Blog

પતંગ : બાળકો માટે ઑસ્કર એવોર્ડ

પતંગ એટલે પરાધીનતાની સચોટ નિશાની. ઊંચે ઊંચે આકાશમાં ઊડવું છે પરંતુ જો કોઈ દોર પકડે તો. ગગનને ચુંબવું છે પણ કોઈ ધરતી પર રહી દિશા આપે તો. કોઈ કાગળમાંથી, અબરકમાંથી, કોથળીમાંથી પતંગને જન્માવે છે. જેમ પુત્રનો જન્મ થાય ત્યારે જ પિતાનો પણ જન્મ થયો હોય, તેમ કાગળને પતંગાકાર મળે ત્યારે જ પતંગ નામનું અસ્તિત્વ પ્રગટે છે. અને આખા બાળપણને હસાવી જાણે છે. સમગ્ર વાતાવરણને રંગબેરંગી ચિતરી જાણે છે.

પતંગ એટલે બાળકોનો ઑસ્કાર એવોર્ડ. એક પતંગ લૂંટવાની ખુશી અથવા એક પતંગ કાપવાની ચીસ ‘પ્યોર.. 24 કેરેટનું શુદ્ધ હાસ્ય હોય છે’ લંગર નાખી પકડેલી પતંગ લઈ ઝૂમતા ઝૂમતા ઘરે જવું એ તકને ઝડપી લીધાની ખુશી નથી તો બીજું શું?

જે કાગળ પર બાળકોને લખવામાં કંટાળો આવે એજ કાગળને આકાશમાં લહેરાવવાની તલપ હોય છે. પતંગોત્સવનો તહેવાર એટલે બાળકો માટેની ઓલમ્પિક ગેઇમ્સ. આગલી રાતે તૈયારી કરી રાખવી, રાત્રે ઊંઘ ન આવવી, સૂર્યોદય પહેલા ઉઠી જવું, અને અગાશી પર ઊગી જવું, હવા નથી પતંગ નહીં ચગે જાણ હોવા છતાં ટીચકા મારી-મારી આકાશમાં સ્થિર કરવાની મહેનત કરવી, આ બધી બાબતો જીવન શિક્ષણ નથી તો બીજું શું?

“જીવન મારુ પતંગ જેવું..
ઊડવાનું ઊંચે પરંતુ પહોંચવાનું ક્યાંય નહીં..”

કેટલાયને કાપીને પોતે કપાય જવાનો આનંદ, બીજાની દોરી કટ કરી સેલિબ્રેશન કરવાની આદત, કોઈ કપાય ગયેલ પતંગને આશરો આપવાની મજા અને નવી ખરીદીને પોતાની બનાવવાની તડપ. વારંવાર દોર ફિરકીમાં વીંટવાની મથામણ, વારંવાર નવી શરૂઆત કરી ઊંચે જવાની તરસ, વારંવાર પતંગને સિક્યોર રાખવાની મહેનત, વારંવાર અલગ અલગ પતંગને પામવાની મસ્તી, વારંવાર કોઈ અન્યને ઊંચે ઊંચે લઈ જવાનો પરિશ્રમ … પરોપકાર નથી તો બીજું શું?

પતંગ નામે કવિતા હજારો બની હશે. પતંગને સાહિત્યકારો, મનોવૈજ્ઞાનિકો તો માણસની જીવનસ્થિતિ જ માને છે. માણસનું રૂપક એટલે પતંગ. અને એમાં પણ કપાયેલા નિરાધાર પતંગની મનોદશા શી હશે?

આવો લોકો તમને સંભળાવું વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

લઘરવઘર નામે એક ભાઈની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઈઓ સાથે લઈ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયા ને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮નું પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉં છું કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દૂર કરવા જ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

સાચી વાત છે આપણે અહીંયા કપાતું કોઈ ઔર હોય છે ને નામ બીજાનું ચર્ચાતું હોય છે. આ વ્યંગ કવિતાના વિચારક છે “સાક્ષર ઠક્કર” કપાયેલાં પતંગને પણ રાજીપો અપાવે એવું વર્ણન કર્યું. આજે તો આકાશમાં પતંગોની રંગત થશે, કંઈક કપાશે, કંઈક ચગશે પરંતુ મોજ લૂંટશે માણસ.

પતંગ એ ચંચળતાનું પ્રતીક છે. એમ કહો કે બાળક એજ પતંગ અને પતંગ એજ બાળક. બન્નેનો સ્વભાવ મહદઅંશે સામ્યતા રાખે છે. એટલે જ બાળકોને પતંગ સાથે પ્રીત છે.

પતંગને ઉદાહરણ બનાવી સમજાવાતી જીવનની ફિલસૂફી તો આપણે સમજવાની હોય છે. આપણે વિચારવાની હોય છે. બાળકને તો પતંગની ફિલસૂફીમાં જરા ય રસ નથી. અને હોવો પણ ન જોઈએ. કારણ કે જ્યારથી આપણે કોઈ નિર્જીવ વસ્તુમાં જીવનની પરિભાષા સમજીએ ત્યારથી જ આપણું બાળપણ પૂર્ણવિરામ મૂકે છે. બાળકને સમજાવવાની અવર સ્માર્ટ પ્રોસેસ ન કરવી જોઈએ એના કરતાં એક પતંગ લઈ આપી એમને ચગાવતાં જોવાનો આનંદ માણવો જોઈએ.

રાતે વહેતું મુકવામાં આવતું ફાનસ એ “કપાયેલા પતંગોની શ્રદ્ધાંજલિ” છે. કપાયેલા પક્ષીઓ માટે શાંતિની કેન્ડલ છે. એ ફાનસ પતંગોની પૂર્ણાહુતિ અને સંક્રાતિનો આરંભ છે. વધુ ફિલસુફી વિચાર્યા કરતા ચલો પતંગને પતંગ જ રહેવા દઈએ. અને આકાશના કેન્વાસમાં રંગો ઉછાળીએ.

બધી ચિંતા તરછોડીને.. જાઉં અગાશીએ.. પતંગને માણો.. પતંગ જોડે ઉડાન ભરો….

લાસ્ટ વિકેટ

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…

માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

( રમેશ પારેખ )

– જયદેવ પુરોહિત

14/01/2019,
(સંજોગ ન્યૂઝ – અમરેલી)

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x