Blog

સ્ટ્રીટ ડાન્સર 3D : કોઈ દુઆ કરો…

પ્રભુ દેવા અને રેમો ડિ’સોઝાએ ડાન્સરો માટે અને ડાન્સ માટે ઘણું બધું કર્યું છે. ડાન્સને એક પહેચાન આપી અને ડાન્સરોને એક નવી લાઈફ આપી એવું કહી શકાય. બોલીવુડમાં ડાન્સરોની એક આખી અલગ દુનિયા છે. અને હવે તો ડાન્સ પર ફિલ્મો પણ બનવા લાગી. એમનો સંપૂર્ણ શ્રેય આ બે ડાયરેકટરને આપવો જ ઘટે.
ABCD ફિલ્મ જયારે આવી હતી ત્યારે ડાન્સરોની જાણે દિવાળી આવી હોય એમ ભારતના ખૂણે ખૂણેથી ડાન્સરો નીકળવા લાગ્યાં. અને એ ફિલ્મ બહુ હિટ રહી હતી. પછી આવી ABCD 2, એ વખતે બહુ જલવો થયો નહિ કારણ કે, લોકોના મગજમાં ડાન્સ પર બનેલી ફિલ્મો કેવી હોય એની છાપ પડી ચુકી હતી. પરંતુ એ ફિલ્મ સાવ ફ્લોપ ન હતી.

બે ડાન્સ ફિલ્મોની સફળતાને રેમો અને પ્રભુએ 3Dમાં ઉતારવાનું નક્કી કર્યું. ભારતની પહેલી 3D ડાન્સ ફિલ્મ. હા, હું વાત કરું છું “સ્ટ્રીટ ડાન્સર 3D” જે હમણાં જ રિલીઝ થઈ. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં અને બાકી બધા ડાન્સરો.

જો તમે એક ડાન્સર હોય (ડાન્સ ગમતો હોય અને ડાન્સર હોવું એ અલગ હો..) તો તમને આ ફિલ્મમાં પોતાની કહાની અનુભવાશે. અને આજકાલ દરેક ડાન્સ શૉમાં પણ સ્ટ્રગલ નામે ગરીબીને ખુલ્લી કરવામાં જ આવે છે. મોટા ભાગે દરેક ડાન્સરોની પોતાની એક ફિલ્મી કહાની હોય જ છે. અલબત્ત, આપણા સૌની એક કહાની હોય જ છે. સ્ટ્રગલ… નિરાશા.. પતન..અને અંતે ઊડાન. અથવા અંતે સ્વીકાર.

આ બધા ડાન્સ શો અને આવા ડાન્સ ફિલ્મોએ ડાન્સરોને એક ઈમોશનલ પર્સન તરીકે પ્રસ્તુત કર્યા છે. સ્ટ્રગલ જાણે ડાન્સરોનો પરમ મિત્ર હોય. સ્ટ્રગલ વિના કઈ મળતું નથી. અને ખાસ કોઈ પણ કામમાં પારંગત બનવું હોય તો તમારે તળિયાતોડ મહેનત કરવી જ પડે.

અને સાથે સાથે ફેમેલીને સાચવવી પણ પડે. રેમો ડિ’સોઝાએ અગાઉના 2 ડાન્સ ફિલ્મોમાં પણ ઈમોશનલ સ્ટોરી જ આપણને બતાવી હતી. સ્ટ્રીટ ડાન્સર પણ કઈક એ જ ઢબની છે. બસ, આ ફિલ્મમાં બીજા નાના નાના સીન દ્વારા મોટા મોટા મેસેજ આપવાની સ્ટાઇલ નવી છે.

વરુણ અને શ્રદ્ધા બંને સારા ડાન્સરો છે માટે આ ફિલ્મ જોવી આપણને ગમે. અને એ બંનેની કેમેસ્ટ્રી પણ મજબૂત છે. અહીં બે દેશોની વાત લઈને પાત્ર લખવામાં આવ્યાં છે અને બંને દેશોને દુબઈની ગલીઓમાં આમને-સામને ટકરાવ્યાં છે. બે ડાન્સ ગ્રુપ, એક સહેજનું(વરુણ) જે ભારતીય અને બીજું ઇનાયતનું(શ્રદ્ધા) જે પાકિસ્તાની.

સહેજનો ભાઈ પુનિત જેમનો પગ ડાન્સમાં તૂટ્યો હોય અને પછી એમનું સપનું લઈ સહેજ ડાન્સ ગ્રુપ શરૂ કરે છે. બીજી તરફ શ્રદ્ધા પણ છુપી રીતે ડાન્સ કરતી હોય છે. પ્રભુ દેવા પણ એક પાત્ર તરીકે આખી ફિલ્મમાં સાથે હોય છે. બાકી એ જ રેમો ડિસોઝાની ડાન્સ ટિમ સ્ટારકાસ્ટમાં છે. બધાને થોડા ડાયલોગ્સ આપી દીધા એટલે બધાની હાજરી દેખાય. બાકી, વધુ પડતું ફિલ્મ વરુણ પર જ છે.

વિવિધતામાં એકતાની વાતને ડાન્સ દ્વારા રજૂ કરી છે તો સ્ટ્રીટ પર રહેતા ભૂખ્યાં લોકોની લાગણીને પણ વાચા આપી છે. ભારત પાકિસ્તાનને એક થઈ જવાની વાત પણ ફિલ્મના અંતે કરી છે. એટલે કે, એક ઈમોશનલ ફિલ્મ છે. પરંતુ સ્ટોરીમાં કોઈ વજન દેખાતો નથી. અને સ્ટોરી ટેલિંગ પણ “3D” ના લેવલનું નહિ. હા, ડાન્સના સ્ટેપ 3Dમાં જોવાની મજા આવશે.

પરંતુ વાર્તા બોરિંગ લાગશે. એમાં પણ પહેલો ભાગ કંટાળો આપે છે. બીજા ભાગમાં ડાન્સની સ્પર્ધા રાખી એટલે થોડી મજા આવશે. બાકી ફિલ્મ એવું કોઈ ખાસ નથી લાગતું. ડાન્સર હોય એને ગમશે એ સ્વાભાવિક છે. પરંતુ ડાન્સના ચાહકોને સંતોષ નહિ થાય.

બોલિવુડનો હાલનો સમય “સ્ક્રિપ્ટ”નો છે. માત્ર હીરો કે હિરોઇનના નામોથી હવે ફિલ્મો ચાલતા નથી. જેની વાર્તામાં દમ હોય એ ફિલ્મ શાનદાર. રેમો ડિ’સોઝાની છેલ્લી 2 ફિલ્મો પછડાય ગઈ. રેસ-3 અને હવે સ્ટ્રીટ ડાન્સર… ડાયરેક્શન સારું છે પણ સ્ટોરીમાં કાચા. બંને ફિલ્મોની સ્ટોરી સાવ સામાન્ય છે માટે જ એ ફિલ્મો હિટ ન રહી. હા, કમાણી થઈ જાય પરંતુ લોકોના દિલ ન જીતી શકે. બાકી નોરા અદા એટલે.. ઉફ્ફફ યે ગરમી…..

3Dમાં ડાન્સ જોવાની ઈચ્છા હોય તો ચોક્કસ આ ફિલ્મ થિયેટરમાં જોવા જવાય. બાકી….

– જયદેવ પુરોહિત

31/01/2020

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x