પણ ધાર્યું ન થયું. ટાણે જ ઘોડો ન દોડ્યો. પ્રયોગ સંપૂર્ણ ન થયો. મારી શાળાના વિદ્યાર્થીઓ નિરાશ થયા. મારી પાસે આવીને કહ્યું કે, “સર, દશેરાએ જ સેલ ચાલુ ન થયા..”. અમારી શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો. બાળકોએ સરસ પ્રયોગ તૈયાર કર્યો હતો, બધું બરાબર થતું હતું. પરંતુ ફાઇનલમાં ધોની રન-આઉટ…!!
એટલે સ્વાભાવિક છે કે બાળકોમાં નિરાશા આવે. બીજે દિવસે પ્રાર્થનામાં સહજ મારાથી બોલાય ગયું કે “વિજ્ઞાન : નિષ્ફળતાઓનો ખજાનો છે…” ક્યારેક શબ્દો પરિસ્થિતિ જોઈને આપમેળે ગોઠવાઈ જતાં હોય છે. પછી તો ઘણું બોલ્યો. અને તે બાળકોએ મારા સામે જોઈને સરળ હાસ્ય વરસાવ્યું.
આ વાતના ચાર દિવસ પછી ચન્દ્રયાનની ઘટના થઈ. એજ અનુભૂતિ ફરી થઈ. ખરેખર, વિજ્ઞાનએ નિષ્ફળતાનો વિષય છે. જો તમે નિષ્ફળતાને પચાવી શકો તો જ તમે કઈક નવું સંશોધન કરી શકો. કોઈપણ પ્રયોગ સફળ કે નિષ્ફળ નથી હોતો, બસ, પ્રયોગ પૂર્ણ કરવાનો પ્રયત્ન હોય છે. પૂર્ણ થાય તો સફળતા કહી શકો પરંતુ ધાર્યું ન થાય તો એને નિષ્ફળતા તો ન જ કહેવાય. ફરી પ્રયાસોમાં લાગી જવું એજ વિજ્ઞાન છે.
સર્જન કરવું, સંશોધન કરવું, કોઈ નવી શોધ કરવી, એમાં એક વસ્તુ નિશ્ચિત હોય છે, એ છે નિષ્ફળતા. પ્રયાસો બંધ કરી દેવા એ મોટી નિષ્ફળતા. વૈજ્ઞાનિકનું કામ જ સર્જનનું છે. કઈક એવું બનાવવું જે કોઈએ ન બનાવ્યું હોય. એમાં પ્રયાસો તો કરવા જ પડશે. એક ઘાએ કાગળ તૂટે દિવાલ નહીં. જે વ્યક્તિ પ્રયાસો કરવામાં થાકતો નથી એમનાં હાથમાં એક દિવસ કોહિનૂર જરુર આવે. પ્રયત્નશીલ રહેવું એજ સફળતા છે. માટે જ મોદીજીએ કહ્યું હતું કે, “વિજ્ઞાનમાં હાર કે જીત નથી હોતી, માત્ર પ્રયાસ હોય છે.”
ડૉ. અબ્દુલ કલામની આત્મકથાનો(અગનપંખ) એક અંશ યાદ આવી ગયો. ખુદ કલામજી લખે છે કે..
“ક્રમે ક્રમે હું વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંશોધન અને વિકાસના તફાવત બાબતે જાગ્રત થતો ગયો. વિજ્ઞાન મૂળભૂત રીતે ખુલ્લા-છોડવાળું તથા સંશોધક રહ્યું છે. વિકાસ તો બંધ લૂપ છે. વિકાસમાં ભૂલો અનિવાર્ય છે અને તે દરરોજ કરાય છે. પણ દરેક ભૂલ રૂપાંતર, વધુ સારું તથા બાબતને આગળ વધારવા માટે થાય છે.
કદાચ પરમાત્માએ ઇજનેરો તથા વિજ્ઞાનીઓને વધુ સક્રિય બનાવવા જ સર્જ્યા છે, કારણ કે દરેક વખતે વૈજ્ઞાનિક પૂર્ણ સંશોધિત અને પૂરું સમજાય તેવું નિરાકરણ લાવે કે તરત ઇજનેરો તને એક વધુ પાસું, એક વધુ સંભાવના બતાવે. હું હંમેશા મારા જૂથને વિજ્ઞાનીઓ બનવા સામે ચેતવતો. વિજ્ઞાન તો એક નાદ(passion) છે – વચનો અને સંભાવનાઓમાં કદી પૂરી ન થતી યાત્રા છે. ” (પેજ ૭૯-૮૦)
સતત લડતું રહેવું એજ જીવન હોય તો પરિણામનો રંજ કેમ? વિજ્ઞાનમાં શક્યતાઓ રહેલી છે. એ શક્યતાઓ સાચી જ છે એનું કોઈ પ્રમાણ નથી. પ્રયાસો કરતાં રહો નિર્માણ આપોઆપ આકાર લેશે. વિજ્ઞાનીઓનું નિજી જોવન અનુભવવું હોય તો કલામ સાહેબની આત્મકથા અચૂક વાંચવી. જીવન જીવવાની રેસિપી પણ મળશે અને લડાઈ કરવાની હિંમત પણ. જે થાકે નહિ એની જ કથા લખાય છે. બાકી ઉદાસ થઈને બેસી જનારાઓની દુનિયા ભરી છે.
ચંદ્રયાન ૨ એક સફળ પ્રયત્ન હતો. સેટેલાઇટ એ છુટેલું તિર છે. હાથમાં હોય ત્યાં સુધી જ પકડમાં હોય. હવામાં ગયું પછી એ ભગવાન ભરોસે. અને જે દેશ પ્રયત્નશીલ હોય એજ વિશ્વને આકર્ષી શકે. જે દેશની વિચારશક્તિ ફરી પ્રયાસ કરવાની હોય એ દેશ ક્યારેય નિષ્ફળ નથી થતો. જે શીખતાં રહે એને નિષ્ફળ કઈ રીતે કહેવાય.
ફરી પ્રાર્થનામાં ચન્દ્રયાનની આખી માહિતી આપી. જે બાળકોનો પ્રયોગ અપૂર્ણ રહ્યો હતો એજ બાળકોએ સૌથી વધુ તાળીઓ પાડી. કેમ કે, એ બાળકો એ પ્રયોગને જીવ્યા હતાં. હવે તેમનો અભિગમ બદલાય ગયો હતો. શિક્ષણ પ્રત્યે અને જીવન પ્રત્યે પણ. એ બસ પ્રયત્ન કરવામાં માનવા લાગ્યાં. પ્રયત્નશીલ રહેવું એજ જીવન છે. વિજ્ઞાનએ પ્રયાસોની ખાણ છે. ટીપે ટીપે પડતું પાણી પણ એક દિવસ જમીનમાં ખાડો કરી લે છે. તો, આપણો ઘા તો ટીપાં કરતાં વજનદારને…!!
“સર, આવતાં વર્ષે ફરી વિજ્ઞાન મેળામાં પ્રયોગ રજૂ કરવો છે… અને એની તૈયારી આજથી જ શરૂ કરીએ…” બાળકોએ મને કહ્યું.
“ફરી.. દશેરાએ ઘોડો ન દોડ્યો તો….” મેં એમનું વલણ જાણવા પૂછ્યું.
“સર, તો ત્રીજા વર્ષે પાછો પ્રયોગ રજૂ કરીશું…”
ટીક ટૉક
વિજ્ઞાનની ખોજ ગતિ, આનંદ અને અતિ નિરાશાનો સમન્વય છે. હું મારા મનમાં આવા ઘણા બનાવો તપાસી ગયો.(ભારતરત્ન ડૉ. કલામ)
– જયદેવ પુરોહિત
11/09/2019
SANJOG NEWS, AMRELI