લોકોની અપેક્ષાઓ કરતા વધારે જે બેસ્ટ પરફોર્મન્સ આપે એજ પૂજાય છે. યુગો સુધી જીવે છે.
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર
એને પાછો સોંપતા અચકાઉં એવો હું નથી.
‘શૂન્ય’ પાલનપુરીએ અનુવાદ કરેલા આ ઉમ્મર ખૈયામના શબ્દો બે દિવસથી આંખ સામે ફર્યા કરે છે. iplની મેચોમાં પરાક્રમ જીતે છે.
એક બેટ્સમેન 60 બોલ રમીને 70 રન બનાવે છે, ને એક બેટ્સમેન 13 બોલમાં 48 રન બનાવીને હીરો બની જાય છે. અને દુનિયા એનો જ જય જયકાર કરે છે. પરાક્રમ હંમેશા ચિરંજીવી હોય છે.
ટૂંકી જિંદગી, અમર છાપ
૨૦ વર્ષની ઉંમરે ગાદી મળી. અને ખુમારીથી ગાદી સ્વીકારી. ખૈબરઘાટને રસ્તેથી ભારતમાં આવનાર એ સિકંદર.
વતનથી ૮૦૦૦ જેટલા કિલોમીટર દૂર લશ્કરી કૂચ કરનાર એ ફોલાદી જીવ.
અનેક મુલ્કો જીતનાર એ સિકંદર, જયારે મૃત્યુ પામ્યો ત્યારે માત્ર 33 વર્ષનો જ હતો. એમની જીવન જીવવાની તરસ અને વિચાર કરવાની ક્ષમતા ક્યાં લેવલે હશે!!
ભૂખ માણસને પરાક્રમી બનાવે
દિલ્હીના તખ્ત પર બેસનારી પહેલી સ્ત્રી રઝિયા સુલતાનાએ સાડા ત્રણ વર્ષ શાસન કર્યું. તેમાં તેણે વૃક્ષો રોપાવ્યા, કૂવાઓ ખોદાવ્યા, રસ્તાઓ બનાવ્યા – જયારે તે મરાઈ ત્યારે તેની ઉંમર હતી ૩૦ વર્ષ!!
જે સમય મળ્યો છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એ મહત્ત્વનું છે.
કે.એલ રાહુલ 60 રન કરે તો પણ ટીકાનો ભોગ બને, અને રસેલ 2 ઓવરમાં 30 રન કરે તો હીરો.
જે પરફોર્મન્સ કરી શકે એજ ફેમસ બને. અને યુગો સુધી યશસ્વી રહે.
“મેરી ઝાંસી નહીં દુંગી “ની ગર્જના કરનાર રાણી લક્ષ્મીબાઈ, યુદ્ધના મેદાનમાં વીરગતિ પામી ત્યારે તેની ઉંમર હતી ૨૩ વર્ષ.
ભારતની ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરનાર, અને ગીતા આદિ પર ભાષ્ય લખનાર આદ્ય શંકરાચાર્યએ ૩૨ વર્ષની ઉંમરે જીવનલીલા સમેટી હતી.
નિષ્કર્ષ એટલો કે કંઈક અલગ વિચારી, લોકોની પરવા કર્યા વિના, પોતાના ધ્યેય તરફ લાગી પડો તો કયારેય મૃત્યુ થતું નથી.
ઈશુ ખ્રિસ્ત ક્રોસ પર ચડ્યા ત્યારે ઉંમર હતી ૩૩ વર્ષ. અત્યારે લોકો ભગવાન માને છે. મહેનત વિના સિદ્ધિ મળતી નથી. એ સમયે મોબાઇલયુગ નહોતો. છતાં પણ આટલી લોકપ્રિયતા!!
જો મિટાતે હૈ ખુદ કો જીતે જી
વો મરકર ભી જિંદા રહતે હૈ.
જૉન ઑફ આર્ક(ઈ. સ ૧૪૧૨-૧૪૩૧) હાથમાં ક્રોસ, અને હોઠ પર અંતિમ શબ્દ ‘જિસસ’ સાથે આગમાં ખાખ થઈ.
ત્યારે તે માત્ર ૧૯ વર્ષની હતી. તેને 1920માં “સંત” જાહેર કરવામાં આવેલી.
દુનિયામાં લોકોના ત્રણ પ્રકાર છે “ટેસ્ટ મેચ” “વન-ડે મેચ” અને “20-20” . ટેસ્ટ મેચમાં ધૈર્ય જોઈએ. વન ડે મેચમાં નિશ્ચિત માર્ગ જોઈએ. નિશ્ચિત વિચારધારા જોઈએ. અને 20-20માં પરાક્રમ જોઈએ.
સબસે અલગ સબસે ગજબ. જ્યાં સુધી મેદાનમાં રહીએ ત્યાં સુધી મેચ આપણી પક્ષમાં રહેવો જોઈએ. એજ ટૂંકી જિંદગી લાંબી યાદ…
ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે માનેલા શ્રીમદ્દ રાજચંદ્રજીએ, જ્યારે દેહ છોડ્યો ત્યારે 33 વર્ષના હતા. એમના નાટકો હજી સમાજને પ્રેરિત કરે છે.
એમની તાર્કિક બુદ્ધિ એકદમ સતર્ક હતી. એકીસાથે ઘણા કાર્યોમાં પ્રવૃત્ત રહી શકતા. આ બધી ક્ષમતાઓ છે મનુષ્યોની.
માણસ ધારે તે કરી શકે એ વાતો એકદમ સચોટ છે. આપણી આસપાસ જે કુદરત સિવાયનું છે એ બધું લોકોએ જ બનાવ્યું છે. ખરેખર પરાક્રમી લોકો જ દુનિયા બદલી શકે છે.
કરસનદાસ મૂળજી મોટા સમાજ સુધારક. એમના ઈંગ્લેન્ડના પ્રવાસને લીધે ન્યાત બહાર મુકાયેલા.
વૈષ્ણવ મહારાજાઓની પ્રપંચલીલા બહાર પાડી, તેમના પર થયેલ કેસ જીતી ગયેલાં. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ૩૯ વર્ષનાં હતા!!
જે કંઈક કરવાની ક્ષમતા ધરાવે છે, સમાજને સાથે લઈને આગળ વધે છે, એ જ ચિરંજીવી બની શકે. મહાભારતમાં અભિમન્યુ પૂજાયો. કારણ માત્ર એમનું પરાક્રમ.
પરાક્રમી લોકો કયારેય નિરાશ નથી થતા. એ હંમેશા આશાવાદી અને સાથે તકવાદી હોય છે. સ્વ પર એટલો આત્મવિશ્વાસ રાખે કે એ સ્વ ને સર્વસ્વ બનાવી દે.
કવિ કલાપી ૨૬ વર્ષે, કવિ રાવજી પટેલ ૨૮ વર્ષે વિદાય થયેલ. આવા તો અઢળક નામો છે. શાસ્ત્રોમાં, ઈતિહાસોમાં અને આપણી આસપાસની જીવંત દુનિયામાં.
લેખક અમિશની શૈલીમાં કહેવું હોય તો “પરાક્રમ માણસને ભગવાન બનાવે છે.”
જમાનો 20-20નો છે. તક મળે ત્યારે અથવા તક નિર્માણ કરી સિક્સ પર સિક્સ માર્યા કરવી.
એ જ જીવન છે. એજ પરાક્રમ છે. વિચારોમાં દોડતું ગરમ લોહી જ ઈતિહાસ રચી શકે.
મરવું બધાને છે જ. પરંતુ મરીને પણ જીવતું રહેવું એ જ છે અજન્મા, અવિનાશી અને અમરત્વ.
ટીક ટૉક
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ.
જેટલે ઉંચે જવું હો માનવી
તેટલાં ઉન્નત વિચારો જોઈએ.(‘શૂન્ય’ પાલનપુરી)
- જયદેવ પુરોહિત 10/04/2019 સંજોગ ન્યૂઝ, અમરેલી