Blog

બોલવું : દુનિયા જીતવાની મોહિની

માણસ પાસે બોલવાની ચમત્કારીત શક્તિ જ ન હોત તો? ‘બોલવું’ એવી કોઈ ક્રિયા જ ન જન્મી હોત તો? ખરેખર ચમત્કૃતિ પેદા કરે એવો ખ્યાલ છે.

અત્યારે વિશ્વ મોદીને નતમસ્તક કરે છે. એ અજબ વાતની પાછળ ગજબ કારણ છે “બોલવાની કળા, છટા”. મનમોહિની વાણી અને લયબદ્ધ, શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલતાં મોદીએ સમગ્ર વિશ્વને આકર્ષિત કર્યું છે. મોદીની નવાબી જીતનું કારણ પણ એમની બોલવાની કલાકારી જ છે. બોલવું એક આવડત છે. જેને માણસે કેળવવી જોઈએ.

કોઈપણ મનુષ્યની સફળતામાં ‘બોલવાનો’ અભિન્ન ફાળો અવશ્ય હોય છે. આપણે 4/5 કલાક ટીવી સામે સ્થિર બેસી શકીએ છીએ, કારણ? એક અદાથી બોલાતાં ડાયલોગ્સ, વાદ-વિવાદ, સંવાદ અને શબ્દોને થતો વ્હાલ. વાતો કરવી, પંચાત કરવી, ઘરમાં પરિવાર સાથે બોલવું એ બધું સહજપ્રાપ્ત છે.

એક અનુભવ બધાને થયો હશે કે, ‘આપણે જ્યારે મિત્રો સાથે કે સ્નેહીજનો સાથે વાતોમાં સમય પસાર કરતા હોઈએ ત્યારે ઘણું બધું બોલી લઈએ, કદાચ કોઈનો વારો પણ ન આવવા દઈએ, પરંતુ જયારે એજ લોકો એમ જાહેરાત કરે કે, હવે આપણી સામે ફલાણા ભાઈ એક ગીત/વાર્તા/કે વાત રજૂ કરશે. એટલે આપણું બોલવાનું ઓટોમેટિક બંધ થઈ જશે, આપણે શરમાઈ જઇશું, અને આપણે છટકવાના કારણો શોધીશું. અર્થાત જીભ ડબામાં પુરાઈ જશે.”

એવું કેમ? કારણ શાંત લોકો સામે બોલવાનો ભય. તમે બોલતાં હોઈ અને સામે પચાસ/સો લોકો સાંભળતાં હોય અને સાથે ન તમારા પગ ધ્રૂજે કે ન હૃદયના ધબકારા વધે તો માનવું કે આપણને સભા સમક્ષ બોલવાનો ભય નથી. પહેલા બોલવાનો ભય દૂર કરવાની કળા શીખવી આવશ્યક છે. પછી આવે છે વાણીમાં ચુંબકત્વ. કથાકારો, વક્તાઓ, મોદી જેવા વાણીજ્ઞ નેતાઓ જયારે બોલતા હોય છે ત્યારે શ્રાવકો તેમની જોડે ચુંબકની જેમ ખેંચાતા હોય છે.

આપણે કેટલું બોલીએ એ મહત્ત્વનું નથી પરંતુ મહત્ત્વનું એ છે કે આપણને કેટલી ઘણી લોકો સાંભળી શકે છે.

“કિતને… આદમી થે ??” આ ડાયલોગ્સ લગભગ બધાને સ્મરણમાં જ હશે. જો મનમાં આખો ડાયલોગ્સ અવાજ સાથે યાદ આવી ગયો ને!. હવે જોઈએ કે આ ડાયલોગ્સ કેમ મહાન બન્યો. સલિમ ખાને લખેલ આ એક સામાન્ય વાક્ય છે. જેમ કે આપણે નોર્મલ પૂછતાં હોઈએ તેમ કે ‘ભાઈ’ કેટલા લોકો છે’ પરંતુ બોલવાની ઢબે  આ વાક્યને “મશહૂર ડાયલોગ” બનાવી દીધો. ક્યાં શબ્દ પર વજન મુકવાથી સાંભળનારના મનમાં અર્થગ્રહણ થઈ શકશે એ જાણ બોલનારને હોવી જોઈએ.

સમાજમાં આશરે રોજ 40% પરિવારો તૂટતાં હશે. અથવા ઝઘડા થતા હશે. અને ઘરમાં રોજ બોલાચાલી તો ખરી જ. ઊંડાણ પૂર્વક વિચારો તો તે ઝઘડા પાછળનું મુખ્ય કારણ પણ “બોલવું/બોલવાની કળા” જ જણાશે. આપણે નાના નાના વાક્યો પણ ઘરમાં બરાડા પાડીને ભોકતા હોઈએ છીએ. જેમ કે, “પાણી લાઉં ને….”(ને પર ભાર મુકવો), હવે કોઈપણ અક્ષર પર ભાર મૂક્યાં વગર એક જ લયમાં શાંતિથી બોલો, “પાણી લાઉં ને.” હવે પરિણામ આપો કે કયા વાક્યમાં ઝઘડાની સંભાવના છે અને ક્યાં વાક્યમાં પ્રેમપૂર્ણ સંવાદનું રહસ્ય છે.

બોલવાની કળામાં મહત્ત્વના પાસા છે, અવાજ, સ્પષ્ટતા, અને બે શબ્દો વચ્ચેનું મૌન. ખામોશી, ન બોલવાની કલા- અંગ્રેજીમાં જેને ‘પોઝ’ કહે છે. બોલતાં બોલતાં વચ્ચે જરા જરા અટકવાથી સાંભળનારના મગજમાં શબ્દોનો અર્થ પથરાય છે. આમાં બુદ્ધિ અને ટાઇમિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધું શીખી જવાથી કે સમજી જવાથી બોલવાનું સુધરવાનું નથી. એના માટે રોજ બોલતી વખતે રખાતી સભાનતા. અને અનુભવથી મળેલી સમજ.

તમે ક્યારેય અરીસા સામે ઊભી 10 મિનિટ સુધી  પોતાના ચ્હેરા સાથે જ બોલ્યાં છો? અનુભવ કરવા જેવો ખરો. એક બે વાક્ય બોલશો ત્યાં હસવું આવી જશે નહિ તો પછી ત્રીજું વાક્ય જ નહીં મળે. આપમેળે મૌન બોલવા લાગશે. કોઈ પ્રિયજનનો હાથ પકડીને પુરી લાગણી સાથે કહેવું સહેલું છે કે, “હું તને ચાહું છું…” પરંતુ કેમેરાના કાચ સામે અથવા દર્પણમાં સ્વમુખ સામે એજ પુરી ફીલિંગથી કહેવું બહુ અઘરું છે. એના માટે બોલવાની પ્રેક્ટિસ કરવી પડે. જે સરળતા આપણને બોલવામાં લાગે છે એટલી સરળતા છે નહીં. બોલવાની કળા બહુ અઘરી છે. બોલવાની કળાથી વિશ્વ જીતી શકાય છે. આપણું અહિત વિચારનારા પણ હિતકારી બની શકે છે. બસ કેળવવાની બોલવાની કળા.

ઘરનું વાતાવરણ બોલવાની અલગ અલગ રિતોથી જ ગરમ થતું હોય છે. કેમ કે આપણા સિવાય બોલી શકે એવું કોઈ જીવ ઘરમાં નથી રહેતું. જે નાના નાના વાક્યો શાંતિથી બોલવાના હોય છે એજ વાક્યો આપડે ત્રાડ પાડીને બોલીએ છીએ એટલે જ સામેની વ્યક્તિ ચિડાઈ છે ને પછી એ પણ પ્રહાર કરે છે. બોલવાની કળા જીવનને શાંત અને કીર્તિવાન બનાવે છે.

લાસ્ટ વિકેટ

બોલતાં બધાને આવડે છે પરંતુ બરાબર બોલતાં બહુ ઓછાંને આવડે છે.(ચંદ્રકાન્ત બક્ષી)

– જયદેવ પુરોહિત

03/06/2019

SANJOG NEWS, AMRELI

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x