Blog

બારેમાસ ચાલતી પંચાત એટલે રાજકારણ

વ્યક્તિને પોતાનો સ્વ-વિકાસ કરવો હોય તો શું કરવું જોઈએ? – એમને રાજકારણની સાવ ખોટી પંચાતથી દૂર રહેવું જોઈએ. પણ એ શક્ય છે ખરું?? શું કોઈ વ્યક્તિ આમ રહી શકે??

મહારાષ્ટ્રનું થ્રિલર હજી શાંત નથી પડ્યું. અને ઘણા સામાન્ય લોકો હમણાં હમણાં થોડું ઊંઘવાનું અને થોડું વધુ જમવાનું પણ ભૂલી જાય છે. અજીબ છે નહિં, ચૂંટણી મહારાષ્ટ્રમાં હોય અને ગરમી આપણી વધી જાય. ભારતનાં કોઈપણ ખૂણામાં ચૂંટણી હોય તો ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપર વાળા એવો જ એહસાસ કરાવે કે, ચૂંટણી આપણા પાડોશીના ઘરે જ છે. એટલો દેકારો કે વાત ન પૂછો.

ફેસબુક પર કોઈ ભાજપ કે કોંગ્રેસ વિશે પોસ્ટ કરે અને પછી શરૂ થઈ જાય મહાભારત. નીચે કૉમેન્ટમાં જ લડવા લાગે. એટલી ઉત્સુકતા કે એટલો ઉત્સાહ તો નેતાઓને પણ હોતો નથી. આપણે જાણે ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષો માટે જ જીવી રહ્યા હોઈએ. મગજમાં 60% રાજનીતિની ચર્ચાઓ અને 30% બોલિવુડના સમાચારો જ ભર્યા હોય છે. ટીવીથી લઈ વ્હોટ્સએપ ગ્રુપ સુધી બધે જ આ એક-બે વિષયો જ ચાલતાં હોય. જે આમાંથી બાકાત રહે એમને માથું ઓછું દુઃખે.

મનોવિજ્ઞાન એવું કહે છે કે, આપણાં મગજમાં જે ચર્ચા એકવાર ઘૂસી ગઈ પછી એ ચર્ચા આપણાં મગજને ગુલામ બનાવવામાં લાગી જાય છે. આ સહજ વાત છે. જુઓ, આપણી ઘરે કોઈ સગાંવહાલાં કે પાડોશીમાંથી કોઈ બેસવા આવે, વાતો થાય એટલે ગામનો કચરો આપણાં ઘરે પણ ઠલવાય. ફલાણા ભાઈના ઘરે આમ થયું….વગેરે… ન જાણવાની અથવા સાવ આપણા કામની નથી એવી વાતો આપણા ઘરમાં ઘૂસી જાય. પછી શરૂ થાય પંચાતોનું શેરિંગ…

એ મહેમાન તો જતાં રહે પણ પેલી વાતો ક્યાંય જતી નથી. કોઈનો ફોન આવે એટલે આપણે પણ એજ વાત શરૂ કરીએ. હવે કચરો બીજાનો અને ભાર આપણે ઉપાડી રાખીએ. એ વાતોની અસર એટલી થાય કે ઘરમાં ઝઘડાઓ પણ થતાં જોયા છે. ખરેખર ક્યારેક બેસીને નિરાંતે વિચારવા જેવું ખરું કે, આપણી આસપાસ કેવા લોકોનું વર્તુળ છે અને એ આપણને કેવી વાતોમાં ફસાવી રહ્યા છે. ઘર આપણું હોય અને ચુકાદાઓ બીજાની પંચાતનાં થતાં હોય. આ નરી વાસ્તવિકતા છે આપણી આસપાસની દુનિયાની.

રાજકારણનું પણ એવું જ છે. જો આપણે કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હોઈએ અને જો આપણે નેતા ન બનવું હોય તો રાજનીતિની ઝાકળ જેવી પંચાતમાં ન જ પડવું જોઈએ. વાત ગુજરાતની હોય તો સમજ્યા કે આપણે મત આપવા જવાના છીએ પરંતુ આમ અન્ય રાજ્યોની ચૂંટણીમાં આપણા મગજનું બલિદાન શા માટે??

જેમ જેમ આપણે બીજાઓની વાતોમાં રસ દાખવતાં જઈએ તેમ તેમ આપણે આપણાથી દૂર જતાં જઈએ. એટલે કે, આપણું જીવન બીજાઓની ચર્ચા માણવામાં જ ખલાસ થતું જાય. રાજનીતિની વાતોથી દૂર રહેશો એટલે આપમેળે જીવન સરસ મજાનું થઈ જશે એવું નથી. પરંતુ મગજ પર પડતો જે બીજાનો કચરો છે એ જરૂર સાફ થશે. એમાં પણ જો તમે યુવાન હોય અથવા જીવનની ચાલીસી ન વટાવી હોય તો આવી પંચાતથી દૂર જ રહો. કેમ કે, રાજકારણનો ક્યારેય અંત જ નથી. અને એમાં આપણાં મંતવ્યો કોઈ સાંભળવાનું પણ નથી.

ટીવી ચેનલોને રાજકારણી વાતાવરણ ઉભું કરવાના કરોડો રૂપિયા મળે છે. માટે એતો એજ બતાવશે. સાચું કે ખોટું, બે-ત્રણ સારા બોલવાવાળાને પકડી બેસાડી દેશે અને પછી ઝઘડાવશે. જે લોકો ચેનલોમાં પોતાના મંતવ્યો આપતાં ફરે છે એમનું પણ કોઈ માનતું નથી તો આપણી વાતો સાવ બેકાર છે.

ઘર આપણું, ઘરનાં લોકો એ આપણાં અપક્ષી નેતાઓ નથી જ, અને ઘરમાં આપણે ચૂંટણી જીતવાની પણ ન હોય. જો જીવનની ચાલીસી ન વટાવી હોય તો રાજકારણથી દૂર રહેવામાં જ ખરી મજા છે. જે લોકો ખોટી પંચાતોમાં પડતાં નથી એમને ક્રોધ ઓછો આવે છે અને એવા વ્યક્તિઓ ઓછા શંકાશીલ હોય છે. ખોટું કહેતો હોય તો જુઓ આપણી આસપાસ…

અને  પંચાત કરવાની આદત થઈ  ગઈ હોય તો.. એમને મહારાષ્ટ્ર મુબારક…

ટીક ટૉક

ઈતને હિસ્સેમેં બટ ગયા હૂ મે
મેરે હિસ્સેમેં કુછ બચા હી નહી

– જયદેવ પુરોહિત

27/11/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x