Blog

રોક શકો તો રોક લો

ટ્રાફિક પોલીસને જોઈને જે ઘાંઘાવાંઘા થઈ જતા, બ્રેક મારવી કે લીવર દેવું એ ગતાગમમાં ગૂંચવાઈ જતા એ બધાએ દેશને સલાહ આપી હતી કે આમ કરી નાખો ને ફલાણું કરી નાખો. એટલા મેસેજ ફોરવર્ડ કર્યા કે જાણે મેસેજથી જ પાકિસ્તાન ઘૂંટણિયે થઈ જશે. જે જ્વાળા ફાટી એ બધી અહીંયા જ ઓકાતી, એટલે દેશમાં જ ગુસ્સો ફોરવર્ડ થતો.

પરીક્ષામાં પાસિંગ માર્ક લેવામાં હાંફી જતા હોય એવા મેનેજમેન્ટના માસ્ટરો દેશને આંગળી ચીંધવા લાગેલા કે ‘આ રસ્તો અપનાવો..’ હકીકતે આતંકવાદની સાથે મેસેજીસમાં ફેલાતો ત્રાસવાદ પણ નાબૂદ થવો જોઈએ. ન કુછ દેખા, ન કુછ પઢા, ન કુછ સોચા, બસ આગે ભેજતે રહો…

સારું થયું અંગ્રેજો સમયે મોબાઈલ નહોતા નહીં તો દેશભક્તિ માત્ર મોબાઈલ સ્ક્રીન પર જ ફેલાત. એ સમયે પણ ક્રોધ ગુસ્સો આક્રોશ બધું હતું પણ વિચારધારા અપંગ નહોતી. લોકોમાં ધીરજ હતી, નેતાઓ પણ વિશ્વાસ હતો.

જે દેશે ટેક્નોલોજી વિના, જંગી સેના વિના, ઓછી હિંસા અને વધુ અહિંસાથી આખા દેશને આઝાદ કર્યું હોય એ દેશ શું પાંચ-પચ્ચીસ હરામખોરોને ન પકડી શકે. વાતાવરણ તો એવું હતું કે મોદીએ જાહેરાત કરી હોય કે, “શું કરવું ને શું નહીં, અમારી પાસે કોઈ પ્લાન નથી, પ્લીઝ અમને ગાઈડ લાઇન આપો…”

 

 

કહેનારા લડવા જવાના નથી અને દેશ એમને મોકલશે પણ નહીં. દેશ માટે પણ એજ ભલાઈ છે. આપણે બધી બાબતમાં આટલાં આક્રમક કેમ થઈ જઈએ?? દેશના બધા જ નિર્ણયોમાં માથું મારવાનો રોગચાળો ફાટી નીકળ્યો.

આપણે જેમને ચૂંટેલા એમની નિર્ણયશક્તિ પર ભરોસો નથી કે એ આપણા રમકડાં છે. ચાવી આપણે ભરીએ તો જ એ ફરવા જોઈએ.

હકીકતે અત્યારે એક એવી એપ્લિકેશની જરૂર છે કે જેમાં “ફેક મેસેજ, ફેક આઈડી, ફેક એકાઉન્ટ વગેરે બાબત ઇન્સ્ટોલ જ ન થાય. વોટ્સએપ હમણાં ફેક મેસેજીસથી છલોછલ છે. કોઈ એક વિચાર્યા વિના સત્ય જાણ્યા વિના મેસેજ બનાવે છે.

બીજો આંખો બંધ કરી આગળ મોકલે છે અને માત્ર પાંચ જ મિનિટમાં એ અત્ર-તત્ર-સર્વત્ર એ મેસેજ જોવા મળે. એમાનો એક સમજદાર વર્ગ પણ છે જે આવા મેસેજ કોઈને ફોરવર્ડ કરતા જ નથી.

વોટ્સએપ એપ્લિકેશન પણ ઘણા પ્રયાસો કરે છે ફેક મેસેજીસથી લોકોને બચાવવાના. દેશમાં મેસેજ ફોરવર્ડ પદ્ધતિથી અશાંતિ ફેલાવી સાવ સરળ છે. થોડા દિવસોમાં એજ થયું. એક આખો એવો સમાજ બની ગયો જેને સોશિયલ મીડિયામાં ત્રાસ પ્રસારી દીધો.

 

 

સોશિયલ મીડિયામાં કોઈપણ વ્યક્તિને દોષિત સાબિત કરી શકાય છે. કોઈપણ વ્યક્તિને ગુનેગાર બનાવી શકાય છે. કોઈ બોલે કઈક, લોકો અર્થઘટન પોતાનું ધાર્યું કરે, અને એડિટ કરી, કઈક નવું મેરવણ ઉમેરી મીડિયામાં વહેતું કરે.

કોઈપણ વીડિયોને એ રીતે એડીટ કરવામાં આવે છે કે કંઇક અલગ જ બનાવી દેવામાં આવે. ને પછી એમને બદનામ કરવામાં આવે છે. અને આપણે હસતાં હસતાં આગળ ફોરવર્ડ પણ કરીએ.

સોશિયલ દુનિયામાં આક્રોશ ઠાલવવાનો રિવાજ એ માનસિક અપરિપકવતા દર્શાવે છે. આ માનસિક બીમારી ખરેખર રોકવી જોઈએ. કોઈપણ પરિસ્થિતિ પર તાત્કાલિક રિએક્શન આપવાનું બંધ કરવું જોઈએ. સમય પસાર થતા પરિસ્થિતિ આપમેળે સોલ્વ થઈ જતી હોય છે.

પાંચ દિવસ પહેલાનું વાતાવરણ યાદ કરો અને આજે જુઓ તો બધું શાંત થઈ ગયું. બધા પોતાના કામમાં અથવા પોતાની દુનિયામાં મશગુલ થઈ ગયા. હવે દેશ કઈ રીતે આતંકવાદીઓને પકડે એમાં કોઈને રસ નથી. બધા એકસાથે ગુસ્સાની ઉલટી કરે એટલે આખું સોશિયલ મીડિયા ગંધાય છે.

 

 

આપણે શાંતિથી રહી પોતાનું કામ ઈમાનદારીથી કરીએ એ પણ ખરી દેશભાવના જ છે. આપણે આપણા કામ દ્વારા સ્વર્ણિમ ભારતમાં યોગદાન આપીએ એજ દેશમાટે ઉપયોગી છે. ખોટા નકામા અને લોકોને ભડકાવે એવા મેસેજીસ કે વિડિયોઝ ફોરવર્ડ ન કરીએ એ પણ દેશભક્તિ જ છે.

અન્યોના મોબાઈલમાં તાળું નથી મારી શકવાના તો આપણા દ્વારા આ રોગચાળો ન ફેલાઈ એની તકેદારી અવશ્ય આપણે રાખવી જોઈએ.

જો આ રોગચાળો ફેલાતો રહેશે તો ભવિષ્યમાં સોશીયલ મીડિયાના આતંકીઓ વધી જશે. ત્યારે કોઈ એમ નહિ કહે કે, “ઉડાડી દો એમને..”

સુગંધ ફેલાવવામાં સત્યતા પણ ફેલાશે. “જો ફોરવર્ડ કરુંગા, સચ હોગા, સચ કે સિવા કુછ નહિ હોંગા…”

સ્પીક ટાઈમ

રાજા : રાજ્યમાં શું ચાલી રહ્યું છે….
પ્રધાન : અંદરોઅંદર લોકોને ભડકાવવાનું….

– જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ – અમરેલી)

2
Leave a Reply

avatar
1 Comment threads
1 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
jaydev-purohitVivek padhiyar Recent comment authors
  Subscribe  
newest oldest
Notify of
Vivek padhiyar
Guest
Vivek padhiyar

સાચી વાત છે ભાઈ👍