Blog

તમે સુંદર કામ કરી રહ્યા છો…

સારા બે શબ્દો, વખાણ, પ્રસન્નતા અને દિલમાંથી નીકળતી સારપની તાકાત જાણો છો?

વિશ્વમાં સૌથી પ્રભાવશાળી કોઈ શબ્દો હોય તો એ છે, ‘તમે બહુ સુંદર કામ કરી રહ્યા છો.’ આ વાક્યની શક્તિ અસરકારક છે.

આપણે આખા દિવસમાં ઘણાં વ્યક્તિઓને મળતાં હોઈએ છીએ. જેવું જેનું કામ એ પ્રમાણે વ્યક્તિની સંખ્યામાં વધારો થાય. સો, બસ્સો, ત્રણ સો કેટલાં લોકો મળે છે?? પણ બધા સાથે સંવાદ કરવાનો હોતો નથી. જરૂરીયાત થાય તો જ શબ્દોને વાત બનવાનો મોકો મળે.

હું વાત કરું છું આપણી અંદર રહેલાં સદભાવની, સર્વેની ભીતર સારપનું ઝરણું વહેતું જ હોય છે. અને વહેતુ પાણી સદા નિર્મળ અને શુદ્ધ હોય છે. વિકારરહિત. આ ઝરણું કેટલાં ખાબોચિયાને દરિયાનો અનુભવ કરાવે?? આ ઝરણું કેટલી શિલાઓને નિતનવી કરે? આ ઝરણું આગળ જઇ કેટલી સારી નદીઓને મળે? એ ઝરણું જ નક્કી કરી શકે.

“આર્ક બુચવોલ્ડ” નામનો એક ન્યૂયોર્કયન. પોતાના મિત્ર સાથે ટેક્સીમાં બેઠો. પંદર મિનિટ બાદ બન્ને ટેક્સીમાંથી ઉતર્યા ત્યારે મિત્રએ ડ્રાઇવરને કહ્યું, ‘આભાર. તમારું ડ્રાઇવિંગ ખૂબ સરસ છે.’

ડ્રાઇવર તો ચકિત થઈને જોઈ જ રહ્યો. પછી બોલ્યો, ‘તમે કોઈ ઉપદેશક છો કે ?’

‘ના દોસ્ત, અને હું તારી ખુશામત પણ નથી કરતો. મેં જોયું કે ટ્રાફિક ઘણો હતો અને તું ધીરજ અને કુશળતાથી માર્ગ કરતો ગયો. મને એ સાચે જ ગમ્યું એટલે મેં કહ્યું.’

‘ઓહ…’ ડ્રાઇવર બોલ્યો અને ટેક્સી હંકારી જતો રહ્યો.

‘આ શું ?’ આર્કએ મિત્રને પૂછ્યું.

‘હું ન્યૂયોર્કમાં પ્રેમનું વાતાવરણ ઉભું કરવા માગું છું. મને ખાતરી છે કે આ શહેરને ફક્ત પ્રેમ જ બચાવી શકે.’ બન્ને મિત્ર શહેરને પ્રેમાળ બનાવવામાં વ્યસ્ત થયા.

“થેંક્યું” શબ્દ બહુ પ્રોફેશનલ છે. અને મોટા ભાગે “કહેવા ખાતર” જ વપરાય છે. અને થેંક્યું શબ્દ ઓફિસનો શબ્દ છે. નહિ કે સામાન્ય વ્યવહારનો. આપણે ભાગદોડ ભરી લાઈફમાં આવી નાની પરંતુ આવશ્યક બાબતને ઇગ્નોર કરતાં હોઈએ છીએ. જે ન કરવી જોઈએ.

“ના ગોરોકી ના કાલોકી, યે દુનિયા હૈ દિલવાલો કી..” ઘરની બહાર જતી વેળા દિલ ખિસ્સામાં અને મગજ અંદર રાખવું જોઇએ. ઘણી વખત આપણે વસ્તુ ખરીદ્યા બાદ પૈસા સાથે ઘરનો થોડો ગુસ્સો પણ દુકાનદારને ચૂકવી દઈએ. શાકભાજી લીધા બાદ ઘરનો કંકાશ પણ પહેલાં ભાઈને સિક્કા સાથે પધરાવી દયે. દુધવાળાને તપેલી સામે ધરી સવારનો કજીયો પણ ધરી દઈએ. આખો દિવસ મગજમાં એકને એક વાત લઈ રાતે સુઈ જઈએ. આપણા સારા સ્વભાવ અને સારા વ્યવહારની જરૂર હકીકતે સામે વાળાને હોય છે.

“પૈસા પેટને સંતોષ અપાવે અને સારા બે બોલ દિલને સુકુન આપે” વેચનાર માત્ર પૈસા માટે જ નથી વેપાર કરતો. વસ્તુની સામે સારપની આશા હોય છે.

प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः ।। ”

આજથી જ શરૂ કરીએ. જે બાબત દિલને સ્પર્શે, આપણને ગમે, સારી રીતે આપણું કાર્ય થઈ જાય તો ત્યાં તરત જ “બે સારા વાક્યો” પ્રેમથી બોલી જ દઈએ. ‘તમે રોજ શાકભાજી સરસ તાજી લઈ આવો છો.’ ‘તમે પ્રતિદિન નિયમિત દૂધ તાજું અને સમયસર લાવો છો. સરસ.’ ‘તમે સરસ મારુ ચંપલ ઠીક કર્યું.’ ‘તમે પાણીપુરી સરસ બનાવો છો.’ ‘વાહ, તમે દરરોજ અમારી સોસાયટીનો કચરો લેવા આવી જ જાઓ છો. ખૂબ સરસ.’ ‘વાહ, તમે ટાઈમે મને પહોંચાડી દીધી. સરસ રીક્ષા ચલાવી.’ દિવસમાં જેને મળો એને માત્ર બે વાક્યો બોલવામાં સમય કેટલો??

આ બે વાક્યો, સાંભળનારનો દિવસ સુધારી દેશે. એ વધુ સારું કામ કરવા મહેનત કરશે. એ વાસી શાકભાજી વેંચતા વિચારશે ! અને ખાસ એ લઘુતાગ્રંથિ માંથી છૂટશે. એમને પોતાનાં કામ પ્રત્યે પ્રેમ થશે. રાતનાં સૂતાં પહેલા ‘મારુ કામ કોઇક ને તો ગમે છે’ એવું વિચારી સુખની નીંદર કરશે.

બાકી અત્યારનો સમય દેખાદેખીનો છે. દેખાદેખીમાં કોઈને પોતાનું કામ સારું ન લાગે. “સંતોષ એ જ સફળતા છે. બાકી કાગળની નોટો કોઈને આનંદ ન આપી શકે.”

“સ્માઈલ સે સ્માઈલ મિલ ગયી, જિંદગી યુહી બેમિસાલ હો ગયી.”

એક સ્માઈલ અને સાથે પ્રસન્નતાના બે શબ્દો કહેવામાં ક્યાં પૈસા લાગે?? હા, પણ આ બે વાક્યો બોલવા શરમને “આવજો” કહેવું પડે. ચલો માની લઈએ કે, ‘બધાં પ્રસન્ન ન થયાં, તો…’ તો આપણે ક્યાં કઈ ગુમાવ્યું? દસ વ્યક્તિ માંથી બે વ્યક્તિને પણ જો સંતોષ થયો અને પ્રેમની લાગણી વ્યાપી તો બસ છે. આપણા સંપર્કમાં આવતાં લોકોને તો આપણે સારપ આપી જ શકીએ. આ સારપ મોટી ઇન્વેસમેન્ટ છે. જે સમયજતાં બમણી મળે.

ખાસ, યંગસ્ટર્સ. જ્યાં જઈએ ત્યાં પ્રસન્નતાને શેર કરીએ. હોટલમાં પાર્ટી કરતાં હોઈએ કે કોલેજની કેન્ટીનમાં નાસ્તો. બિલ ચૂકવતાં સમયે સારા બે વાક્યો પણ “ટીપ” રુપે આપવા જોઈએ.’તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો…’

“એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાનાં વિચાર દે” (મરીઝ)

ટીક ટૉક

હોટલનો માલિક : ‘મને જોઈને મારો સ્ટાફ ડરે છે, મારી સાથે વાત કરતાં પણ કંપે છે.’

હોટલનો વેઈટર : ‘ ગ્રાહક મારી પાસે આવીને કહે છે કે,’ તમે સુંદર કામ કરો છો અને તમારી સ્માઈલ અમને હોટલ તરફ ખેંચી લાવે છે’

– જયદેવ પુરોહિત JP

(સંજોગ ન્યૂઝપેપર – અમરેલી)
( 27/06/2018)

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
VIVEKKUMAR PRAVINCHANDRA PADHIYAR
VIVEKKUMAR PRAVINCHANDRA PADHIYAR
1 year ago

વાહ ખૂબ સરસ લખ્યું છે….

Devendra L Trivedi
Devendra L Trivedi
1 year ago

ખૂબ જ સરસ સકારાત્મક લેખ.. ધન્યવાદ..

Dharmesh
Dharmesh
1 year ago

Good Thought

3
0
Would love your thoughts, please comment.x
()
x