“ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પૉલિસી” એટલે કે પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે. વાંચવામાં, સાંભળવામાં અને સન્માન મેળવવામાં આ વાક્ય સોનાનું લાગે. પરંતુ પડદા પાછળનું સત્ય પાણી પર પડછાયા જેવું પણ હોય. વાત છે ઓનેસ્ટીની. પ્રામાણિકતા શબ્દ વ્યક્તિનું ધૈર્ય તપાસે છે. વ્યક્તિએ વ્યક્તિએ પ્રામાણિકતાની વ્યાખ્યા ભિન્ન હશે.
પ્રામાણિક વ્યક્તિઓ પાસે પૈસાના ઢગલા હોતાં નથી. તેમનું જીવન આલીશાન મકાનોમાં નથી જીવાતું. પ્રામાણિકનો બીજો સામાન્ય અર્થ થાય છે ઈમાનદાર. પરંતુ કયારેક આપણને જ આપણી ઈમાનદારી પર ગુસ્સો આવે. કેમ કે, સાચા લોકો બરાડા પાડ્યા રાખે અને અપ્રામાણિક લોકો સુખ-સુવિધાઓ ભોગવ્યા કરે છે. કયારેક તો વિચાર આવતો જ હશે કે, આપણે પૈસાદાર નથી એમની પાછળ છુપાયેલું કારણ આપણી ઈમાનદારી તો નથી ને??
સમાજમાં અપ્રામાણિક લોકો વધું સફળ હશે. તેમની પાસે નામ-કામ રૂપિયા, ઈજ્જત, ભોગવિલાસ લગભગ બધું જ હશે. આપણી આસપાસ જુઠ્ઠા, બેઇમાન, વિશ્વાસઘાતી, લુચ્ચા, અપ્રામાણિક માણસો ખૂબ પૈસા એટલે કે લાખો, કરોડો રૂપિયા કમાઈ ગયા છે અને તમે ઈમાનદાર છો એટલે એમના જેટલા રૂપિયા કમાઈ શક્યા નથી?? માતા-પિતા તરફથી વારસામાં માત્ર ઈમાનદારી જ મળી તેથી ઘણી વાર માતા-પિતાને કોસતાં રહ્યા?? આવા તો અઢળક સવાલો રોજ જન્મતાં હોય છે અને ફરી સારપની સંતોષી ચાદર ઓઢી પોઢી જતાં હોય છે. ઈમાનદાર લોકો પાસે બધાં સવાલોનો એક જ જવાબ હોય છે ‘સંતોષ’ અથવા ‘સમજદારી’.
હવે પ્રશ્ન એ છે કે, તમે પ્રામાણિક છો તો કોનાં માટે ઈમાનદાર છો. માત્ર સમાજમાં તમારા નામની વાહવાહી થાય તે માટે કે પછી સમાજ તમને સ્ટેજ પર બોલાવીને શાલ ઓઢાડે તે માટે. દુનિયાને માટે પ્રામાણિક થવું છે કે આત્મસંતોષ માટે એ નક્કી કરવું આવશ્યક છે. પ્રામાણિકતા એ “સ્લો-મોશન” ઇફેક્ટ છે અને બેઇમાની એ ‘ફાસ્ટ-ફોરવર્ડ’ ઇફેક્ટ છે. જો તમારા નામની વાહવાહી આખું ગામ કરે માત્ર એજ હેતુથી પ્રામાણિક થવાની ઈચ્છા જાગે તો અત્યારે જ એ વિચારને દફનાવી દો. રાતોરાત સફળ થવાની ધૂન લાગી હોય તો પ્રામાણિકતા અપનાવવી એ ‘રોંગ-ચોઇસ’ છે. પ્રામાણિકતા એ આત્મસંતોષનો મુદ્દો છે નહીં કે જાહેરમાં માત્ર સન્માનિત થવાનો.
જો તમારી પાસે ધૈર્યવાન રહેવાની આત્મ-શક્તિ અનંતગણી હોય તો જ તમે પ્રામાણિકતાને પચાવી શકો છો. પ્રામાણિકતામાં પૈસા કરતાં જલસાનું મહત્ત્વ વધુ હોય છે. સન્માન કરતાં સ્વમાનની ખુશી હોય છે. સફળ થવાની ભૂખ કરતાં સતત મહેકતાં રહ્યાનો ઓડકાર અનેરો હોય છે. પ્રામાણિકતા એટલે પગપાળા ચાલી મૃત્યુ સુધી મઘમઘતો જતો મુસાફિર. પ્રામાણિકતા એ આપણી પોતાની ચોઇસ હોવી જોઈએ. અરીસામાં આપણે દરરોજ સારા દેખાયે તે માટે રોજ મેક-અપ કરવો વ્યાજબી ગણાશે?? જો આ રીતે પ્રામાણિકતાનો મેક-અપ કરતાં ફરીએ તો ‘મેક-અપ’નો પણ ભાર લાગશે.
અંગ્રેજીમાં એક કહેવત છે કે કે વર્ચ્યુ ઈઝ ઇટ્સ ઓન રિવોર્ડ. (સદગુણ એ જ ઇનામ છે) પ્રામાણિકતાનું સન્માન જ સદગુણો છે. પ્રામાણિકતા એ ગુહ્ય સદગુણ છે. બાહ્ય દેખાડો કરવાનું કોઈ યંત્ર નથી. અને આજે પ્રામાણિક થવાનું નક્કી કરો અને સાંજે તમને ફળ મળવા લાગે એવું આ ‘ફાસ્ટ-ફૂડ’ નથી. પ્રામાણિકતાની વ્યાખ્યા પૂછવાની ઈચ્છા થાય તો કયારેક એવી મધ્યમવર્ગી માતાઓને પૂછો જેણે પોતાનાં સંતાનોને મોટાં કરી માનવતાવાદી બનાવ્યા છે. પોતાની જવાની સૂકવીને, પોતાના સપનાઓને અભરાઈ પર ચડાવીને, સમાજની લાખો-કરોડો ગાળો ઓગાળીને..
પ્રામાણિકતા એ આપણી પસંદ હોવી એ જ પ્રાથમિકતા છે. અને કોઈપણની પ્રામાણિકતા ૧૦૦ ટકા શુદ્ધ હોતી જ નથી. રેલવેની ટિકિટથી લઈને શાકભાજી ખરીદવાની તરકીબોમાં રીશ્વત બધાં આપતાં જ હોય છે અથવા કયારેક આપવી જ પડતી હોય છે. આતો નિજાનંદ રહેવાની અને આત્મ-સંતોષ મહેસુસ કરવાની વાત છે. પ્રામાણિક રહેવું એ માત્ર આપણી જીવનશૈલી હોવી જોઈએ નહીં કે સમાજમાં સારા માણસોમાં નામ બોલાય એવી લાલસા…
બાકી, સ્લો-મોશનમાં જિંદગી જીવવાની મજા આવતી હોય તો જ પ્રામાણિકતા અડગ રહી શકે બાકી અહીં ‘ફિલ્ટર’ લગાડી જીવનને પેશ કરવાની ફેશન કરોડો કમાઈ રહી છે. હા, ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પૉલિસી પરંતુ એ આપણી ખુશી માટે હોવી જોઈએ નહિ કે બીજાને દઝાડવા…
ટીક ટૉક
દારૂ(આલ્કોહોલ)નું શ્રેષ્ઠ મેં હંમેશાં ચૂસી લીધું છે, પણ મારું શ્રેષ્ઠ દારૂ કયારેય ચૂસી શક્યો નથી. (વિન્સ્ટન ચર્ચિલ)
– જયદેવ પુરોહિત
04/12/2019
સંજોગ ન્યૂઝ, અમરેલી