આપણે જીવવાથી ડરીએ છીએ. આપણે સમસ્યાઓથી ડરીએ છીએ. અરે, સમસ્યાઓની કલ્પના માત્રથી આપણે ધ્રુજી જઈએ છીએ. આપણે આપણી આસપાસ એક સાવ નાની અમથી દુનિયા બનાવીને જીવવા લાગીએ. એ નાની દુનિયામાં ઘણી પેઢીઓ જીવી લે છે. એ દુનિયામાં સમસ્યા નથી, એવું નથી. પરંતુ ત્યાંની સમસ્યાઓથી આપણે ટેવાઈ ગયા છીએ. આપણા વડીલો પણ ટેવાયેલા છે માટે તે આપણને એ જ રસ્તે ચાલવા આગ્રહ કરતાં રહે છે. એ સમસ્યાઓનું સમાધાન આપણા વડીલો પાસે છે એટલે જ એ આપણને વારસામાં પોતાનું જ કામ આપવાનો આગ્રહ કરતાં હોય છે. એક નાની અમથી દુકાન કે એક નાની લારીમાં ઘણી પેઢીઓ જીવી ચૂકી હોય છે. આમ, તો માત્ર જીવન વિતાવ્યું કહી શકાય. જીવવું એટલે તો તરફડવું, તડપવું, તરવરવું થાય. આમ, સેફ લાઈફમાં રહી તમે જીવન જીવ્યા એવું ન કહી શકો. એ તો માત્ર અનુસર્યા કહેવાય.
આપણી પાસે બહારની દુનિયાનો અનુભવ નથી માટે આપણે લોકોને ડરાવીએ છીએ. કંઈક નવું કરતાં અટકાવીએ છીએ. અને એ હદે ડરાવીએ છીએ કે પિંજરાના પંખીને પોતાની દુનિયા જ યોગ્ય લાગવા લાગે. આપણે સુરક્ષિત થવા માંગીએ છીએ માટે જ સરકારી નોકરીની ડિમાન્ડ વધી છે. સુરક્ષા પિંજરામાં હોય ખુલ્લા આકાશમાં સુરક્ષા નથી હોતી. ત્યાં તો બસ, ઝઝૂમવાનો આનંદ હોય. થોડી વાર આકાશને ચાહ્યાનો હરખ હોય. અને પોતાના બળે થોડે ઊંચે ઊડવાનો સંતોષ હોય. ગજબ કહેવાય નહીં – “આપણે મરવાથી નથી ડરતાં પરંતુ કંઈક નવું કરવાથી કંપી જઈએ છીએ, અને સાથે બીજાને પણ ભ્રમિત કરીએ છીએ.”
ચોમાસાનો સમય હતો. દીવાલની આડશમાં પથ્થરોમાં છુપાઈને એક નાનું ઘાસનું ફૂલ જીવતું હતું. તોફાનો આવે કે ત્સુનામી આવે પરંતુ એના પર કોઈ અસર ન થતી. પથ્થરોની ઢાલ હતી. સૂરજનો તાપ પણ ત્યાં સુધી તપાવી શકતો નહીં. ધોધમાર વરસાદ પણ એમને નીચે નહોતો પાડી શકતો. એ ફૂલ એકદમ સુરક્ષિત હતું. અને વર્ષોથી એમની પેઢી એ જ રીતે જીવતી આવી છે. એ દીવાલની નીચે જ એક ગુલાબનો છોડ. કોઈ કવચ નહીં કે ન કોઈ ફરતે દીવાલ. તેમાં પણ મહેકદાર ગુલાબો ખીલતા અને ખરતાં. સૂરજનાં તાપથી ક્યારેક બળી જતાં તો તોફાની વરસાદમાં ગુલાબનાં મૂળિયાં ઊખડી જતાં. અને કોઈવાર તો હજી ખીલે ન ખીલે ત્યાં કોઈક આવી તોડી જતું. ઘાસનું ફૂલ ઉપરથી આ બધું રોજ નિહાળતું.
એક દિવસે ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી કે, “ હું ક્યાં સુધી ઘાસનું ફૂલ રહીશ. આમ, એક જ બિંબામાં રહ્યા કરીશ. મારા પર જરા પણ કૃપા હોય તો મને ગુલાબ બનાવી દે..” ભગવાને એ ફૂલને ખૂબ સમજાવ્યું કે તું એ માથાકૂટમાં ન પડ. ગુલાબ બનવામાં હજાર તકલીફો છે. કોણ ક્યારે અને ક્યાં કારણથી તોડી જશે ખબર પણ નહીં રહે. શું ખીલ્યો ને શું ખર્યો. તું એ જંજાળમાં ન પડ તો જ સારું. તું જ્યાં છે એ સુરક્ષિત છે. ત્યાં વળી આસપાસના ઘાસના ફૂલો પણ બોલ્યાં, “આ પહેલાં પણ આપણા કેટલાક પૂર્વજો આ ગાંડપણમાં ફસાયા હતાં એની ગાથાઓ અમે સાંભળી છે, પછી ભારે મુસીબતો આવે છે. આપણે જ્યાં છીએ, ત્યાં મજામાં છીએ.” પણ ઘાસનું ફૂલ ન માન્યું. એને તો સૂરજ સાથે વાતો કરવી હતી અને વરસાદમાં ભીંજાવું હતું. તોફાનોને નજીકથી જોવા હતાં અને ખુલ્લાં આકાશમાં ભમવું હતું.
અંતે ભગવાને વરદાન આપી દીધું અને સવારે એ ગુલાબનું ફૂલ બની ગયું. એ નવો સૂરજ હજારો મુશ્કેલીઓ લઈને ઉગ્યો. જોરથી પવન ફૂંકાયો, એ ગુલાબનાં રુંવાડા ઊખડવા લાગ્યાં. જેમ તેમ કરી સ્થિર થયું. બપોર થતાં સુરજ વધુ ગરમ થયો. એ ખીલેલું ગુલાબનું ફૂલ ધીમે ધીમે કરમાવા લાગ્યું. આસપાસનાં ઘાસના ફૂલો કહેવા લાગ્યાં, “ જોયું પાગલ… આવીને મુશ્કેલીઓ..” પરંતુ પેલું ગુલાબનું ફૂલ સાંભળે તો ને!! સાંજ થતાં વરસાદ આવ્યો અને ગુલાબની પાંખડીઓ જમીન પર વિખેરાઈ ગઈ. એટલે કે, એ ગુલાબ હવે તૂટીને નીચે પડી ગયું. એટલે તરત બધા ઘાસના ફૂલો કહેવા લાગ્યાં “ અમે તો કહ્યું જ હતું પાગલ, નકામી જિંદગી ખોઈ, હાથે કરી નવી તકલીફો લીધી. આપણી જૂની સુવિધા હતી એ સારી હતી. માની લીધું કે મુશ્કેલીઓ તેમાં પણ હતી. પરંતુ આપણે બધાં એનાથી ટેવાઈ ગયા હતા, પરિચિત હતાં. સાથે સાથે જીવતાં. બધું બરોબર હતું.”
મરતા ગુલાબનાં ફૂલે ઉત્તર વાળ્યો કે, “ અણસમજુ લોકો, હું તમને હજી એ જ કહીશ કે જિંદગી ભર દીવાલમાં ભરાઈને રહેવા કરતા ચોવીસ કલાકને માટે ગુલાબ બની જીવવું બહુ આનંદપૂર્ણ છે. મેં મારું અસ્તિત્વ પામી લીધું, મેં તોફાનો સામે લડી લીધું, મેં સૂરજને મળી લીધું, મેં હવા સાથે તરફડી લીધું, મેં વરસાદ જોડે તરવરી લીધું, હું એમનમ જ નથી મરતું, હું જીવીને મરું છું. તમે મરીને જીવો છો. આમ, એક જ બિંબામાં કેટલી પેઢીઓને સાચવશો. ”
ડર માણસને જીવતાં રોકે છે. એમ કહો કે, પકડીને પછાડે છે. ડરીએ છીએ એટલે ડરાવે છે. ડરને ડરવું પડે એવું કંઈક કરવું જરૂરી છે જો નવી મુશ્કેલીઓને ભેટવું હોય તો. બાકી, જે છે એમાં જ મરવાનાં.
કોણે ખરા અર્થમાં જીવન જીવ્યું? દીવાલોમાં ભરાઈને જીવતાં ઘાસના ફૂલો કે ઝઝૂમીને જીવેલું ગુલાબનું ફૂલ ??
ટીક ટૉક
ગઇકાલની સમસ્યા કરતાં આજની સમસ્યા વધુ બહેતર હોવી જોઈએ.
– જયદેવ પુરોહિત
08/01/2020
સંજોગ ન્યૂઝ, અમરેલી
Very nice
Thank you 💐💐