બૉલીવુડ સ્પોર્ટ્સ વિના સાવ ફિક્કું છે. પહેલેથી જ સ્પોર્ટ્સ અને બોલીવુડને સહોદર જેવો નાતો રહ્યો છે. પછી ફિલ્મોની વાત હોય કે લગ્નગ્રંથિએ જોડાવાની. અને છેલ્લા દશકમાં તો જાણે સ્પોર્ટ્સ પર બૉલીવુડ આફરીન….
સ્પોર્ટ્સમેન પર બનતી ફિલ્મો અત્યારે ધૂમ મચાવી રહી છે. મોટાભાગનાં ડાયરેકટર અત્યારે સ્પોર્ટ્સ-બેઝ ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. કેમ કે, દેશમાં અત્યારે રમતગમતનો નવો જ સૂર્યોદય ઊગી રહ્યો છે. માટે બોલીવુડમાં પણ રમતગમતની દોડધામ મચી છે.
પહેલાં માત્ર ક્રિકેટ અને ક્રિકેટરોનો જ બોલીવુડમાં દબદબો રહેતો. અને એમનાં પર જ ફિલ્મો બનતી અને એમની જ ચર્ચાઓ ગલીએ ગલીએ ચવાતી. અફેરથી લઈને મેરેજ સુધીનો ગાઢ સંબંધ રચાતો.
પરંતુ હવે સમય બદલાયો. બધી જ રમતોને હવે ચાહકો મળે છે. એ જ કારણથી બોલીવુડમાં સ્પોર્ટ્સની ફિલ્મો વધુ બની રહી છે. સ્પોર્ટ્સ પર ઘણી યાદગાર ફિલ્મો આપણી પાસે છે. જેમ કે, ધોની, ભાગ મિલખા ભાગ, સુલતાન, દંગલ, ચક દે ઇન્ડિયા, લગાન, ગોલ્ડ વગેરે… હજી ઘણી ફિલ્મો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે,આવનાર સમયમાં સ્પોર્ટ્સ ફિલ્મોનો અતિરેક થવાનો છે. લગભગ બધી જ રમતો પર એકએક ફિલ્મ. સ્પોર્ટ્સ ફિલ્મોનો એક ફાયદો એ છે કે સ્ટોરી સાચી હોય છે. અને હજારો લોકોને સ્પોર્ટ્સ તરફ આગળ વધવા પ્રેરે છે. સમયની જરૂરિયાત પ્રમાણે અત્યારે સ્પોર્ટ્સ ફિલ્મોની જરૂર પણ છે. ચલો વાત કરીએ આવનાર સ્પોર્ટ્સ ફિલ્મોની…
પંગા : કંગના આ ફિલ્મમાં જયા નિગમનું પાત્ર કરી રહી છે. આ ફિલ્મ કબડ્ડી રમતની એક ચેમ્પિયન પ્લેયરને ફરી યાદ કરાવશે. ઘરની ભેજમારી અને કબડ્ડીની તરસને સંતોષવા માટેની સ્ટ્રગલ આ ફિલ્મમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.
’83 : આ ફિલ્મની બોલબાલા અત્યારથી જ સાતમા આસમાને છે. કપિલ દેવના જીવન પર આ ફિલ્મ બની રહી છે. અને એમાં પણ રણવીર સિંહ અને દીપિકા સાથે જોવા મળશે. હવે જોવાનું રહેશે કે ફિલ્મ કેટલી હદે સફળ રહે. 10 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થશે.
મેદાન : અજય દેવગન આ ફિલ્મમાં સ્પોર્ટ્સ મેનની ભૂમિકામાં જોવા મળશે. શૈયદ અબ્દુલ રહીમનું પાત્ર આ ફિલ્મમાં મુખ્ય છે. જે એક ફૂટબોલ કોચ હોય છે. એટલે કે, ફૂટબોલ પર આ ફિલ્મ બની રહી છે. 27 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
તૂફાન : ફરહાન અખ્તર આ ફિલ્મમાં એક બોક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે. પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં હશે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે.
સાઈના : નામ વાંચીને જ અંદાજો આવી ગયો હશે કે, આ ફિલ્મ કોની બાયોગ્રાફી હશે. જી હા, સાઈના નેહવાલ. અને પાત્ર ભજવશે પરિણીતી ચોપરા. રિલીઝ તારીખ હજી નક્કી થઈ નથી.
બીજી અઢળક ફિલ્મો સ્પોર્ટ્સ પર બની રહી છે. એટલે કે, આવનારા વર્ષોમાં આપણે બોલીવુડને સ્પોર્ટ્સવુડ કહી શકીએ એટલી ઢગલાબંધ ફિલ્મો આવવાની છે. આ રીતે ભારતમાં રમતગમત ક્ષેત્રે વધુ ખેલાડીઓ ઉચ્ચસ્તરે આગળ વધે એવી પણ ઝંખનાઓ રહેલી છે. બાકી, બાયોગ્રાફી ફિલ્મોનો સુવર્ણકાળ અત્યારે ચાલી રહ્યો છે. અત્યાર સુધીની સ્પોર્ટ્સ ફિલ્મોમાં સુલતાન અને દંગલ કમાણીમાં મોખરે છે. તો, ધોની ફિલ્મ લોકોના હૃદયમાં આજે પણ ધબકે છે. એક વાતનો અફસોસ કહી શકાય કે, સચિન પર ડોક્યુમેટરી ફિલ્મ બનાવી. અને એ કોઈને યાદ પણ નથી. એમની સ્ટોરી વધુ મજબૂત રીતે બતાવી શક્યા હોત…
રમતગમત એ બોલીવુડની બીજી આંખ બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે કેટલી ફિલ્મોને “ગોલ્ડ મેડલ” મળે છે અને કેટલી ફિલ્મોને પછડાટ.
– જયદેવ પુરોહિત