પતા હૈ ઉસ થપ્પડ સે ક્યા હુઆ ??
“ઉસ એક થપ્પડ સે ના મુજે સારી અનફેર ચીઝે સાફ સાફ દિખને લગી જીસકો મેં અનદેખા કરકે move on કરતી જા રહી થી…”
ભારતમાં સૌથી વધુ ફિલ્મો “મેરેજ લાઈફ” પર બને છે અને બનતાં રહેશે. કારણ કે, ‘હર ઘર મેં બહુત સી કહાની હૈ…’
સામાજિક પ્રશ્નોને અવાજ આપવાનું કામ ડાયરેકટર અનુભવ સિંહાએ હાથમાં લીધું છે. મુલ્ક, આર્ટિકલ 15 અને હવે થપ્પડ. એમની ફિલ્મો સ્ક્રીન પર શાંત લાગે પરંતુ સમાજમાં પડઘો જોરથી સંભળાય. ફિલ્મનું નામ જોઈને લાગે કે, આ ફિલ્મમાં થપ્પડ પર થપ્પડ મરાતી હશે પરંતુ એવું કશું નથી. તાપસી પન્નુ હવે આવા સિરિયસ ફિલ્મોની માસ્ટર બની ગઈ. એકદમ એફર્ટ-લેસ એક્ટિંગ.
લાગણીઓને આબેહૂબ દર્શાવતું આ ફિલ્મ ખરેખર જોવા જેવું છે. નથી મારધાડ કે નથી ખોટો મસાલો. નથી કોઈ ઉગ્ર દ્રશ્યો કે નથી કોઈ જબરો વિરોધ. ‘ઘરની વાતો ઘરમાં જ રહેવી જોઈએ’ એ વાતને અહીં વધુ મહત્ત્વ આપ્યું છે. કોઈ મોટો હોબાળો નહિ છતાં કોઈ ત્રાસ પણ સહન નહિ કરવાનો. આ ફિલ્મની ખાસિયત છે કે, બધા પાત્રને ન્યાયિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. માત્ર અમૃતા(તાપસી)ની ચારે તરફ ચાલતું આ ફિલ્મ નથી. અને માત્ર પત્નિની વાહ વાહ કરતું પણ ફિલ્મ નથી. બધાની માનસિકતાને ઊંડાણથી વાંચવામાં આવી છે.
‛ઘર હોય તો વાસણ ખખડે’ એ વાત બરાબર પરંતુ ‛ઘર હોય તો મારપીટ થાય’ એ તો સ્વીકાર્ય ન જ હોય. લગ્નજીવનમાં મારપીટનું ક્યારેય સ્થાન હોતું નથી. ન જ હોવું જોઈએ. મારે અહીં લખવું ન જોઈએ પરંતુ સત્ય છે એટલે લખું છું, ‘પોતાના માતા-પિતાનું નામ સાચવવા ઘણી દીકરીઓ સાસરે ખૂબ માર સહન કરે છે. કર્યો છે.’ વાત-વાતમાં પતિઓને હાથ ઉપાડતાં જોયા છે. એનો અર્થ એવો નથી કે આ વાત માત્ર પતિઓને જ લાગુ પડે. કોઈપણ વાત હોય તો એમાં સ્ત્રી-પુરુષ બંનેનો સમાવેશ હોય છે. પરંતુ લગ્ન સાચવવા માર ખાતી સ્ત્રીઓનું જીવન આ ફિલ્મની સ્ટોરી છે.
નારાજગી, નાકામયાબી, ગુસ્સો, નશો, અફેર, કંટાળો વગેરે ઉગ્ર લાગણીઓ ઘરમાં ‘થપ્પડ’નું રૂપ લે છે. અને એ એક થપ્પડ આખા ઘરનું હવામાન ખરાબ કરે છે. ઘરની બહારની કાયરતા છુપાવવા ઘરમાં વીરતા દેખાડો એ ક્યાંની મર્દાનગી??
ફિલ્મમાં છ અલગ-અલગ સ્ત્રીની વાર્તા છે. ઘરમાં કામ કરતી બાઈ થી લઈને અમીરાઈની શેઠાણી સુધીની સ્ત્રીઓને અહીં ખૂબ-ખૂબ સારી રીતે બતાવી છે. અને પુરુષોની વાતને પણ ન્યાય આપ્યો છે. તાપસી પન્નુ આ ફિલ્મમાં હાઉસવાઈફની ભૂમિકામાં છે. એક એવી વાઈફ જે ક્ષણે ક્ષણે ઘરને સાચવે છે અને પતિની કામયાબીમાં જ પોતાની ખુશી માને છે. બધું બરાબર ચાલતું હોય છે. અમૃતા અને વિક્રમ બંને મજાની લાઈફ જીવતા હોય છે. જો ફિલ્મને ઊંડાણથી જોતા કે સમજતા આવડે તો તમે ઘણું જાણી શકશો. અને ડાયરેક્ટરના વખાણ પણ કરશો. સવારે વિક્રમને ઉઠાડવાના દૃશ્યો, છાપાવાળાનું રોજ આવવું, ઘરે કામ કરવા આવતી બાઈ અને તેની પર્સનલ લાઈફમાં મળતો દરરોજનો માર, પડોશમાં રહેતી દિયા મિર્ઝા અને તેની લાઈફ, વકીલની કામયાબી અને એમની લાઈફના પ્રશ્નો. અરે બધા પાત્રોને એ રીતે લખ્યાં કે જાણે બધા લીડ રોલમાં જ હોય.
અમૃતા જ્યારે સાસરું છોડી થોડા દિવસ પોતાના ઘરે ચાલી જાય છે અને ત્યાં જે રીતે એમના પિતા આવકારે છે. એ સંવાદ આ ફિલ્મનો પ્રાણ છે. જો કે એક સ્માર્ટ અને સેન્સેટિવ પપ્પા બતાવ્યા છે. એ પાત્ર તમને ગમી જ જશે. બધી સ્થિતિને નીરખી પારખીને ઉકેલે. અમૃતાના માતા-પિતા બંનેને બારીકાઈથી ફિલ્મમાં ઉપસાવ્યા છે. પોતાના શોખને મારીને જે સ્ત્રીઓ સાસરે રહે છે એ સ્ત્રીઓની મનોદશા દર્શાવી છે. એક સ્ત્રીને સાસરે શું જોઈએ?? જવાબ છે, “સન્માન” અને “પોતાપણું”
ભલે થપ્પડ ઈરાદાથી ન મારી હોય પરંતુ એ થપ્પડથી તિરાડ જરૂર પડે છે. તમે જેને 24 કલાક વ્હાલ કરતા હોય, જેના હાથનો સ્પર્શ તમને પોતાપણાનો અનુભવ કરાવતા હોય એ જ હાથ થપ્પડ લગાવે ત્યારે….
આ ફિલ્મ અચૂક જોવા જેવું છે. સમાજને ક્યાંક ને ક્યાંક આ વાત આંખે ચોટશે. મજબૂતમાં મજબૂત સંબંધને તોડવા એક થપ્પડ જવાબદાર બની જતી હોય છે. લગભગ બધી રીતે કટાક્ષ અને બધાના જવાબો પણ ફિલ્મમાં છે. હવે સમય બદલાયો તો દીકરીને અપાતી શિખામણ પણ બદલાવી જોઈએ. “ગમે તે થાય સાસરે બધું સહન કરી લેવું…” આ એક વાક્યએ ઘણાંની જિંદગી કેદખાનું બનાવી છે. હવે કોઈ સહન ન કરે.. ન કરવું જોઈએ..
આ ફિલ્મ જોવા કરતા સમજવા જેવી છે… ઘરની રોજબરોજની જિંદગીને હૂબહૂ બતાવવાનો પ્રયાસ જબરદસ્ત છે. મેળ આવે તો જોઈ જ લો… અહીં લખ્યું એના કરતા ઘણું બધું ફિલ્મમાં તમને મળશે…
ફિલ્મમાં માત્ર સવાલો નથી… સાથે જવાબો પણ છે. દરેક વખતે હોબાળો કરવો જરૂરી નથી હોતો. આ રીતે પણ ફિલ્મો બની શકે. કોઈ મોટા વિરોધ સુધી આ ફિલ્મને લઈ નથી ગયા એ ગમ્યું. ઘરની વાત ઘરમાં…
ચાહે જો ભી હો.. લેકિન ઉસકા જવાબ ‘થપ્પડ’ તો નહિ હોતા..
– જયદેવ પુરોહિત Jp
06/03/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી