Blog

💰ધ બિલિયન ડૉલર : સાહસી વિચારોની પરિક્રમા💰

માનવ સહજ સ્વભાવ છે કે ‘લાભ’ થતો હોય તે કાર્ય પહેલાં કરવું. એમાં પણ ગુજરાતીઓ તો ઘરમાં ચાર-પાંચ દિવાલે ‘લાભ-શુભ’નાં સ્ટીકર લગાવી જ રાખે, ન કરે નારાયણ ને કોઈક દિવસ સ્ટીકર વાળી દિવાલ સોનાની બની ગઈ તો! પરંતુ લાભ શબ્દની લેણાદેણી માત્ર રૂપિયા સાથે નથી. અને કદાચ લાભપાંચમ ઉજવવાની શરૂઆત થઈ હશે ત્યારે પૈસાના ‘પ’નું અસ્તિત્વ પણ નહીં હોઇ.

આવો આપણે પણ વિચારોની પરિક્રમા કરી સાહસી બનીએ, અને સાથે ભીતર જ્ઞાનપંચમી પણ ઉજવીએ.

“ધ બિલિયન ડોલર બુક” નામની એક તવંગરી બુક હાથમાં આવી. ૨૦૦૭માં ફોર્બ્સ દ્વારા અબજોપતિની યાદી જાહેર કરવામાં આવી હતી, એ યાદી આધારિત આ બુકમાં ૭૧ જેટલા અતિ-સક્સેસ અને અતિ-ધનવાન વ્યક્તિત્વની ઝલક છે. આ બુક અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવી છે. માત્ર છ માસના સમયગાળામાં જ આ પુસ્તકની ત્રણ આવૃત્તિઓ છપાણી. અને શ્રી સોનલ મોદીની કસાયેલી કલમે આ બુકનું ગુજરાતીકરણ પણ થયું. બુકના સંકલન કર્તા યોગેશ ચોલેરા છે. આ બુક સાચે જ બિલિયન ડૉલર બુક છે.

“અમે વિચારોથી એટલાં સમૃદ્ધ થઈ ગયાં કે કાગળની નોટ હવે કાગળ ભાસે”

રોજિંદા જીવનમાં વિચારોનું પ્રોટીન આપી જાય એવા કેટલાક અનુભવી શબ્દોને અહીં ટાંકી ભીતરને ખેડતાં જઈએ. સફળતાની ટોચ પર સ્થિત થયેલા વ્યક્તિઓએ જીવીને અનુભવેલા સાહસી વિચારો..

● કાર્લોસ સ્લીમ હેલુ (મેક્સિકો)

“લોકો મને કઈ રીતે યાદ કરશે,તે વિચારીને જીવવામાં હું નથી માનતો. જે દિવસે અન્યના અભિપ્રાયો માટે જીવવા લાગો, તે દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત માનજો.”

“દાન આપી દેવાથી ગરીબાઈ દૂર ન થાય. હું તો પ્રશ્નના મૂળમાં જઈને ઉકેલ લાવવામાં માનું છું.”

● કાર્લ ઇકહાન (અમેરિકા)

“ધંધામાં અને જિંદગીમાં સૌથી મોટા પાપ બે છે-
પ્રથમ: વગર વિચાર્યે કોઈપણ કાર્ય કરવું.
બીજું: કોઈ કાર્ય જ ન કરવું.

●લી આયોકાકા (અમેરિકા)

“ખૂબ ભણી લીધા પછી કામે લાગી જાઓ. જાત ઘસી કાઢો… પરંતુ મહેરબાની કરીને તકની રાહ જોઇને બેસી ન રહો.”

●કૅરી પૅકર (ઓસ્ટ્રેલિયા)

“એક સારા સમાચાર: દાનવનું અસ્તિત્વ નથી. એક ખરાબ સમાચાર: સ્વર્ગ પણ નથી. તેથી, જે છે એ અહીં જ છે, મજા કરો!”

●બિલ ગેટ્સ (અમેરિકા)

“મેં જીવનમાં ખૂબ ઓછી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે જ મારી સફળતાનું સાચું રહસ્ય છે.”

“સારું બનાવતા ન આવડતું હોય તો સારું દેખાય તેવું તો બનાવો!”

“બાળક તરીકે હું ખૂબ સ્વપ્નાં જોતો..કારણ એ, કે હું ખૂબ વાંચતો.”

●ઓપ્રાહ વીન્ફ્રે (અમેરિકા)

“નસીબ એટલે તક સાથેનું મિલન.”

“તમારા ટાંટિયા ખેંચે તેવા માણસોને દૂર જ રાખજો.”
“આગળ વધો. ઠોકર ખાઈ જમીન પર પડો. દુનિયા જમીન પરથી અલગ દેખાશે.”

“એવા લોકોથી વીંટળાયેલા રહો જે તમને આગળ લઈ જઈ શકે.”

“આજ સુધી થયેલ તમામ શોધોમાં સૌથી મહત્ત્વપૂર્ણ શોધ એ છે કે માણસ પોતાની વર્તણુક(સ્વભાવ) બદલે તો તેનું ભવિષ્ય બદલાઈ શકે છે.”

●જ્હોન ટેમ્પલટન (અમેરિકા)

“જો નવું-નવું શીખવાની ઈચ્છા હોય તો કદીયે ઘમંડ ન કરશો.”

●ચાર્લ્સ સાચી (ઈંગ્લેન્ડ)

“ટીકા સહન કરવાની શક્તિ હોય તે જ સફળ થઈ શકે. જો તમારી ટીકા થાય, તો તમે નસીબદાર છો કેમ કે આ બહાને પણ તમારા વિશે વાતો તો થાય છે!”

●મેરી કે ઍશ (અમેરિકા)

“વખાણ રૂપી સેન્ડવીચની વચમાં ટીકારૂપી માવો ભરેલો જ હોય છે, તે ભૂલશો નહીં.”
“ભૂલને વખોડો, માણસને નહીં.”

કોઈના વખાણ કરો તો જાહેરમાં જ કરો. એમાં ખાનગી રાખવા જેવું શું છે?”

●જીમ હેન્સન (અમેરિકા)

“રોજ સવારે હું થોડો સમય ધ્યાન અને ભક્તિમાં ગાળું છું. સુંદર રીતે સવાર શરૂ કરવા માટે આ રીત મને ફાવી ગઈ છે.”

●ડૅબી ફિલ્ડ્ઝ (અમેરિકા)

“તમારી જાતમાં તમને જો વિશ્વાસ હોય, તો મહામાનવ બનવાની જરૂર નથી.”

“હું તો આદુ ખાઈને મંડી જ પડી હતી! રસ્તે જતા લોકોને ઉભા રાખતી,બસોમાં ચડી જતી, બસમાંથી ઉતરતા લોકોને ઉભા રાખતી અને મારાં બિસ્કિટ ધરી દેતી. બધાંને કહેતી, ‘આ બિસ્કિટ ચાખો. મહેરબાની કરીને ચાખો તો ખરા!”

ઉપરનાં તમામ મહાનુભાવો “ધૂળમાંથી જ ગગન સુધી પહોંચ્યા.” મહેનતનું શસ્ત્ર હાથમાં હોય તો ‘અશક્ય’ શબ્દનાં ‘અ’ને આસાનીથી હણી શકાય.

આ અનુભવમાંથી નીચવીને નિકળેલું અમૃત છે, આપણે કોઈની ‘ઝેરોક્સ-કૉપી’ નથી બનવું, પરંતુ આપણને ઉર્જા આપી શકે, આપણને રોજ સવારે ઉઠીએ ત્યારે એનર્જીડ્રિન્ક આપી શકે એવા સારાં સારાં બે-ત્રણ વિચારો  જો કાયમી માટે હૃદયના ખિસ્સામાં રહી જાઈ તો સત્ય માનો કે, “આવતીકાલ અલગ હશે, રોમાંચક હશે અને આવતીકાલ આપણી હશે, પોતાની માત્ર પોતાની જ.”

આ આર્ટિકલ સૌને વિચારોની પરિક્રમાની પ્રસાદી ભેટ. જો આમાંથી એક વિચાર પણ નિયમિત બની ગયો તો પરિક્રમા લેખે લાગી.

લાસ્ટ વિકેટ🏏

“न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।” જ્ઞાનથી વધુ પવિત્ર કંઈ છે જ નહીં. પૈસાનું અસ્તિત્વ પણ જ્ઞાનની ખોજ છે. (શ્રીમદ્દ ભગવદ્ગીતા)

– જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ, અમરેલી)
૧૯/૧૧/૨૦૧૮)

Leave a Reply

avatar
  Subscribe  
Notify of