Blog

ગેરનો મેળો : ખૂશ્બુ કવાંટ કી

મેળા ઘણી જગ્યાએ જોયા પણ ગેરનો મેળો નોખો અનોખો અને છેલછબીલો.

હોળીનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ કવાંટવાસીઓનો આનંદ ઊંચ્ચે આકાશે અથડાઈ. કવાંટ, છોટા ઉદેપુર જિલ્લાનું એક ગામ. સાથે તાલુકો પણ. બરોડાથી 110 કિલોમીટર દૂર અને મધ્યપ્રદેશની સરહદને અડીને જીવતું ગામ. રીત અહીંની જૂદી ને રિવાજ પણ અહીંના જુદા પરંતુ માણસાઈ એ જ આપણી ગુજરાતી.

એક અલગ જ પ્રભાવિત કરતું ગુજરાત અહીં વસે છે. આદિવાસી સંસ્કૃતિ ક્ષણે ક્ષણે અહીં ધબકે છે. ‘બાર ગામે બોલી બદલે અને બાર ગામે બદલે પહેરવેશ’ બસ, એવું જ ગુજરાત કવાંટમાં શ્વસાય છે.

હોળીનો તહેવાર એટલે કવાંટ અને આજુબાજુ વસતા ગ્રામજનો માટે જાણે ઈન્દ્ર એ ગોઠવેલી પાર્ટી. અહીંયા હોળીની ઊજવણી કંઈક ખાસ છે. માટે જ અહીંનો ગેરનો મેળો જગ-વિખ્યાત છે. અનેકતામાં એકતા અને અનેકતામાં સમાનતાના દર્શન ગેરના મેળામાં આંખે ચિતરાય જાય.

અહીંનું જીવન આર્થિક દૃષ્ટિએ અન્ય જિલ્લાઓ કે અન્ય સંસ્કૃતિઓ કરતા થોડું ઊતરતું. પરંતુ એમનો આનંદ અડગ ગિરનાર જેવો. નવા કપડાં માત્ર હોળી સમયે જ ખરીદવાના,અહીંના લોકો વિશ્વના કોઈપણ ખૂણે કામ કરવા ગયા હોય પરંતુ હોળી આવે એટલે વતનમાં, કવાંટમાં કોઈપણ ભોગે પહોંચી જ જવાનું.

છોટાઉદેપુર જીલ્લાના નાના મોટા દરેક ગામ-વિસ્તારમાં હાટ(બજાર)નું મહત્ત્વ વધુ છે. દર અઠવાડિયે હાટના દિવસે મેળાનું વાતાવરણ અનુભવાય. પણ સૌથી મોટો મેળો તો ગેરનો મેળો. કવાંટની ઓળખ કહો કે આદિવાસી સંસ્કૃતિની ધરોહર. હોળીના દિવસે અહીંના શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે, સાંજે અગ્નિ દેવની પૂજા થાય, પ્રદક્ષિણા કરી નાળિયેર અર્પણ કરી ઉપવાસ પૂર્ણ કરે ને સાંજે એકટાણું.

જયારે હોળી માતાને પ્રગટાવવામાં આવે ત્યારે ઉપર રાખેલી ધજા જો કોઈના હાથમાં આવી જાય તો એ સાક્ષાત ભગવાનના આશીર્વાદ માને છે. નસીબદાર ગણે છે. અને ઘણા તો ધગધગતા અંગારા પર ખુલ્લા તળિયે ચાલે પણ છે. આ તો છે શ્રદ્ધા આદિવાસી સંસ્કૃતિની. જ્યાં શ્રદ્ધા પ્રબળ બને ત્યાં તર્ક ન કરવો જોઈએ. અને અહીંનું સંગીત કર્ણપ્રિય. ઢોલ-નગારા ને શરણાઈથી સમગ્ર વાતાવરણને રંગીલું બનાવી દે. એક અલગ જ સંસ્કૃતિ અહીં પોષાય રહી છે.

હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી. આકાશને રંગવાનો તહેવાર. આ દિવસથી અહીંના ઘણા લોકો પાંચ દિવસ સુધી બાધા રાખે. ખાટલા પર સૂવું નહીં વગેરે… “શરીરે ભસ્મ ચોળી…” આખા શરીરે ભભૂતિ લેપી પાંચ દિવસ સુધી બાધા પાળે. ઘણા તો આ પાંચ દિવસમાં ચિત્ર-વિચિત્ર રૂપ ધારણ કરી આખા ગામમાં ફરે. નોખા અનોખા વસ્ત્રો પહેરે. જે આ વિસ્તારમાં બુળિયા બાવા કહેવામાં આવે છે. અને ગુજરાતી ભાષામાં ગેરૈયા/ઘેરૈયા.

મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.

પ્રહલાદ પારેખની આ પંક્તિઓ અહીંના ગેરૈયામાં યથાર્થ છે. ગેર એટલે ગેરૈયાઓનું મોટું ટોળું. એવો પણ પ્રાદેશિક અર્થ કરે છે. હોળીથી ગણી ચોથા દિવસે ગેરનો અદભુત મેળો ભરાય છે. જાણે કૈલાસમાં શિવજીનો ચોરો ભરાયો હોય.

મેળાની એક ખાસ વાત એ કે બધા નાની-મોટી ટોળીમાં હોય છે. પોતપોતાની અલગ પહેચાન. એ ગેરૈયા સો-બસોની ટોળકીમાં આવતા હોય, સાથે વાજિંત્રોનો નાદ, સાંસ્કૃતિક નૃત્ય, આદિવાસી પહેરવેશ પુરુષોએ ધોતી અને કમિઝ અને સ્ત્રીઓએ બ્લાઉઝ અને ચૂંદડી. એક જ કલરના, એક જ ડિઝાઇના બધા એક સરખા. જુઓ તો રંગ આંખે વળગે. અને બધા એક જ સ્ટાઈલમાં નૃત્ય કરતા કરતા આગળ વધતા હોય, માથે મોરપીંછ શોભતા હોય, ચહેરા પર માત્ર શુદ્ધ આનંદ છલકતો હોય. અને નાના છોકરાઓ પીપૂડા વગાડી આખા વાતાવરણને ગજાવી દે.

મોજ-મસ્તી, ખાવું પીવું અને ગેરના મેળામાં લ્હેર કરવી બસ, એજ ઉજવણી. અડદના પાપડ અને અહીંના ઢેબરાં ખાઉં તો જીભ ચાટતા રહો, અને ઘણા તો ગાતા પણ જાય..

“પાપડ પાપડી આલો રે ભાયા…
હોળી પાન રે….”

આખું કવાંટ કાળા માથાના માનવીઓથી ઉભરાતું હોય છે. એમાંય જુવાનિયાઓનો રંગ સૌથી નોખો. આ મેળામાં ઘણાના મન મળી જાય તો સાથે રહેવાના ફેરા પણ ફરી લ્યે. અરે, ઘણા તો પોતાના ગામથી ચાલીને આવે, તો રસ્તામાં કોઈ હમસફર મળી જાય તો મેળામાં પહોંચતા પહોંચતા જોડી જામી જાય. પછી મેળામાંથી પ્રેમની નિશાની પણ લઈ દે. એમાં રૂમાલ પ્રખ્યાત. “રૂમાલ મારો લેતાં જાજો….” એટલે આમ આ પસંદગી મેળો પણ છે. મન મળે એ મેળો.

અલગ અલગ ગામોની ટીમો ઢોલ સાથે નાચતા નાચતા થાકે જ નહીં અને અહીંનો ટીમલી રાસ. પગ થાકે પણ મન નહિ. ન કોઈ ભેદભાવ કે ન કોઈ જાતિવાદ બસ માત્ર છલકતો હોય તો અહીંના લોકોનો ઉન્માદ. બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા ગેરના મેળામાં રંગાય જાય. જાણે એક જ દિવસનું જીવન. અહીંની સંસ્કૃતિ હજી સચવાય છે એમનું ખાસ કારણ ગેરનો મેળો પણ છે. તો લ્હાવો લેવા જેવો ખરો… એક હોળી ગેરના મેળામાં…

આ માત્ર એક ઝલક છે આદિવાસી સંસ્કૃતિની…

ટીક ટૉક

“ખાધે પીધે દિવાળી વધે તેની હોળી”

(આદિવાસી કહેવત)

✒- જયદેવ પુરોહિત

4.3 10 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
JAIMIN RANA
JAIMIN RANA
11 months ago

વાહ 👏🏼

Arzoo solanki
Arzoo solanki
10 months ago

Wah….. nice….✨ sanskruti badle pn manshay nay…Sars vat kriche….. Ritirivaj alag hoy pn manshay to manshay che….✨

Last edited 10 months ago by Arzoo solanki
2
0
Would love your thoughts, please comment.x
()
x