Blog

ત્રિવેણી અસંગમ : સુખ, સમય ને પૈસા…

સમય, સુખ અને પૈસા એક ગાડામાં સાથે ન બેસી શકે? પૈસા કમાવવામાં ઘણા અવસરોનો સમય જતો રહેતો હોય છે. અથવા પૈસાનો ભાર વધવાથી સુખની પરિભાષા બદલાઈ જતી હોય છે.

જયારે થિંગડા મારેલા કપડાં પહેરીને અંતરથી હસતા ચહેરે ગલીઓમાં રખડતાં ત્યારે વધુ સુખી હતાં કે બ્રાન્ડેડ કપડાં પહેરી કડક ચાલતાં ચાલતાં બજારમાં જઈએ ત્યારે વધુ આનંદ આવે છે? કયો સમય સુખદાયક હતો? આમ તો, બધાનું સુખ અલગ હોય છે. અનુભવવાનું અને દેખાડવાનું બંને…

સમાજને એક સાવ ખોટી માન્યતા મગજમાં ભરાઈ ગઈ છે કે, જે સરકારી કે કોઈપણ નોકરી કરતા હોય અથવા કોઈ બિઝનેસ કરતા હોય એ પૈસાદાર જ હોય. જાણે મહિને આવતો પગાર એમને ક્યારેય વપરાતો જ ન હોય.

“લે.. હવે એને શું તકલીફ હોય.. સરકારી નોકરી તો છે…” આવું કહેનારા ઘરે ઘરે મળી જાય. નોકરી મળી એની ખુશીના પેંડા ખાનારાને નોકરયાતનો દર મહિનાનો મળતો પગાર પચતો નથી. જે વ્યક્તિ બધાને પૈસાથી જ પારખતો હોય ત્યાં બીજી શું અપેક્ષા રાખવી.

હકીકત એવી છે કે પૈસા કમાવવામાં માણસ ઘણું બધું ખોઈ બેસતો હોય છે. જ્યારે પૈસા આવી જાય ત્યારે સમય ફરી યુવાન થતો નથી. આ સત્યતા વર્તમાન જીવનની કરુણતા છે. બધાના જવાબો સમય પાસે છે, પૈસા પાસે નથી…

પ્રેમચંદે એક ટૂંકી વાર્તા લખી જેનું નામ છે ‘બડે ભાઈસાહબ’. તેમાં તેને લખ્યું હતું કે ‘અમે નાના હતા ત્યારે ચોરેલો બરફ ચૂસવાની જે મજા પડી હતી એ આજે પોશ હોટેલમાં બેસીને આઈસ્ક્રીમ ખાવામાં નથી.

પૈસા જરૂરી છે જીવન જીવવા અને સારું જીવન જીવવા પણ…. પરંતુ માત્ર રૂપિયા ભેગા કરવામાં જીવનના અમૂલ્ય વર્ષો જતા રહે એ જરા પણ યોગ્ય નથી. અત્યારે જીવન જીવવાની બધી અવસ્થાઓ ગોટાળે ચડી છે. બાળક જન્મથી જ આ રેસમાં જોડાય ચૂક્યો હોય છે…

K.G, L.K.G ત્રણ વર્ષથી શરૂ કરી દે અને ટ્યુશન કલાસે તો બાળપણને સાવ મારી જ નાખ્યું. હજી તો છોકરો/છોકરી 12 પાસ કરે ત્યાં સરકારી નોકરી મેળવવાનો ભાર માથા પર તૈયાર હોય છે. એટલે જુવાની પણ ગઈ. અને લગ્નજીવન તો અત્યારે દેખાદેખીમાં જ ખતમ થઈ જાય છે.

સુવિધાઓની વ્યાધિમાં નવજાત પ્રેમ બિચારો હાંફતો હોય છે. માંડ માંડ નોકરી મળે ત્યાં મૅરેજ લાઈફ રાહ જોતી હોય છે. એટલે સરવાળો કરો તો જવાબ મળશે કે અત્યારે એકપણ અવસ્થા રહી નથી.

“સમયે સમયે બદલાતી અવસ્થા જીવનને વધુ સારી રીતે ખીલવે છે” એવું શાસ્ત્રોમાં સાચું કહેલું છે. પણ બધાને બધું વહેલું જોઈએ છે અને તાત્કાલિક જોઈએ છે.

પૈસા આવી જશે એટલે આમ કરીશું, પૈસા આવી જશે તેમ કરીશું. એવું વિચારનારા માત્ર પૈસા લઈ આવે છે પરંતુ કઈ કરી શકતા નથી કારણ કે સમય કોઈ માટે બે ઘડી પલાંઠીવાળી બેસતો નથી.

નવપરણિત યુગલને એકબીજાના હાથમાં હાથ રાખી ખુલ્લા આકાશ નીચે માત્ર ગલીના રસ્તા પર ચાલવાનો જે આહલાદક આનંદ હોય છે એ જ આનંદ પૈસા આવી ગયા પછી મોંઘામાં મોંઘી કારમાં બેસીને એજ રસ્તે નીકળવામાં હોતો નથી જ. એ કારમાં બેસીને પણ યાદ કરવાનું તો એજ હોય છે કે… “ખબર, આપણે હાથમાં હાથ રાખી આ રસ્તે ચાલવા આવતા હતા..” ખરું ને!!

સમય, સુખ અને પૈસા આ ત્રણેયનો સમન્વય જે રાખી શકે એ કુદરત પાસેથી સુખ છીનવી શકે છે. પૈસાના બંડલને ગમે તેટલા નિચોવો તો પણ સુખ આપવાની એમની એક મર્યાદા છે.

પૈસાની લાલચ સુખની વ્યાખ્યા બદલી નાખે છે. કઈક બનવામાં ઉંમરનો ભોગ આપવો પડે એજ દુઃખી થવાની શરૂઆત છે. ભોગ આપતાં આપતાં હરખ લેવાની કળા શીખવી અનિવાર્ય છે.

પશુઓના હાવભાવમાં કયારેય આપણા જેટલું દુઃખ નહિ જોયું હોય. નાના બાળકના હાથમાં પૈસાના કાગળને ચૂથાતો જોયો હશે. શું એ સુખી જીવનની પરિભાષા નથી? પૈસા એ જીવન જરૂરિયાત છે. આવશ્યક છે જ. પરંતુ પૈસા પાછળ દોડવામાં સમય અને સુખ છેટા રહી જાય એ યોગ્ય નથી.

‘સ્નેહમુદ્રા’માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સુખ શબ્દ સમજાવ્યો છે.”સુ” એટલે સરસ, સુશોભિત. અને ‘ખ’ એટલે આકાશ. ખુલ્લા આકાશમાં મુક્તવિહાર કરતું પક્ષી(ખગ). એ સુખનું દ્યોતક છે. જે મુક્ત આચાર, વિચાર અને આહાર કરી શકે એ સુખી છે. અને એનો સમય સારો ચાલે છે.

મોરો લ’લ્યૂનનું એક ચિત્ર છે “સાચું સુખ”. એ ચિત્રમાં એક પુરુષ, હૃષ્ટપુષ્ટ બેઠો છે, ખોળામાં એક નાનું બાળક છે, બાજુમાં હાથ પકડીને એક બાળક જોઈ રહ્યું છે, પાસે સ્વસ્થ, માંસલ, સૌમ્ય પત્ની બેઠી છે જે પિતાને વાત કરતા પુત્રને જોઈ રહી છે. એક કૂતરો ઊભો છે, ઘરનો દરવાજો છે, બહાર વેલ લટકે છે, આકાશ દેખાય છે, બે માણસો વાતો કરી રહ્યા છે. આ સુખની વિભાવના કહી શકો…

આ ત્રિવેણી અસંગમ નહીં તો બીજું શું…!!

💥ટીક ટૉક💥

બાપનું બારમું ને વહુનું સીમંત રોજ ન આવે.(જૂની ગુજરાતી કહેવત)

– જયદેવ પુરોહિત

3 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Vishal teraiya
Vishal teraiya
3 months ago

સુખનું સરનામું પૈસાને પૂછવામાં જ ભુલા પડતા હોઈએ છીએ.

ખૂબ સુંદર લેખ”મસ્ત”

2
0
Would love your thoughts, please comment.x
()
x