રાજા પુરી નિષ્ઠાથી પોતાનું રાજ્ય ચલાવી રહ્યો હતો. ન કોઈ વિવાદ કે ન કોઈ વિખવાદ. બધું બરાબર ચાલતું હતું. એક દિવસ એ રાજ્યમાં જાદુગર આવે છે. એના જાદુમાં ભારે તાકાત. એ રાજ્યને ખતમ કરી દેવા માંગતો હતો એટલે એણે ત્યાંના કૂવામાં જાદુઈ દવા નાખી દીધી. હવે એ જ કૂવામાંથી બધે પાણી પહોંચતું હતું. એ કૂવાનું પાણી જે પીએ તે પાગલ બની જાય.
બીજે દિવસે રાજ્યમાં વસતાં બધાં લોકો પાગલ થઈ ગયા. વિચિત્ર વર્તન કરવા લાગ્યાં. પરંતુ રાજા અને તેનો પરિવાર પાગલ ન થયો કારણ કે એ બીજા કૂવામાંથી પાણી પીતાં હતાં. નગરના લોકોનું આવું વિચિત્ર વર્તન જોઈને રાજા ચિંતામાં ડૂબ્યો. તાબડતોડ તેણે રાજ્યની સલામતી માટે નવા નિયમો બનાવ્યાં. જેથી કરીને પાગલ લોકો થોડાં કાબૂમાં રહે. નિયમો પાલન કરાવવાનું કામ પોલીસો અને અધિકારીઓનું હતું. પરંતુ એ બધાએ પણ પેલા જ કૂવાનું પાણી પીધું હતું એટલે એ લોકોને લાગ્યું કે રાજાની બુદ્ધિ બગડી કે શું ! કેવા વિચિત્ર હુકમો આપે છે ! આવા વ્યર્થ આદેશો મનાય નહીં. માટે અધિકારીઓએ એ નિયમો પર ધ્યાન જ ન આપ્યું.
હવા સાથે વાત પણ રાજ્યમાં ફેલાઈ ગઈ. બધાને રાજાના નિયમોની ખબર પડી. હવે તો આખું રાજ્ય રાજા વિરોધી થઈ ગયું. બધા રાજાને પાગલ કહેવા લાગ્યા. “આ રાજા તો પાગલ થયો છે, સાવ નકામા નિયમો બનાવી બનાવી ને આપણને હેરાન કરવા માંગે છે…” થોડીવારમાં તો આખું રાજ્ય રાજાના મહેલે પહોંચી ગયું.(જેમ આજકાલ તરત ટોળું ભેગું થઈ જાય છે એમ…) માગણી કરી કે “રાજા ગાદીત્યાગ કરે… સત્તા છોડે…”
જે રાજ્ય શાંતિમાં જીવી રહ્યું હતું એ રાજ્ય બે દિવસમાં રાજાને હટાવવા ભેગું થયું. રાજા હતાશ થઈ ગયો. અધિકારીઓ અને પોલીસો પણ સાથે ન હતાં. અંતે રાજા સત્તા છોડવા તૈયાર થયા. પણ રાણીએ એને રોક્યા અને કહ્યું, “ચાલો આપણે પણ નગરના કૂવાનું પાણી પીએ એટલે આપણે પણ આ લોકો જેવા થઈ જઈશું.” વાતમાં વજન છે. રાજારાણીએ પેલું જાદુઈ પાણી પીધું. હવે એ પણ લોકોની જેમ પાગલ જેવો વ્યવહાર કરવા લાગ્યાં. સાવ વિચિત્ર વર્તન.
થોડા દિવસો બાદ રાજ્યના લોકોને પસ્તાવો થયો. વિરોધ કર્યાનો અફસોસ થયો. ” આ રાજા તો સારો છે. કેટલું ડહાપણ છે એનામાં ! એનું વર્તન પણ એક રાજાને શોભે એવું જ છે.” હવે લોકોએ નક્કી કર્યું કે આ જ રાજાને રાજ્ય ચલાવવા દઈએ. લોકોએ સત્તાત્યાગની માગણી છોડી દીધી.
“હવે રાજ્ય શાંતિથી ચાલવા લાગ્યું. જો કે એ રાજા અને રાજ્યના લોકો હજી પાગલપણું જ આચરે છે પરંતુ હવે બધા પરસ્પર સમાન છે. હવે કોઈને કોઈ પ્રત્યે વિરોધ નથી. જો કે એમના પાડોશી રાજ્ય કરતાં આ રાજ્ય જુદું જ વર્તન કરે છે અને આમ જ રાજાએ જીવનભર રાજ્ય કર્યું.
આજકાલ આપણા દેશમાં પણ આવું જ ચાલી રહ્યું છે. દર પંદર દિવસે કોઈ પાગલની જેમ વર્તે છે તો કોઈના નિર્ણયોને પાગલપણું સાબિત કરવા લોકો એકઠા થઈ જાય છે. રાજા ગમે તેવો સત્યવાદી કે બળશાળી હોય પરંતુ સમગ્ર રાજ્ય સામે તેને ઝુકવું જ પડે છે. જે તરફ સંખ્યા વધુ છે તે બાજુ ત્રાજવું નમે છે. અને આમપણ બધા પોતાની પાછળ ચાલનારાઓની સંખ્યા વધારવામાં જ પડયા છે. જેટલા કાળા માથા વધુ ભેગા થશે એમનો પડઘો આકાશે પહોંચશે.
ટોળું, ભીડ, સમૂહ, સંઘ, લશ્કર, ધણ આવા અનેક શબ્દો છે આપણી પાસે. પરંતુ ક્યારે ટોળું ભેગું કરવું અને ક્યારે સંઘ એ સમજાય જાય તો ઘણા પ્રશ્નો શાંત થઈ જાય. અને આપણે ક્યારે શેમાં જોડાવું એ સૂઝ પણ હોવી જરૂરી છે. સમૂહમાં શક્તિ છે એ વાત સાચી પરંતુ દરેક શબ્દનો સ્વભાવ અને પ્રભાવ અલગ અલગ હોય છે. જેની પાસે સમૂહ છે એ તાકાતવર છે, પરિવર્તન લાવી શકે એવી તાકાત ધરાવે છે. જેની પાસે સંઘ છે એ સમજદાર છે. જેની પાસે લશ્કર છે એ સુરક્ષિત છે, બળવાન છે. જેની પાસે ભીડ છે એ અનિશ્ચિત છે, અધવચ્ચે છે. જેની પાસે ટોળું છે એ હાનિકારક છે, માત્ર દેકારો… અને જેની પાસે ધણ છે એ પથ્થરો છે, બીજા પર નિર્ભર…
દરેક વખતે પોતાને સાબિત કરવા લડવાનું નથી હોતું, સમય જોઈને રાજાની જેમ નગરના કૂવાનું પાણી પી લેવાય. રાજકારણીઓ રાતોરાત કૂવાનું પાણી પીએ અને સવારે ફરી આપણી સામે ટોળું, ભીડ, સમૂહ, લશ્કર કે ધણ ભેગું કરવા લાગી જતા હોય છે. પ્રશ્ન આપણો છે કે આપણે શેમાં જોડાઈએ..?? અને જે લોકો કૂવામાં દવા નાખીને બધાને પાગલ બનાવવાની રમત રમી રહ્યા છે દેશમાં એને સમય નહીં છોડે.
ટીક ટૉક
वक़्त बर्बाद करने वालों को
वक़्त बर्बाद कर के छोड़ेगा (दिवाकर राही)
– જયદેવ પુરોહિત
05/02/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી
વાહ ખૂબ જ મહત્વ ની વાત કહી છે…….👌👌
ખૂબ ખૂબ આભાર