Blog

મારી દુનિયા : હું પહાડોને સેંકડો રીતે રંગતો રહ્યો…

થોડાં દિવસો પહેલાં એક મિત્રના લગ્નમાં ગયો હતો. ત્યાં ફટાણાની લેવડ-દેવડ શરૂ થઈ. એકથી એક ચડિયાતા ફટાણા સંભળાયા. “અણવર કાળા છે, ડોબા છે… વગેરે…વગેરે…” અને બધાં હસતાં હતાં. આ સાંભળી મારા એક મિત્રએ “નિર્દોષ જવાબ” આપ્યો કે, ‘તમે જેવું જુઓ એવા છે…’ અને હવે અમે બધા ખડખડાટ હસી પડ્યા. એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પરંતુ મારી ભીતર એ પ્રસંગ સચવાય ગયો. અને  ચમકારો બની આજે લખાય રહ્યો છે.

‘જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ’ આ કહેવત આપણે લાખો વાર બોલી હશે, સાંભળી હશે અને કોઈકને ચિપકાવી પણ હશે. પરંતુ આ કહેવત માત્ર બોલવા માટે નથી. વાત સાવ સામાન્ય છે.

જો મુજે દિખતા હૈ, વો તુજે ભી દિખે, યે જરૂરી તો નહીં…

વિચારોની વિવિધતા જ દુનિયાને રંગીન બનાવે છે. બાકી, આપણા વિચારો બદલે છે, આપણી જોવાની રીત બદલે છે. વસ્તુ બદલતી નથી. વસ્તુ નિર્જીવ છે. અને આત્મસંતોષને અડીખમ રાખવા માટે નિર્જીવ વસ્તુઓમાં પોઝિટિવ વિચારો પરોવવા ખૂબ જરૂરી બની જાય છે. જો તમે વસ્તુઓ પાસેથી રોજ નવું કંઈક વિચારી શકતાં હોઉં તો માનજો કે તમે વિચારોની વિવિધતાને પામી રહયા છો. વસ્તુ એ જ છે, આપણા વિચારો એને સ્પેશ્યલ બનાવી દે છે. સાયકોલોજી, ફિલોસૂફી એ બધું શું છે??? એ જ છે. વસ્તુનું સજીવારોપણ…

જેમ જેમ તમે નવા પુસ્તકો, નવા લોકો કે નવા વિચારો સાથે જીવતા થઈ જાઉં તેમ તેમ તમારી દૃષ્ટિ બદલાતી જાય. બધા પાસે પોતાની એક અલગ નજર હોય છે અને એ સતત ધબકતી રહે છે. રહેવી જોઈએ. જરૂરી છે. પોતાનું એક આકાશ હોઉં ખૂબ જરૂરી છે. લોકોના હાથમાં ફેંકવા માટે કાદવ તૈયાર  છે. પરંતુ આપણને એમાં કમળ દેખાય જાય તો એ કાદવ આપણું કંઈ બગાડી શકતું નથી. હા, એ કાદવ કાદવ જ રહેશે છતાં આપણને એ ઇફેક્ટ નહિ કરે. કારણ કે આપણી પાસે કાદવને સ્વીકારવાની નવી રીત છે. એ રીત એટલે કાદવને કમળ માનવું.

આપણે કલાકારો, લેખકો, કવિઓ, ચિત્રકારો તરફ તરત ખેંચાઈ જઈએ છીએ કારણ કે એમની પાસે  અલગ નજર છે. પોતાની સ્વતંત્ર નજર છે. એ નજરમાં આપણને ક્યાંક આપણી નજર પણ દેખાય છે માટે આપણે આકર્ષાય જઈએ.

ભીતરથી ખળખળતું રહેવું હોય તો પોતાની અલગ નજર હોવી જરૂરી છે. કોઈપણ ઘટનાને પોતાની નજરથી ત્રાજવામાં મુકશો તો એ ઘટના એવી જ બની જશે જેવી તમે એ ઘટનાને તોલી. હવે સમજાયું હશે કે, ઘણી ઘટનાઓને આપણે નવું રૂપ આપી દેતાં હોય છે. એ અસલમાં એવી હોતી નથી. “અણવર કાળા કે ડોબા હોતા નથી… ” ખબર છે કે ફટાણા હસી મજાક માટે જ હોય છે.

આપણી આંખમાં જેટલું સૌંદર્ય હશે એટલી જ સુંદરતા આપણને મહેસુસ થશે. લૈલા સુંદર હતી એનું કારણ મજનૂની નજર હતી. મજનૂએ જો એ રીતે ન વિચારી હોત તો આજે લૈલા ક્યાંય ન કલ્પાતી હોત. એક ને એક વસ્તુ કે જગ્યા આપણને દરેક વખતે અલગ લાગે. અલગ અનુભવ કરાવે છે.

હિમાલયના પહાડો આપણને દસ કે વીસ મિનિટ સુધી જોવા ગમે પરંતુ ચિત્રકાર નિકોલસ રોરિક ક્યારેય થાક્યો જ નહિ. એનાં ચિત્ર આપ જોઈ આવશો તો આ પહાડો કંઈક જુદું જ કહેતા દેખાશે. છેક રશિયાથી રસ્તા વિના જ એ અહીં હિમાલય પહોંચ્યો હતો ને એ જિંદગીભર અહીં રહી ગયો હતો. હિમાલયે તેને પાગલ કરી દીધો હતો. પાગલ થઈ જવાની એક મજા છે. પાગલ લોકોને કોઈ વાતનું ખોટું ન લાગે. અને દુનિયા એને જ પાગલ કહે છે જેમની પાસે પોતાની સાવ અલગ નજર છે. માટે જ પોતાનામાં ઓતપ્રોત રહેનારાને દુનિયા સમજી શકતી નથી.

નિકોલસ પહાડોને ઘુરતો રહ્યો, જોતો જ રહ્યો, રંગતો રહ્યો અને નવા નવા વિચારોને ચિતરતો રહ્યો. પહાડો સ્થિર છે. પહાડો બદલાતાં નથી પરંતુ નિકોલસની જોવાની રીતો બદલે છે. સેંકડો રીતે આ પહાડોને જોયા હશે. કદી ચમકતી રાતમાં, કદી અમાસમાં, કદી અજવાસમાં, કદી વરસાદમાં, કદી પરછાયમાં, કદી બળતાં તાપમાં, કદી ગુસ્સામાં, કદી પ્રેમમાં, કદી ઉદાસીમાં, કદી ખુશાલીમાં, કદી નિરાશામાં, કદી ઊગતી આશામાં, કદી રંગબેરંગી આંખોમાં, કદી અરંગી ખયાલોમાં, કદી ભીની ઝાકળમાં, કદી સાવ ફિક્કી પાંપણમાં…. બસ, એ જિંદગીભર પહાડોને પોતાના હજારો રંગો વડે રંગતો રહ્યો. પોતા પાસે દુનિયાને જોવાના હજાર રંગો હોવા, એ પ્રભુકૃપા જ જાણવી. લોકો નોંધ લે કે ન લે તમે ખાસ છો. હતાં ને રહેશો. જો તમારી પાસે સેંકડો રીતો છે વસ્તુને પરખવાની, હરખવાની અને હૃદયમાં સાચવી રાખવાની.

પોતાના હજારો રંગો શોધવા ઘૂમ્યા રહો…

ટીક ટૉક

કાંટાને કાંટો જ જોશો તો આ દુનિયા બહુ ખૂંચશે. એને ગુલાબ કહેવાની રીતો શીખી લો… જીવન મહેકતું થઈ જશે.

– જયદેવ પુરોહિત

(કવર ફોટો – નિકોલસે રંગેલું એક ચિત્ર)

29/01/2020

સંજોગ ન્યૂઝ, અમરેલી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x