કોઈ એક વનમાં એક ભીલ રહેતો હતો. નામ એનું ગુરુદ્રુહ. શક્તિશાળી અને મજબૂત શરીરધારી પણ હતો. સ્વભાવે ક્રૂર અને કર્મે શિકારી. વનમાં ભટકતો, મૃગ મારતો અને ચોરીઓ કરતો. બસ, આજ એમનું જીવન. આજ સુધી કોઈ શુભ કાર્ય કર્યું ન હતું. અને આવી હિંસાવૃત્તિમાં જીવનનો ઘણો સમય વીતી ગયો. જયારે આપણી પર ખરાબ વૃત્તિઓનું પ્રભુત્વ વધી જાય ત્યારે સમયનો કાંટો ઝડપથી દોડવા લાગે છે. ત્યારબાદ મહાશિવરાત્રી આવે છે. પરંતુ એ દુરાત્મા ભીલને શું ખબર. અને ત્યાં વનમાં એમને કહેવાવાળું પણ કોણ???
એમનું ઘર આખું ભૂખમાં ડૂબેલું. મનને મનાવી શકાય પેટને નહીં. અંદરના આતરડાંઓએ ત્રાડો પાડવાની શરૂ કરી. ભીલના માતા-પિતા અને પત્નીએ માંગણી કરી કે – ” વનેચર ! હમેં ખાને કો દો…” ભીલે બે ક્ષણ આંખો બંધ કરી. ઊભો થયો. ધનુષ લઈ નીકળી પડ્યો જંગલ તરફ. પેટ નાનું પણ પાતાળ કૂવો. ભૂખને ભરવી એટલે દરિયાને ઢાંકણું ઢાંકવા જવું. આખો દિવસ ભીલ મૃગલા શોધતો રહ્યો પણ હાથમાં એકપણ ન આવ્યું. સૂર્ય પણ થાકીને અસ્ત થયો.
સૂરજ ઊગે ને મારી ઊગતી રે આશા,
સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા.
ખાલી હાથે ઘરે જવાનો કોઈ અર્થ ન્હોતો. નજીકના એક જળાશય પાસે ભીલ પહોંચે છે. “કોઈક તો આવશે ને પાણી પીવા…!” આ વિચાર સાથે તે થોડું પાણી ભરી બિલના વૃક્ષ પર ચડી ગયો. આંખોને જળાશય તરફ સ્થિર કરી. મનમાં પરિવારની પીડા અને આખા દિવસની નિરાશા ઘૂમી રહી હતી. ઘરની પીડા જયારે ખામોશી બને ત્યારે હૃદય હચમચી જતું હોય છે. એ આક્રંદ નિઃશબ્દ હોય છે. મૌન. એવામાં ત્યાં એક મૃગી(હરિણી) આવે. ભીલ તૈયાર જ હતો. ધનુષને સ્વસ્થ કર્યું. સામે બિચારી હરિણી પાણી પી રહી હતી. ભીલનો થોડો પગ લપસ્યો તેથી થોડું પાણી અને થોડાં બિલિપત્રો નીચે પડ્યાં. નીચે એક શિવલિંગ. એટલે અજાણતાં જ મહાશિવરાત્રીની રાત્રીએ પ્રથમ પ્રહરમાં શિવલિંગનો અભિષેક થઈ ગયો. પણ ભીલને એનું ભાન ક્યાંથી.
મૃગીને જાણ થઈ કે વ્યાધ(શિકારી) મને મારવા તૈયાર છે. મૃગીએ ભીલને કહ્યું, ‘સાચું કહી દે, તું શું કરવાનો હતો…’ મારો પરિવાર સાવ ભૂખ્યો છે ને એ બધી વાતો ભીલે કહી દીધી. હવે મુસીબતમાં મૃગી હતી. કરવું શું? અહીંથી છટકવું કઈ રીતે? મૃગીએ પણ પોતાના પરિવારની વાત કરી. કહ્યું કે હું મળીને હમણાં આવું. પછી તું મારો શિકાર કરજે. પણ વ્યાધ એમ થોડો માને?? પછી મૃગીએ વચન આપ્યું અને શપથ લીધી કે,
“જો હું પાછી ન આવું તો મારા બધા પુણ્ય નષ્ટ થઈ જશે. કારણકે, જે વચન આપી ફરી જાય તે પોતાના બધા પુણ્ય હારી જાય છે. જે પુરુષ પોતાની વિવાહિત સ્ત્રીને છોડીને અન્ય સ્ત્રી પાસે જાય છે, જે વૈદિક ધર્મને છોડીને કલ્પિત ધર્મ પર ચાલે છે, ભગવાન વિષ્ણુના ભક્ત થઈને શિવજીની નિંદા કરે છે, માતા-પિતાના મૃત્યુ પછી જે નિધનતિથિએ શ્રાદ્ધ નથી કરતાં ‛એ બધી માન્યતાઓ હોય’ એમ કહી વાતને ફગાવે છે, એ બધા લોકોને જે પાપ લાગે છે એ પાપ મને પણ લાગશે…” મૃગીએ સત્ય શપથ લઈ લીધાં. વચનમાં તાકાત હોય છે. પારધીએ મૃગીને જવાની પરવાનગી આપી.
વાર્તા થોડી લાંબી છે. ટૂંકાવીને કહું તો, પછી એમની બહેન એમને શોધતી શોધતી આવે છે. શિકારી શિકાર કરવા જાય છે. ફરી બીલીપત્ર અને થોડું જળ પડે છે. એમ બીજા પ્રહરનો પણ અભિષેક થઈ જાય છે. જાણતાં કે અજાણતાં બસ અભિષેક થવો જોઈએ. પેલી મૃગી પણ વચન આપી ઘરે જાય છે. આ રીતે હજી એકવાર મૃગી આવે છે અને ત્રીજા પ્રહરનો અભિષેક પણ થઈ જાય છે. મજાની વાત એ છે કે, મૃગીઓ પોતાનો શિકાર થશે એ વિચારીને ખુશ હતી. કેમ કે, પોતાનું શરીર કોઈની તો ભૂખ તૃપ્ત કરશે. જેનું શરીર પરોપકાર ન કરે એ પાપી છે. છેલ્લે મૃગીના આખા પરિવારે શિકાર થઈ જવાનો નિર્ણય કર્યો. બધા પહોંચી ગયા શિકારી પાસે. શિકારી તો ખુશ થઈ ગયો. જાણે છપ્પનભોગ…
સામે મૃગીણીઓ ઊભી હતી. અને પારધી પણ તૈયાર હતો કેમ કે, એમનાં ઘરે પણ બધા ભૂખ્યાં હતા. ફરી વૃક્ષમાંથી બિલિપત્ર ખર્યા. ચોથા પ્રહરનો પણ અભિષેક થઈ ગયો. એ સાથે જ ભીલના બધા પાપો નાશ થઈ ગયા. મૃગીએ કહ્યું, “હે વ્યાધશિરોમણી ! અમારો શિકાર કરી અમને ધન્ય કરો. સાર્થક કરો…” આ સાંભળી ભીલ વિસ્મય બની ગયો. એ જ્ઞાનહીન પશુ છે તો પણ ધન્ય છે. અને હું…??? કોઈનો નાશ કરી પોતાનો વિકાસ ક્યારેય સ્વીકાર્ય નથી હોતો. પારધીએ બધાને છોડી દીધા. અજાણતાં થયેલી પૂજાથી પણ શંકર ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું…
“વ્યાધ ! હું તારા વ્રતથી પ્રસન્ન છું. તું આજે પાપોથી મુક્ત થયો છે. આજથી તું એક રાજધાનીનો આશ્રય લે અને વૈભવ ભોગવ. તારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન થતી રહેશે. ત્યાં કામ મળશે એટલે તારા પરિવારની ભૂખ દૂર થશે. અને હા, મારા ભક્તો પર અપાર સ્નેહ રાખનાર શ્રી રામ એક દિવસ તારા ઘરે આવશે અને મિત્રતા પણ કરશે… બસ, તું મારી સેવાનું ઉત્તમ ફળ ભોગવ..”
બીજી તરફ મૃગોને પણ શિવજીએ મુક્ત કર્યા. હવે સમજવાનું એ છે કે, જાણતાં-અજાણતાં થયેલી ઉપાસના શિવજી તરત જ સ્વીકારી લે છે. આપણે અવર-થીંકીંગમાં ઘૂસીને “આવું કઈ ન હોય” એમ કહી કહી અપરાધી બનતા ગયા. આપણે પણ પારધી જ છીએ. એક શિવરાત્રી આવી અને પારધીનું જીવન બદલાય ગયું. તો આપણે તો બધું જાણીએ છીએ, તો આપણે શેની રાહ જોઈએ છીએ. આ મહાશિવરાત્રીએ શિવનામ જપીએ અને જે લોકો આવી વિચારધારાને લોકો ઓલ્ડ ગણવા લાગ્યા એ લોકોને આપણે કઈ કહેવાનું નથી. કરશે બધો હિસાબ મહાદેવ. બસ, આપણે તો પરોપકાર કરવાનો…પ્રહાર નહીં.
ટીક ટૉક
सत्ये सर्वं प्रतिष्ठितम् ।। અને “સત્ય હી શિવ હૈ…”
– જયદેવ પુરોહિત
19/02/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી