Blog

🎯આ વર્ષે નક્કી કર્યું છે, એટલું નક્કી કરો🎯

જો તારણ કાઢવામાં આવે કે ‘ક્યાં દિવસોમાં સૌથી વધુ પોઝિટિવ અને સ્વ-પરિવર્તનનાં વિચારો આવતા હોય છે’ તો સર્વેમાં જવાબ મળે કે ‘કોઈપણ નવા વર્ષની શરૂઆતમાં આવા વિચારો આવે છે.’ દિવાળી પૂરી થતી હોય કે પછી અંગ્રેજી વર્ષ, નવા નવા સંકલ્પો મનમાં ફૂટવા લાગે છે. જેમ કુદરતી દૃશ્યો ચિત્રકાર અને કવિઓને પાગલ કરે તેમ નવા વર્ષની શરૂઆત વિચારોને ફિલ્ટર કરે છે. પણ પછી નિયમિત વિચારોની કસરત થતી નથી એટલે દર વર્ષે આટલું દોડ્યાં પછી પણ એ જ જગ્યાએ ઊભા હોઈએ જ્યાંથી શરૂઆત કરી હોય.

આપણે સૌ માત્ર બે મહિનાના અંતરાલમાં જ “બે વખત નવું વર્ષ સેલિબ્રેટ કરીએ છીએ” દિવાળીના ફટાકડાનો ધુમાડો હજી તાજો જ હોય ત્યાં 31 ડિસેમ્બરનું DJ ગાજે છે. અને પછી શરૂ થાય છે મનોમંથન. જાણે પથ્થરમાં કોતરાવતા હોય એવી રીતે સંકલ્પો લઈએ છીએ. એવું જ લાગે કે ભીષ્મપ્રતિજ્ઞા જ થઈ રહી છે. આખા વર્ષનું પ્રી-પ્લાનિંગ કરી લઈએ. પરંતુ એ ભૂલી જઈએ કે ગયા વર્ષનું હજી અધવચ્ચે પણ નથી પહોંચ્યું.

આજથી દરરોજ વહેલા ઉઠવું.
આ વર્ષે વ્યસન છોડી દેવું.
આ વર્ષે સરકારી નોકરી લઈ જ લેવી.
આ વર્ષે તો વાંચવું વાંચવું અને વાંચવું.
આજથી રોજ પૈસાનો હિસાબ રાખીશ.
આ વર્ષે એવું કામ કરવું કે લાઈફ ચેન્જ થઈ જાય.
આ વર્ષે ત્રણ ચાર રાજ્યો ફરવા છે.
આ વર્ષે આટલાં પ્રોજેકટ ક્લીઅર કરવા જ છે.
આ વર્ષે …..

બધા પાસે પોતાના સંકલ્પો હોય છે. પરંતુ માત્ર સંકલ્પ કરવાથી સિદ્ધિ નથી મળતી. હા, સારા સારા સંકલ્પ કરવાથી ક્ષણિક આત્મતૃપ્તિ જરૂર થાય છે. એવું જ અનુભવાય કે હવે ક્યારેય આળસ કે નેગેટિવિટી મગજમાં આવશે જ નહીં. પરંતુ એક બે અઠવાડિયા પસાર થાય એટલે આપણે એ જ જૂનાં થઈ જઈએ છીએ. અને બધા સંકલ્પો પણ દર વર્ષની જેમ બેસી રહે છે. એટલે જ કદાચ “બેસતું” વર્ષ કહેવાતું હશે. આપણે તો કોઈ ભેદ રાખતા જ નથી દિવાળી પછીનું નવું વર્ષ હોય કે 31 ડિસેમ્બર પછીનું.  બોલવાનું તો “Happy new year” જ ને.

સ્મશાન પછીની શાંતિ અતિ પવિત્ર હોય છે પરંતુ જે અતિ પવિત્ર હોય એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. જે એ આયુષ્યને લંબાવી શકે છે એના જ જગત ઉદાહરણ આપે છે. બાકી બધાના ઘરે તારીખીયું એક જ છે. 2019ના પણ બે દિવસ થઈ ચૂક્યા છે. ઘણા નવા સંકલ્પોનું પાલન પણ કરતા હશે હજી તો, કેમ કે ‘નવું નવું નવ દિવસ’. બધો લોચો મકરસંક્રાંતિ પછી શરૂ થાય, પછી એ સંકલ્પો પતંગ સાથે કપાઈ ગયા હોય અને અમુક તો સાતમા આસમાને ઉડતા હોય છે. માટે જ મનને ‘ચંચલ’ કહેવામાં આવ્યું છે.

જે વિચારીએ એને ચરિતાર્થ કરવા આખું વર્ષ પરિશ્રમ કરવો પડે. નવા વર્ષના સંકલ્પો લાંબા સમય સુધી ટકતા નથી એનું એક કારણ એ પણ છે કે ‘વિચારો કરવામાં શરીરને શ્રમ પડતો નથી’. વિચારોને પરસેવો નથી વળતો.

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

ગૌરાંગ ઠાકરની આ અદભુત ગઝલ નવા વર્ષની શરૂઆતે જો મનોમંથનમાં વલોવાય જાય તો અમૃત અવશ્ય મળે. આપણે બધું નક્કી તો કરી લઈએ છીએ પણ રીયલ લાઈફમાં યથાર્થ થતું નથી. એના માટે રોજ નવું વર્ષ જોઈએ જે શક્ય નથી. સમયની ગાડીમાં બ્રેક નથી હોતી. વર્ષો કેમ પૂરા થઈ જાય એ ડિસેમ્બરનો એન્ડ આવે ત્યારે જ સમજાય છે.

હજી વર્ષની શરૂઆત જ છે ચલો આ વર્ષે પણ એક ટાર્ગેટ નક્કી કરીએ. અત્યારે જ્યાં છીએ ત્યાંથી કમસે કમ 50% તો હું આગળ વધવો જ જોઈએ. માટે જે નક્કી કરીએ છીએ એને રોજ નક્કી કરવું પડશે. રોજ નવા વર્ષની ફીલિંગ ક્રિએટ કરવી પડશે. સંકલ્પને સફળતા તરફ લઈ જવો જ એક સફળતા છે. આજે જ 2019નો પ્લાન નક્કી કરી લઈએ. એક વર્ષમાં માનસિક શારીરિક અને સામાજિક પ્રગતિ કેટલી થઈ એનો હિસાબ અવશ્ય કરવો જોઈએ. 365 દિવસ રોજ કામ કરી હાંફતા હાંફતા કાઢ્યા હોય તો સેલ્ફ-પ્રમોશન મળવું જ જોઈએ.

ચલો આ વર્ષને ખરેખર પોતાની દુનિયા બદલનારું બનાવીએ. હર એક દિવસે એક કદમ આગળ વધીએ. જો આપણે આગળ નહિ વધીએ તો સમય ઘણો આગળ જતો રહેશે. પછી બહાનાં સિવાય કંઈ હાથમાં રહેતું નથી. હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે તેમ..

“જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ”

ટીક ટૉક📌
“સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે,ભાઈ ! એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઊડશે.” (રોમાંરોલાં – ફ્રાન્સ સર્જક)

– જયદેવ પુરોહિત

(ઉત્સવ પૂર્તિ, સંજોગ ન્યૂઝ)
(બુધવાર,૦૨/૦૧/૨૦૧૯)

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x