહેવું હોય તો દર ૬ મહિને મુંબઈ છોડીને ભાગી જવું જોઈએ. (એટલે કે, થોડાં-થોડાં મહિને નવી હવા લેવાં નીકળી જવું જોઈએ..)
◆ તૃપ્ત પેટ હંમેશા સારા વિચારો લાવે છે. અદેખાઈ, દ્વેષ નફરત બધું જ શાંત થઈ જાય છે અથવા ઓછું થઈ જાય છે (હા, એ તો સાચું. પેટ ભરેલું તો મન છલકેલું, પેટ ખાલી તો પછી ભેજામારી.)
◆ પરણ્યાં પહેલાં સ્ત્રીઓ ચોવીસ પર આવીને અટકી જાય છે. ( ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે ગમે ત્યાં જો bio માં જન્મતારીખ આખી લખી હોય જન્મ-વર્ષ સાથે તો સમજી જવું કે આ છોકરાની પ્રોફાઈલ છે. )
● સ્ત્રી ખૂલતી નથી ત્યાં સુધી સ્ત્રી નથી બનતી.
● સહન ન થાય એટલું બધું સુખ આવી જાય ત્યારે જરા દુઃખનો ટેકો લઈ લેવો જોઈએ.
ને હવે લાસ્ટ એક…
● એ લોકો બદનસીબ છે, બદબખ્ત છે જે ખરાબ થવાની ઉંમરે ખરાબ થવું ચૂકી ગયા છે, અને હવે દોષગ્રંથિથી તડપી રહ્યાં છે . ( ફરી એકવખત વાંચી લો… )
બક્ષીબાબુને વાંચ્યા પછી એમનાં નશામાંથી બહાર આવવું જરાય સહેલું નથી…. લેખકો છુપા “ડ્રગ્સ સેલર” છે.
ટીક ટૉક
સુખી લગ્નજીવનના સૌથી મોટા દુશ્મનો નવલકથાકારો છે – બક્ષી
– જયદેવ પુરોહિત
15/07/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી
અદ્ભૂત શબ્દો…….
👌👌👌👌👌👌💛
Thank you so much. keep read more….