Blog

🌚કૅન્સર : 21મી સદીનો યમરાજ🌚

મારા મતે જીવનની સૌથી મોટી ઉપલબ્ધી “નોરોગી મૃત્યુ” છે. હસતાં ચહેરે મૃત્યુ આવે અને ‘ખાટલા-લેસ મૃત્યુ’ આવે, એવા ભાગ્યશાળી શરીર 21મી સદીમાં દીવો લઈને શોધવા જઈએ તો થોડા નામો મળે.

આધુનિક સમયમાં સૌથી ખતરનાક મૌત હોય તો એ છે “અકસ્માત અને કેન્સર”. અકસ્માતના ફોટાઓ અને કેન્સરગ્રસ્ત લોકોના ફોટોસ શરીરમાં ધ્રુજારી જન્માવી દે એવા ભયાનક હોય છે. એમાં પણ કેન્સર રોગ અવ્વલ સ્થાન ધરાવે છે. એક માનસિકતા એવી પણ છે કે કેન્સર થયું એટલે હવે ‘થોડા દિવસોના મહેમાન…’ પરંતુ એવું નથી. કોઈ ઐસા રોગ નહીં જીસકી દવા ન હો, પરંતુ આપણે દવા સુધી પહોંચવાનું હોય છે. શાસ્ત્રોમાં દરેક રોગ છે અને સાથે દવા પણ.

આજે 04 ફેબ્રુઆરી એટલે “વિશ્વ કૅન્સર દિવસ”. જીવનમાં વિવિધ બાબતો પ્રત્યે ક્રાંતિ ફેલાઈ, જાગૃતતા આવે એ હેતુથી બધા વિશેષ દિવસો ઉજવવામાં આવતાં હોય છે. આ જાગૃકતા રોજિંદી સ્વાસ્થ્ય માટે હિતકારક છે. પારિવારિક સ્વાસ્થ્ય માટે પણ. કેન્સર રોગની સૌથી ખરાબ વાત એ છે કે “એ પાકી જાય પછી બહાર આવે છે” માટે એમનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. શરીર-શાસ્ત્ર સમજવામાં લગભગ માનવજાત હજી પાંગળી રહી છે. કોઈ એમ કહે કે ‘મારામાં કોઈ જ રોગ નથી’ તો સનાતન જૂઠ છે. કેમ કે રોગ વિનાનો માણસ જીવી નથી શકતો. બધાના શરીરમાં બીમારીઓ(રોગ) હોય જ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ એ બીમારીઓનો સામનો કરી લે છે માટે એમની પીડા આપણને અનુભવાતી નથી. જયારે શરીર હારી જાય છે ત્યારે કેન્સર જીવી/જીતી જાય છે.

કેન્સર રોગમાં કોશિકાઓ વિસ્તરતી જાય છે. અને અંતે ગાંઠ બને છે. લગભગ તમામ પ્રકારના કેન્સરમાં ગાંઠોની રચના થાય છે. જે અસહ્ય અને કયારેક અસાધ્ય બની જાય છે. કેન્સર રોગ ક્યારે, ક્યાં, કઈ રીતે શરીરમાં વ્યાપી જાય એમની ભાન કોઈને થતી નથી. એક બીજ જેમ વર્ષો બાદ વૃક્ષ બને એમ જ એક સામાન્ય રોગ પણ વર્ષો બાદ કેન્સર બની શકે છે. આપણી બેદરકારી પણ કેન્સરમાં જવાબદાર હોય છે.

કેન્સર એ વારસામાં મળતો રોગ છે. નવજાત શિશુને પણ કેન્સર થઈ શકે છે. લગભગ તમામ પ્રકારનાં કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમિયાન સર્જાતી આનુવંશિક તત્ત્વોમાં વિકૃતિ આવવાને કારણે થતાં હોય છે. ‘આ વિકૃતિ તમાકુનું સેવન કે ધુમ્રપાન, કિરણોત્સર્ગ, રસાયણો, અથવા તો શરીરના અંદરના ભાગે ચેપ લગાડનારાં તત્વો’ જેવા કેન્સર કરતા પદાર્થોને કારણે થવાની શક્યતા રહે છે. અન્ય કેન્સરને ઉત્તેજન આપતી આનુવંશિક વિકૃતિ રંગસૂત્રોની પ્રતિકૃતિમાં ભૂલ થવાને કારણે અથવા તો વારસાગત હોય છે જેના કારણે તે જન્મ સમયથી જ દરેક કોશિકાઓમાં રહેલાં હોય છે. કેન્સર પેદા કરતા પદાર્થો અને યજમાન શરીરના વંશસૂત્રો વચ્ચે થતી જટીલ પ્રક્રિયાને કારણે સામાન્યતઃ કેન્સરની વારસામાં ઉતરવાની ક્ષમતા પર અસર થતી હોય છે.

કેન્સરના મુખ્ય ત્રણ લક્ષણો છે. શારીરિક, રોગ વિસ્તરવાના લક્ષણો, શરીરતંત્રને લગતાં લક્ષણો. જેવા કે, અસાધારણ ગાંઠ, ચાંદા પળવા, કમળો, રક્તસ્ત્રાવ, હાટકામાં દુખાવો, વજન ઘટવું, વજન વધવું, ભૂખ ઓછી લાગવી,થાક લાગવો જો આવું રોજ થતું હોય તો દોડતાં પગે ડોકટર પાસે અચૂક જવું જોઈએ.

દાયકાઓ સુધી થયેલાં સંશોધનને આધારે જાણવા મળ્યું છે કે તમાકુના ઉપયોગને ફેફસાં, સ્વરપેટી, મસ્તિષ્ક, ગળું, પેટ, મૂત્રાશય, મૂત્રપિંડ, અન્નનળી અને સ્વાદુપિંડના કર્કરોગ સાથે સંબંધ છે. ધુમ્રપાનમાં કેન્સર ફેલાવી શકે તેવા 50 જાતનાં રસાયણો રહેલાં છે જેમાં નાઇટ્રોસેમાઇન્સ અને પોલિસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સનો સમાવેશ થાય છે. તમાકુનાં સેવનને કારણે થયેલાં કર્કરોગથી વિકસિત દેશોમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ અને વિશ્વભરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામે છે. જ્યાં સુધી કેન્સર થતું નથી ત્યાં સુધી તમાકુ વ્યક્તિને છોડતો નથી. અને વ્યક્તિ પણ તમાકુને…

કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન નથી. શરીરનો કોઈ પણ ભાગ કેન્સરગ્રસ્ત બની શકે છે. કઈ નાની બીમારી પણ ક્યારે કેન્સરનું રૂપ લે એ નક્કી નહિ. કેન્સરની કોઈ સચોટ વ્યાખ્યા નથી. આ વારસામાં પણ ફેલાઈ છે માટે વધુ ચેતવું જોઈએ. આવનાર ભાવિ કેન્સરયુક્ત દુનિયા જોવે એ દુનિયા માટે પણ વ્યાજબી નથી.

યોગ્ય ખોરાક દ્વારા પણ કેન્સરથી દૂર રહી શકાય છે. ડબલ્યુસીઆરએફ અને એઆઇસીઆરના નિષ્ણાતોએ તેમના અહેવાલમાં નીચે જણાવેલી 10 ખોરાક માર્ગદર્શિકાની ભલામણ કરી છે કે જેને અનુસરીને લોકો તેમના શરીરમાં વિકાસ પામી રહેલા કેન્સરને અટકાવી શકે છે આ ભલામણોમાં (1) વજન વધે તેવા એટલે કે વધારે માત્રામાં ઊર્જા ધરાવતા ખોરાક અને ખાંડયુક્ત પીણાંનો ઉપયોગ ઘટાડવો, (2) વનસ્પતિજન્ય ખોરાક લેવો, (3) લાલ માંસનો ઉપયોગ મર્યાદિત કરવો અને પ્રક્રિયા કરેલાં (પ્રોસેસ્ડ) માંસનો ઉપયોગ ટાળવો, (4) દારૂ કે દારૂ મિશ્રિત પીણાંઓનો ઉપયોગ મર્યાદિત કરવો, અને (5) મીઠાં (નમક)નો ઉપયોગ ઓછી માત્રામાં કરવો તેમજ ફૂગવાળા અનાજ કઠોળનો ઉપયોગ ટાળવો વગેરે જેવી ભલામણોનો સમાવેશ થાય છે.

આદિકાળથી ચાલતો રોગ છે કેન્સર. દરવર્ષે કેન્સર જાગૃતિ હેતુ એક થીમ રાખવામાં આવે છે. એમ આવનાર ત્રણ વર્ષમાટે કેન્સર પ્રત્યે સજાગતા ફેલાવવા એક થીમ નક્કી કરવામાં આવી છે “I AM AND I WILL”.

દર ત્રણ-ચાર મહિને બોડી ચેકઅપ કરાવવું જોઈએ. જેથી હેપ્પી લાઈફ જીવવામાં આનંદ રહે. લખવાનું તો ઘણું છે પણ સાર એજ કે “કૅન્સર બાબતે જાગતાં રહો..”

લાસ્ટ વિકેટ🏏

ડૉ.મરકોલા કહે છે કે ૨૧મી સદીની મોજ માણવી હોય તો મસાલેદાર અને સ્વાદિષ્ટ ભોજનને બદલે ઊજળી કારકિર્દીમાં અને કુદરતને માણવામાં મોજ માણો. આધુનિક તમામ ખાદ્યો પેસ્ટિસાઈડઝથી ભરેલા હોય છે.

– જયદેવ પુરોહિત

#worldcancerday #iamandiwill

04/02/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x