HAPPY BIRTHDAY “ઠાકુર”
07/05/1861
અવરોધો ભારે દુર્ગમ છે અને એ તોડતાં મારું હૃદય પીડાય છે. એકમાત્ર મુક્તિ માટેની જ મારી ઝંખના છે, પરંતુ એની આશા કરતાં હું લજ્જા અનુભવું છું. હું જાણું છું કે તારામાં રહેલ સંપદા અમૂલ્ય છે; અને તું મારો ઉત્તમ મિત્ર છે, એ પણ સમજું છું. પરંતુ મારા ઓરડામાં ખડકાયેલ તુચ્છ ચીજવસ્તુઓના ઢગલાને ફેંકી દેવાની મારામાં હામ નથી.
હું જેનાથી વીંટળાયેલો છું એ આવરણ ધૂળ અને મૃત્યુનું છે. એને હું ધિક્કારું છું છતાં પણ પ્રેમપૂર્વક એને હું વળગી રહ્યો છું. ભારે કરજમાં ડૂબેલો છું, મારી નિષ્ફળતાઓ પણ અનેક છે, ભારે લજ્જિત છું; અને છતાં મારા જ ભલા માટેની અરજ લઈ તારી પાસે આવું છું ત્યારે હું એવા ભયથી કંપું છું કે રખેને તું મારી અરજ માન્ય કરે ! ” (ગીતાંજલિ, કાવ્યસંગ્રહમાંથી )
આ અદ્વિતીય કાવ્યનાં જનેતા કોલકતામાં જન્મેલા “રવીન્દ્રનાથ ઠાકુર(ટાગોર)” છે. બંગાળના બ્રાહ્મણો માટે ‘ઠાકુર’ પ્રતિષ્ઠિત અને પ્રચલિત સંબોધન છે, સમયજતાં એમની અટક બની. આજે એમનો જન્મદિવસ, ઈચ્છા તો કેક કાપવાની થાય પરંતુ કેક એમની લોકચાહના સામે ટૂંકી ઉતરે. આવો આજે વંદનીય વ્યક્તિત્વથી ‘સ્પીક ટાઈમ’ને પાવન કરીએ.
“ટાગોર તારા ‘ટેલેન્ટ’ હજાર..ક્યાં નામે સંબોધુ તને..”
મન-અધિનાયક, ભારત ભાગ્યવિધાતા, તવ શુભ નામે ગાહે, સ્વતંત્રતાનાં ઘડવૈયા એટલે “રવીબાબુ”.(હુલામણું નામ).
ગર્ભશ્રીમંતની સાથે ‘શ્રી’ અને ‘સરસ્વતી’ની કૃપાદૃષ્ટિ વારસામાં મળી એટલે ‘ગુરુદેવ’ થવાનું નક્કી હતું. એમની મહાનતા સાબિત કરતી એક વાત એ કે, “ટાગોરે સરસ્વતીની ઉપાસના ‘શ્રી’થી કરી એટલે શબ્દો જ એમની ઓળખ બની ગઈ.”
સાત વર્ષની સામાન્ય વયે કાવ્યો લખવાનું શરૂ કર્યું. સ્કૂલટાઇમમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા કરતાં તેમને કાવ્યલેખન અતિપ્રિય લાગતું. અને આમપણ સંતોષ માતૃભાષામાં જ મળે. ગામડાની જીવનશૈલીમાં મોટા થયા એટલે એમની રચનાઓમાં ‘પ્રકૃતિ’ અગ્રસ્થાને રહી. એક સમયે ‘નદીના કવિ’ તરીકે પ્રચલિત થયાં.
પંદર વર્ષની વયે ‘ભારતી’ સામાયિકમાં કાવ્યો છપાવા લાગ્યાં. ‘કવિકથા’ ‘વનફૂલ’ ‘ગાથા’ અને ૨૦ ગીતો ધરાવતું પુસ્તક “ભાનુસિંહ સંગીત” લખ્યું. આ પુસ્તકે માન મોભો ને નામનાં અપાવી. રાતદિવસ ક્ષણે ક્ષણે વિચારશીલ બન્યાં. અગણિત ગીતો લખ્યાં હશે ટાગોરે.
“ભિખારીની”(ધ બેગર વુમન) બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકીવાર્તા પણ ટાગોરે લખી.
“કાબીલયત હોની ચાહીએ, હકીકત અપને આપ હો જાયેગી.”
સોળે કળાએ પુરા હતાં ટાગોર. ચિત્રકાર, કવિ, સંગીતજ્ઞ,નાટ્યકાર, નવલકથાકાર, અભિનેતા, બિઝનેસમેન. .. કોઈ એવું ક્ષેત્ર નહિ હોય જ્યાં ટાગોર ન પહોંચ્યા હોય. સવાલ એ કે, એક વ્યક્તિ એટલું શીખી શકે?? તો જવાબ છે “હા, શીખી જ શકે જો અંદર નવું શીખવાની અગ્નિ પ્રજ્વલિત હોય તો.
” સંગત એવી રંગત” ફરવાનાં શોખીન અને સાથે વિચારક એટલે જે અનુભવે પ્રવાસમાં, સામાન્ય જીવનમાં, વ્યવહારમાં, લોકોની આંખોમાં, એ બધું કલમથી કંડારે. સમાજને ઉપયોગી થયા કરે. એમનો ભેટો બંગાળી સાહિત્યકાર ‘બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય’ જોડે થયો અને એ મુલાકાત ગાઢ મિત્રતા બની.
ટાગોરે ઘણાં પુસ્તકો, નોવેલ કાવ્યો લખ્યાં પરંતુ ત્રાજવામાં તોલાયને જેને “નોબલ પારિતોષિક” મળ્યું એ છે “ગીતાંજલિ”. ગીતાંજલિ એટલે બંગાળની ગીતા. એક એક કાવ્યોમાં મર્મ છે. તર્ક છે. દ્વૈત-અદ્વૈત છે. આત્મા-પરમાત્મા છે. જીવ-શિવની વાતો છે. વાંચક તરત સમજી શકે એવી ભાષા નથી અને સમજે તો એ વાંચકનો નિજનો અર્થ હોય, ટાગોરની વિચારધારા હિમાલયથી બહુ ઊંચી છે. નોબલ પારિતોષિક જીતનાર પહેલા એશિયન બન્યાં. ભારત દેશને ગૌરવશાળી બનાવ્યું. લગભગ બધી ભાષામાં ગીતાંજલિનો અનુવાદ ઉપલબ્ધ છે. ધૂમકેતુ, નગીનદાસ પારેખ અને મેઘાણી જેવા કવિઓએ ગુજરાતી અનુવાદ કર્યો છે.
“વ્યક્તિ એક, રાષ્ટ્રગીત બે”
વિશ્વનાં એકમાત્ર કવિ જેમનાં ગીતો બે દેશનાં રાષ્ટ્રગીત રૂપે સન્માનિત થયાં હોય. “જન-ગણ-મન” એ ભારતનું અને “અમાર શોનાર”(અમારું સોનાથી બનેલું બંગાળ) એ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત છે. આ ટાગોરની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. બંગાળી સાહિત્યને ટાગોરે હરિયાળું બનાવ્યું છે અને વિશ્વકક્ષાએ સ્થાપ્યું છે.
“બંગાળી સાહિત્ય અને બંગાળી સંગીતમાં આજે પણ ટાગોર જીવંત છે” ટાગોરનું સંગીત કોલકત્તાની પહેચાન છે. એમને લખેલી સંગીતરચનાઓ માંથી “સંધ્યા-સંગીત”(૧૮૮૭) ખૂબ પ્રચલિત છે.
ટાગોરે દેશની આઝાદી માટે પણ કલમ ચલાવી છે અને લોકોનાં અવાજને વાચા પણ આપી છે. ગાંધીજી અને આંબેડકરને સંધિ કરવામાં ટાગોરની મહત્વની ભૂમિકા હતી. “જોડે એ મહાન, તોડતાં તો સૌને આવડે”. સર્વગુણસંપન્ન કહી શકાય એવું જીવન જીવ્યાં છે.
ટાગોરે એટલું લખ્યું છે કે આપણું એક જીવન ટૂંકું પડે વાંચવામાં. એમની ધીરજ , કલમ પ્રત્યે નિષ્ઠા અને સમાજપ્રત્યેની ગંભીરતા શીખવા જેવી છે.
“શાંતિનિકેતન”(વિશ્વભારતી) સંસ્થાની સ્થાપના ટાગોરે કરી. જે આજે પણ કાર્યરત છે. લખવાની ઇચ્છા બહુ છે પણ શબ્દોની મર્યાદાને માન આપી ટાગોરવાણીને અહીંયા અલ્પવિરામ મુકું છું.
બંગાળી જગતમાં તેમની પૂણ્યતિથીએ લાખો લોકો મૌન રાખે છે.
“ટાગોર ગયાં પણ ટાગોરપણું હજી ધબકે છે.”
લાસ્ટ વિકેટ
જે ગીત ગાવા માટે હું આવ્યો છું એ ગીત તો આજદિન સુધી ગાઈ શક્યો જ નહિ.(સર રવીન્દ્રનાથ ટાગોર)
- જયદેવ પુરોહિત