લાગણીનો ઘૂઘવતો સમુદ્ર દર સાતમે દિવસે અહીં બેકાબૂ બની રહ્યો છે. અઠવાડિયું બદલાય એટલે ભડાશ ઠાલવવાનો મુદ્દો પણ બદલાય રહ્યો છે. કેટલું ઝેર ભરીને જીવીએ છીએ આપણે..!! કા પછી “ઝેરી યુગ” ચાલી રહ્યો છે.
બળાત્કાર, બાળાત્કાર, અને મારાત્કાર(ખૂન)થી આપણા બધાનું માનસિક સંતુલન હચમચી ગયું છે. નવો દિવસ નવો કિસ્સો અને એજ જૂની ઈન્સાફની માંગણી. સજામાં બધાને જોઈએ મૃત્યુ. અને એ થયું એટલે ચારેકોરથી સહાનુભૂતિ વરસી પડી. અને કદાચ આ વાંચતા હશો ત્યારે પ્રિયંકાને વિસરી પણ ગયા હોઈશું. આપણે એટલાં ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા કે ફોનમાં એક એપ્લિકેશન ઓપન થાય અને પછી ઉપર બીજી એપ્લિકેશનની નોટિફિકેશન આવે એટલે આપણો મૂડ ચેન્જ. ફટાક સે…શું આપણે હકીકતે કોઈ પ્રશ્નનું મૂળથી નિરાકરણ ચાહીએ છીએ??
પણ આ બધું શું ચાલી રહ્યું છે?? બાલ અત્યાચાર, પેપર લીક, મારપીટ, હત્યા, ખુલ્લેઆમ ચોરીઓ, શોષણ…શોષણ ને માત્ર શોષણ. શું આ બગડતી માનવજાતનો પ્રભાવ છે કે સમયની ચાલ.
રેપ બે વાર થાય છે, એક પેલાં વિચારોમાં અને પછી રિયલ. તો પ્રશ્ન આંતરિક રેપનો છે. વિચારશક્તિ કે પછી હવસખોર ફેન્ટસી. મગજમાં ચાલતી “dirty talk” એટલી ખતરનાક છે કે એ કોઈને સારી નજરથી જોઈ જ ન શકે. અને આપણા બધા પાસે એક એવી “સેક્સ સેન્સ” છે કે, ‘આપણને કોઈ ખરાબ ઈરાદાથી જોતું હોય તો આપણને અંદરથી એક ભણકારો તો સંભળાય જ છે.’ પણ ભીડ સામે એકલાં ન ટકી શકે એ જ તો લાચારી છે.
ભારતીયોને વિદેશીઓ જેવું બનવાની તલપ લાગી છે. હવે પ્રશ્ન એ છે કે, કઈ બાબતમાં એમની જેવું થવું છે. ખુલ્લેઆમ સેક્સમાં કે પછી માતાપિતાની રોકટોક વિનાની લાઈફસ્ટાઈલમાં. પરિવારોમાં જ પરણી જવાની રિતોમાં કે પછી ઘરમાં સ્ટેપ સન અને સ્ટેપ મોમ એકલાં રહેતા હોય એવી લાઈફસ્ટાઈલમાં. કામાતુર માણસને કાબૂ કરવાની સોટી કોઈ પાસે નથી. ખુદ ભગવાન પાસે પણ નહિ. અને જે રેપીસ્ટ છે એ કામાતુર નહીં કામાંધ હોય છે. અને એવી અંધતાનો નાશ કરવામાં જ સમાજની ભલાય. એનો અર્થ એવો પણ નહીં કે પબ્લિકની શાંતિ માટે એન્કાઉન્ટર કરતાં રહો.
આપણે બધા આવનાર ભવિષ્યમાં લાગણીહીન થઈ જઈશું. કારણ કે જેમ જેમ યુગ આગળ વધશે તેમ તેમ ઉપદ્રવ વધતાં જ જશે. કારણ કે આ કલિયુગ છે. જો એવું ન થયું તો આપણા શાસ્ત્રો ખોટા ઠરે. હજી સારો સમય ચાલી રહ્યો છે પરંતુ આપણે ધીમી ગતિએ રાક્ષસવૃત્તિ તરફ દોટ મૂકી છે. એ ઘડો છલકાશે ત્યારે જ તો કલિયુગ કહેવાશે. વાંચો શ્રીમદ ભાગવત શું કહી રહ્યું છે…
“હવે અહીંયા સત્ય, તપ, પવિત્રતા, દાન, દયા જેવું કંઈ નથી. બિચારા માણસો પોતાનું પેટ ભરવામાં પડ્યા છે. એ બધા અસત્યવાદી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવી થઈ ગયા છે. જે સાધુ સંતો કહેવાય છે એ પાંખડી થઈ ગયા, દેખાય વિરક્ત પરંતુ તે સ્ત્રીઓનો પરિગ્રહ કરે છે. લોભથી લોકો કન્યા વહેંચે છે. સ્ત્રી-પુરુષો વચ્ચે કલેશ બન્યો રહે છે. નદી, તળાવો અને આશ્રમો પર વિધર્મીઓનો અધિકાર….
“આ સમયે અહીંયા ન તો કોઈ યોગી છે કે ન તો કોઈ સિદ્ધ છે. ન તો કોઈ જ્ઞાની કે ન તો કોઈ સત્કર્મવાદી. બધું જ અત્યારે કલિયુગરૂપી દાવાનળમાં ભસ્મ થઈ રહ્યું છે. બજારમાં અન્ન વેંચાય રહ્યું છે, બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવી રહ્યા છે અને સ્ત્રીઓ શરીર વેચીને કમાઈ રહી છે. કલિયુગનો પ્રભાવ…”
જે અત્યાચારો થઈ રહ્યા છે એ ન થવા જોઈએ. પરંતુ એ અટકશે નહીં. ગમે તેવા કાનૂન બનાવો પરંતુ એ વિકૃતિ અનસ્ટોપેબલ… કોઈ પાસે જવાબ જ નથી. કારણ કે આ વિકૃતિ કલિયુગની માંગ છે. એટલે આવનાર સમય વધુ ભયાનક હશે.
જવાબ એટલો જ કે, પોતાને એવી પ્રવૃત્તિમાં પરોવીએ કે પ્રકૃતિ, પ્રકૃતિ જ દેખાય. એમાં વિકૃતિનું પ્રતિબિંબ ન ભળે. બાકી ગમે તેટલાંને ઠાર કરી નાખશો પરંતુ રેપ, અત્યાચાર, અને શોષણ જેવા દુષણો કોઈથી દૂર નહીં થાય. માનવથી તો નહિ જ. હા લડી શકીએ… અલ્પવિરામ લગાવી શકીએ… તો અવાજ ઉઠાવતાં રહેવું અને સત્યને શોધતાં રહેવું એજ ફાયદાકારક રહેશે.
અંતે, આપણી આસપાસ એવું વાતાવરણ ક્રિએટ કરો કે કલિયુગના લક્ષણોની અસર આપણા પર એ લેવલની ન થાય. બાકી… યુદ્ધ એ જ કલ્યાણ….
ટીક ટૉક
બાહ્ય વ્યક્તિત્વ કરતાં વિચારોમાં કલ્પાતું વિશ્વ આપણા જીવનને વધુ અસર કરતું હોય છે.
– જયદેવ પુરોહિત
11/12/2019
સંજોગ ન્યૂઝ, અમરેલી