Blog

SUPER 30 : ગરીબીમાં કોહિનૂર છે

KBC માં અમિતાભ બચ્ચને આનંદ કુમારને બોલાવી એમનું સન્માન કરેલું. ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે, હવે ફિલ્મ બનશે. કેમ કે બાયોગ્રાફી ફિલ્મની ફેશન ચાલે છે, અને એ ચાલે પણ છે. 

ફિલ્મમાં દમ છે. મોટિવેશન ભરપૂર છે. નાની નાની બાબતો હૃદય સ્પર્શી જાય એવી વર્ણવી છે. અને આમ પણ ઇમોશનલ ફિલ્મો હિટ જ હોય છે. કેમ કે, જે આંખ ભીની કરી આપે એ વ્યક્તિ આપણને ગમી જાય છે. પ્રેમ હોય કે જીવન, ભીની આંખ ચુંબકનું કામ કરે છે…!!

સ્ટોરી સીધી સાદી અને સિમ્પલ છે. પટનામાં રહેતો આનંદ કુમાર.(હૃતિક રોશન) ગણિતમાં પાવરધો, એવો પાવરધો કે એમનું સ્ટેજ પર સન્માન થાય તો પણ એમનું ધ્યાન એક ગણિતના પુસ્તક પર જ હોય છે. એવી ભણવાની તાલાવેલી. એમના પિતા ટપાલી, પણ ઉત્સાહિત અને આશાવાદી વ્યક્તિ. આનંદનું શિક્ષામંત્રી(પંકજ ત્રિપાઠી)ના હાથે સન્માન, એમનું આર્થિક સહાય કરવાનું એલાન, એજ સમયે આનંદનું કૈમ્બરીઝ યુનિવર્સિટીમાં એડમિશન.ત્યારે જ આનંદના પિતાજી સરકારી દફતરમાં ઊભીને ડાયલોગ્સ બોલે છે કે,

“અબ રાજા કા બેટા રાજા નહિ બનેગા, 

રાજા વો હી બનેગા જો હકદાર હોગા”

અને પછી આખું ફિલ્મ આ ડાયલોગ્સને યથાર્થ કરવામાં લાગી જાય છે. 

નેતાગીરીના વચનોને અહીં સારી રીતે તમાચો માર્યો છે. એડમિશન લેટર આવે છે પરંતુ ભણવા જઈ શકતો નથી, કારણ કે પૈસા…!! મંત્રીનું બોલીને ફરી જવું ભારે પડે છે. પિતાની ગરીબી ખાતર એ ગામમાં પાપડ વેચે છે. રસ્તામાં લલન સિંહ મળે, જે એક્સીલેન્સ ટ્યુશન ક્લાસના ‘વેપારી’ હોય છે અને એમાં મંત્રીજીનો પણ ભાગ હોય છે. આવું ચારેતરફ આજે પણ ચાલે છે. 

એ ટ્યુશન ક્લાસમાં સર બનાવીને આનંદ કુમારને ફેમસ બનાવે છે. પણ હૃદયમાં રહેલી સારપ કયારેક તો જાગે જ છે. એહસાસ થાય કે સાચી શિક્ષાની જરૂર તો એવા લોકોને છે જેને ઘરમાં ખાવા અન્ન નથી અને રહેવા ઘર પણ નથી. સાચા અર્થમાં ગરીબી. 

હવે શરૂ થાય છે super 30. અહીં પહોંચતા પહોંચતા ખાસો સમય લાગી જાય છે. Super 30 શરૂ તો કર્યું એ પણ મફતમાં શિક્ષણ. સાથે રહેવાનું, જમવાનું પણ. પ્રણવ કુમાર એમના ભાઈએ પણ ખૂબ મદદ કરી. બધું હતું બસ, પૈસા નહોતા. કયારેક જમ્યા વિના પણ સ્ટુડન્ટને સૂવું પડતું. પણ ભણવાની ધગશ એમનાથી ઉપર હતી. 

આનંદ કુમાર રીતુનામની છોકરીને પ્રેમ કરતો હોય પણ પરિસ્થિતિ એક થવા દેતી નથી અને આનંદ જ સામેથી કહે છે કે તું મને છોડી દે. કેમ કે આનંદના જીવનમાં “ગણિત”થી મોટું કોઈ નહિ.

પછી તો લલનસિંહ ઘણી ચાલ ચાલે કે આનંદ કુમાર ફરી આવી જાય ટ્યુશનમાં પણ જેને પૈસાનો મોહ ન હોય એ વ્યક્તિને તમે કયારેય જીતી ન શકો. શિક્ષણમાં ચાલતી પોલિટિક્સ સારી બતાવી છે. હજી થોડા વધુ કટાક્ષ મારી શક્યા હોત. 

અંતે આનંદ કુમારને મારી નાખવા ગુંડાઓનું આવવું, super 30 સ્ટુડન્ટ્સના તેજ દિમાગથી ગુંડાઓને ભટકાવવા, અને અંતે 30 એ 30 વિદ્યાર્થીઓનું iit માં પાસ થઈ જવું. ખરેખર અંદર ધ્રુજારી થથરાવે એવું છે. યે થા ફિલ્મ.

ફિલ્મનું મ્યુઝિક મસ્ત છે. અને ગીતો પણ સરસ લખ્યા છે. અને અંગ્રેજી શીખવા વાળું ગીત સાચે જ મજેદાર છે. બસંતી…!!

અભિનય શાખા

હૃતિક રોશનની બોલી અને દેખાવ આનંદ કુમાર સાથે મેચ નથી થતો પણ ચાલે એવો છે. મૃણાલ ઠાકુર(રીતુ) બહુ નાનો રોલ પણ નિભાવ્યો છે. બાકી, પંકજ ત્રિપાઠીનો અભિનય તો માણવાની મજા જ અલગ છે.

ડાયરેકટર વિકાસ બહલ. આ ફીલ્મથી નામના મળી જશે, કેમ કે એક ઇમોશનલ સ્ટોરીને સારો એવો ન્યાય આપ્યો છે. ઘણા સીન સુપર્બ છે. અને લોકેશન પણ એકદમ રિયલ લાગે એવા છે. ગરીબી દેખાડવામાં સફળ રહ્યા.

આ ફિલ્મ હજારો વિદ્યાર્થીઓને ભણતા અને ખુરશી તોડ બેઠેલાં શિક્ષકોને ભણાવતા શીખવે તો સારું. અને એક બે શિક્ષક પણ જો પોલિટિક્સ છોડી નિયતથી ભણાવવા લાગે તો ફિલ્મ સાર્થક છે.

જો તમે ગણિતપ્રેમી હોય તો ફિલ્મ અવશ્ય જોવું. જો તમે એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ફિલ્મ જોવું. મહેનત કોને કહેવાય ને ધગશ કોને કહેવાય એ ફિલ્મમાંથી શીખી ગયા તો, સમજો તમે જીતી ગયા. 

શિક્ષણ ભ્રષ્ટ કરવામાં એજ લોકોનો હાથ છે જે લોકો શિક્ષણને ચલાવે છે. અને એ સુધરવાના નથી. પણ આમ લોકોમાં જાગૃતિ આવવી જોઈએ. અત્યારે લોકો ટ્યુશનમાં લાખો રૂપિયા ઉડાવે છે. અને ટ્યુશની શિક્ષકો ઘરબેઠા લાખો કમાય છે. છતાં બેરોજગારી ઘટતી નથી. અજબ છે નહિ…!!

ફિલ્મ જોવું જોઈએ, જીવનને જોવાની અને કદાચ જીવનને જીવવાની નજર બદલાય જાય એવું પણ બને. જીવનથી શિકાયતો ઓછી થઈ જાય એવું પણ બને.

બાકી, ગરીબી હજારો કોહિનૂર છુપાવીને બેઠી છે. કોઈક શોધનાર જોઈએ. કોઈક આનંદ કુમાર જાગે….!!

– જયદેવ પુરોહિત

19/07/2019, SANJOG NEWS

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x