Blog

દુવિધા : ગળે વળગેલી ગર્લફ્રેન્ડ

જીવવું ક્યારેય સરળ નથી હોતું અને ભૂતકાળમાં ક્યારેય હતું પણ નહીં.

કોરોના જેવી “તુચ્છ” મહામારીને જોઈને આપણે ભયભીત થઈ ગયા. હા, કદાચ આ તુચ્છ શબ્દ તમને ખૂંચ્યો હશે. જેમ ‘લૉકડાઉન’ ખૂચ્યું તેમ જ. પરંતુ સાચે આ મહામારી તુચ્છ જ છે. કારણ કે, માનવજાતે ઘણી મોટી-મોટી મહામારીઓનો સામનો કર્યો છે. જીવતાં રહેવા માટે ઘણું બધું સહન કર્યું છે. પૃથ્વી પર છીએ તો ઠોકર વાગવાની જ…

માનવજાત પહેલેથી જ દુવિધામાં રહેવા ટેવાયેલી છે. અથવા પૃથ્વી પર બધે દુવિધા જ છે. અત્યારે કોરોના નામની દુવિધા છે તો આવતીકાલે બીજી હશે. અને ગઈકાલે બીજી હતી.

દુવિધા સત્ય છે. સુવિધા બનાવટી છે.

આપણે કલ્પી ન શકીએ એવી ખરાબ સ્થિતિમાંથી પણ માનવજાત બહાર આવી છે. અને ભવિષ્યમાં પણ લડતી રહેશે. યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ થતાં રહેશે. નક્કી આપણે પોતાએ કરવાનું કે સામે લડવું છે કે એમ જ પડવું છે. કોરોનાએ કદાચ આપણને લડતાં શીખવ્યું. કે પછી દુવિધા સામે માત્ર ટકતાં શીખવ્યું. જે ટકી રહે છે એ જીવીત રહે છે. જીતવું એનાં કરતાં જીવતું રહેવું વધારે મહત્વનું છે.

દુવિધા એ સુવિધાની જનેતા છે. માતાને તમે નજરઅંદાજ ન કરી શકો.

દુવિધાના ખોળામાં બેસીને સુવિધા પોતાનું પેટ ભરે છે. જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી દુવિધા રગેરગમાં ફેલાયેલી રહેશે. જે આપણને દોડતાં કરે, જે આપણને વિચારતાં કરી દે, જે આપણને તરફડતાં કરી દે, જે આપણને સર્જન કરવા મજબૂર કરે, જે આપણને રોજ હંફાવે… એ દુવિધા નથી તો બીજું શું છે??

ગરમી લાગશે તો ઘરમાં A.C આવશે. ભૂખ લાગશે તો કામ કરવાની તાકાત આવશે. ડર લાગશે તો સુરક્ષિત થવાની ઈચ્છા જાગશે. વેદના થશે તો મલમ મળશે. પીડા જરૂરી છે પરિવર્તન માટે…. 

અહીં ભીડ જ એટલી છે કે માણસે માણસે નવો રોગ ફેલાશે અને પ્રકૃતિ એમને હવા આપશે. કોરોના નામની દુવિધાથી હવે આપણે સારા એવાં પરિચિત થઈ ગયાં. જયારે કોઈ દુવિધા માનવજીવનમાં ઘર કરી જાય ત્યારે પરિવર્તનની શરૂઆત થતી હોય છે. દુવિધામાં વહેતું રહેવું કે પછી બદલાવ લાવવા સતત પ્રવૃત્ત રહેવું?? અહીં પ્રવૃત્ત શબ્દ કરતાં “સતત” શબ્દ વધુ વજનદાર છે. આવશ્યક છે.

દુવિધામાંથી બહાર આવવાના રસ્તાઓ શોધવા એજ આપણું જીવન છે.

કોઈ ધર્મમાંથી માર્ગ શોધી લે છે તો કોઈ વિજ્ઞાન તરફ દોડે છે. કોઈ પોતાની ફિલોસૂફી ફેલાવે છે તો કોઈ અનુયાયી બની જાય છે. મતલબ કે રસ્તાઓ હજાર છે. દુવિધાએ સંક્રમણ છે. દુવિધા દરરોજ શ્વાસ લેવાનું કારણ છે. કોરોના કદાચ નવી સુવિધાઓ સુધી પહોંચાડવા આપણને તડપાવી રહ્યો છે. જેમ આપણે ગમે ત્યારે પ્રકૃતિને છેડી શકીએ છીએ, તેમ આવી મહામારીઓ પણ ગમે ત્યારે આપણને ડરાવી શકે છે. 

જરા વિચારો, આ કોરોના વાયરસ હવાથી ફેલાતો હોત તો??? શું નાકને લૉકડાઉન કરી શકત આપણે?? તો સ્થિતિ  વધુ ખૌફનાક બની જાત?? હા, પરંતુ આપણે એમાંથી કઈ રીતે જાતને બચાવવી એ પણ શોધી જ લેત. માણસ ભીંત ફાડીને ઊગી નીકળનારું બીજ છે. આજે નહીં તો કાલે, આપણે નહીં તો કોઈ બીજું, પણ “યેન કેન પ્રકારેણ” માણસ જીવી લે છે. જીવવાની તરકીબો આખરે શોધી જ લે છે.

 હું તો એમ કહું કે માણસ પરફેક્ટ નહીં પરંતુ જુગાડું હોવો જોઈએ.

અતરંગી વિચારોથી છલોછલ અને અજીબ અજીબ કારનામાં કરનારો હોવો જોઈએ. દુવિધાને ચાહનારો અને સુવિધાને આવકારનારો હોવો જોઈએ. 

જીવનમાં સુવિધાઓથી સુખી થવા માંગતા હોય તો દુવિધાને પ્રેમિકા બનાવી લો. અને એને રોજ નવો નવો પ્રેમ કરો.

ક્યારેક આપણે જ પોતાનાથી આશ્ચર્યચકિત થઈ જઈએ એટલી હદે દુવિધાનો સામનો કરો. બેસી રહેવાથી ઝુંપડી ઘર નથી બનતી. અથવા દુવિધા જેમ કહેશે તેમ “જીવી લઈશું, યાર” એવું નક્કી કરવાથી કશું મળતું નથી.  રોજ એક સારા જીવન તરફ આગળ વધવું એજ સુવિધા છે.

રડવાનું છોડ હવે ને લડવાનું પ્રણ લે

કોઈપણ પરિસ્થિતિને કાયમી ન માની લો. જીવનમાં કાયમી કંઈ છે જ નહીં. કાયમી કંઈ હોય તો એ આપણે પોતે… આપણી આસપાસની દુવિધાઓ… આપણને ન ગમતી પરિસ્થિતિઓ… આપણને શાંતિથી જીવવા ન દેતી મુશ્કેલીઓ… 

રોજ નવી દુવિધાઓનો સામનો કરવાં તૈયાર રહેવું એનું નામ જ સારી રીતે જીવવું થતું હશે. 

દુવિધા શાશ્વત છે. સુવિધા નાશવંત છે…. 

ટીક ટૉક

अभी से पाँव के छाले न देखो

अभी यारो सफ़र की इब्तिदा है ~ एजाज़ रहमानी 

(इब्तिदा -શરૂઆત)

- જયદેવ પુરોહિત jp

17/06/2020
સંજોગ ન્યૂઝ , અમરેલી 
5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Baldev
Baldev
1 year ago

માણસ ભીંત ફાડીને ઊગી નીકળનારું બીજ છે. ✔👌👌👌

Nimiya
Nimiya
1 year ago

Very positive thoughts

2
0
Would love your thoughts, please comment.x
()
x