બાળક જયારે મોઢામાંથી પહેલો શબ્દ બોલે ત્યારે આખાં ઘરમાં ખુશીનો હેલ્લારો ફરી વળે. પછી એ જ બાળક થોડું મોટું થાય અને એજ ખોટાં શબ્દો હજી બોલતું હોય તો, એજ રાજી થયેલ મમ્મી ગાલ પર તમાચો છાપી દેતાં હોય છે. દુનિયાની કોઈપણ બાબત જે પ્રથમવાર બનતી હોય આપણા જીવનમાં, એમનો રાજીપો આઠમાં આસમાને હોય.
પ્રથમ 100 રૂપિયા કમાવવાનો આનંદ, પહેલો પગાર અને પહેલી નોકરી હંમેશા યાદગાર બની રહે. મેં આલીશાન ઓફિસોમાં કામ કરતાં એવાં સાહેબને પણ જોયેલાં, જે એ લેવલે બેસીને પણ પોતાની પહેલી સામન્ય નોકરીની યાદોને રોજ એકવખત તો યાદ કરતાં જ હોય. એક સેકન્ડમાં કરોડો કમાતાના મોઢેથી સાંભળેલું છે કે, “જે મજા રખડી, ભટકી, કામ માંગી, સ્ટ્રગલ કરી કમાણી કરતાં, એ આનંદ આજે નથી. એ હેરાન થવાનો હરખ આજનાં આનંદમાં નથી. બેશક પૈસાદાર છું, એનો આનંદ છે પરંતુ પહેલી વહેલી કમાણીનો તરવરાટ હજી તાજો છે.” જીવનની સાચી મજા પહેલીવારમાં જ છે.
ક્લાસમાં પહેલો વ્હેલો ખાધેલો માર પણ અત્યારે યાદ કરીએ ત્યારે તો મીઠો જ લાગે. પહેલો વ્હેલો પ્રવાસ, પહેલો વ્હેલો વરસાદ, પહેલો વ્હેલો પપ્પાનો માર, પહેલું રમકડું બધું જ કયારેય ભુલાતું નથી. અને એજ અનુભવ ફરી થતો પણ નથી. જ્યાં ભેળસેળવિનાના રાજીપાની વાત આવે ત્યારે બધી પહેલી બનેલી બાબતો યાદ આવે. જ્યાં ભેળસેળ નથી હોતી. જ્યાં પ્લાન કરેલ સ્ક્રીપ્ટ નથી હોતી, જ્યાં પ્લાસ્ટિક સ્માઈલ નથી હોતી, જ્યાં મનમાં કપટ નથી હોતું, જ્યાં છેતરપીંડી નથી હોતી, જ્યાં વિચારવાનો અવકાશ નથી હોતો, જ્યાં કોઈ તૈયારી નથી હોતી, જ્યાં માણસનાં ચ્હેરા પર બનાવટ નથી હોતી, જ્યાં કોઈ ટ્રીક નથી હોતી, જ્યાં કોઈ રેસિપી નથી હોતી..
બસ, હોય છે માત્ર પહેલીવાર થયેલો અનુભવ. પહેલીવાર અનુભવેલ સ્પર્શ. પહેલીવાર માણેલો અવસર. પહેલીવાર થયેલું સુખદુઃખ. પહેલીવાર વાગેલી ઠેસ. પહેલીવાર ભટકાયેલ જિંદગી. પહેલીવાર વરસતું નિખાસલ વ્યક્તિત્વ. પહેલીવાર બનતી યાદો ને એ યાદોથી બનતો માણસ. બધી જ મજા પહેલીવારમાં છે.. પછી તો જાણીજોઈને જીવેલી જિંદગી જ બચે છે.
ચન્દ્રકાન્ત બક્ષી તો ત્યાં સુધી લખે છે કે, “હનીમૂનનો આનંદ આખી જિંદગીમાં મળતો નથી. કેમ? નવીનતા બહુ જલદી જૂની થઈ જાય છે, અને જિંદગીમાં ‘લેટેસ્ટ’નું આયુષ્ય બહુ ટૂંકું હોય છે ! ” પહેલો પ્રેમ અને પહેલીવાર આંખને ગમશે દૃશ્ય અથવા સૌંદર્ય અથવા છોકરી, મૃત્યુસુધી સાથે જીવતી હોય છે. પહેલી કિસ, પહેલું મિલન, પહેલો વ્હેલો આવેલ “hi”નો મેસેજ, પહેલો વહેલો વિડીયો કોલ, પહેલી વહેલી સાથે ખેચેલી સેલ્ફી, પહેલીવાર બગાડેલું નામ, પહેલીવાર થયેલો ઝઘડો, પહેલીવાર થયેલો વિરહ કે પછી પહેલીવાર થયેલું બ્રેકઅપ. બધાની મજા છે. પહેલીવાર જોડાવામાં પણ હરખ છે અને પહેલીવાર તૂટવાની કયારેય ન ભુલાઈ તેવી બેચેની. નવીનતાને રોજ જીવંત નથી રાખી શકાતી. પણ રોજ નવી નવીનતાને જીવી શકાય છે. નવીનતાને પારખવાની સમજ જીવનમાં કેળવવી પડે. જે લોકો પહેલીવાર સુખી થયાનો આભાર ભગવાનને આપતાં હોય છે એ લોકો પહેલીવાર હેરાન થયાનો આભાર ભગવાન સામે કેમ વ્યક્ત નથી કરતાં..!!
સાચી મજા પ્રથમવારમાં જ છે. પછી તો અનુભવેલી યાદોને કોપી પેસ્ટ જ કરતાં રહીએ. કળકળતી ભૂખ લાગી હોય અને જે પહેલી રોટલી ખાવાનો આનંદ હોય એ બીજી રોટલીમાં નથી હોતો. બે કુબેરપતિઓ ભેગાં થયા. બંનેએ સિગારેટ પીવા ખિસ્સામાંથી સોનાનું સિગારેટનું બોક્સ કાઢ્યું ને સિગારેટની કશ લગાવી, એજ સમયે સામે 14 વર્ષનો છોકરો કોઈએ ફેંકી દીધેલ ઠુંઠું ઉપાડી બે ફૂંક મારી લે છે. હવે તમે જ કહો સિગારેટના કશનો ખરો આનંદ કોને આવ્યો હશે? છોકરાને કે કુબેરપતિઓને??
એટલે વાત છે પહેલીવારની, પ્રથમવાર બનેલી સારી કે ખરાબ ઘટના. જો યાદશક્તિ કોઈ કારણોસર જતી રહે તો જ પહેલીવારનું બધું ભુલાઈ છે. બાકી આ ડીલીટ ન થાય તેવી યાદો છે. પહેલીવાર મળેલ માણસો અને પહેલીવાર ઘટિત ઘટનાઓ અમર થઈ જાય છે. નવીનતા ક્ષણિક હોય છે પરંતુ આજીવન સાથે રહે છે. બોજરૂપ ન બનેલો સાચો પ્રેમ અને મિત્રતા નિભાવવી ન પડે એવી ચોખ્ખી મિત્રતા હંમેશા નવીન જ લાગે. કયારેક વિચારવા જેવું છે કે આપણી પાસે એવું શું છે જે રોજ નવીન જ લાગે, જાણે રોજ પહેલીવાર થતો અનુભવ, એજ પહેલો તરવરાટ જે સાચે જ પહેલીવાર થયો હતો. એવાં તરવરાટ આપણી પાસે કેટલાં?? હવે તમે વિચારો… કેટલું ખેચેલું ને કેટલું હજી પહેલું??
ટીક ટોક
હું એમને પહેલીવાર જ મળ્યો હતો
પછી તો રોજ એજ અનુસર્યો હતો
– જયદેવ પુરોહિત
18/12/2019
સંજોગ ન્યૂઝ, અમરેલી