Blog

2020 લખવાનું ભુલાઈ નહીં હોં !!

કોઈએ મને પૂછ્યું કે, “આવતીકાલથી 2020 શરૂ થઈ જશે તો તમે શું નવું કરશો??” મેં પણ તરત જ જવાબ આપ્યો કે, “બસ, આવતીકાલથી તારીખની પાછળ 2020 લખીશ…..” અને અમે બંને હસી પડ્યાં. ખરેખર વર્ષની સમાપ્તિ કે નવાં વર્ષની શરૂઆત આટલાં વિચારો લઈને કેમ આવે છે? એક બે મહિના પછી એ વિચારો કેમ અદૃશ્ય થઈ જતાં હોય છે? માત્ર વિચારોમાં અને બોલવામાં જ નવા વર્ષનો ઉન્માદ છલકતો હોય છે બાકી, સામાન્યતઃ રોજબરોજની ભાગદોડમાં કોઈ જ ફેર પડતો નથી. માટે જ મોટીવેશનલ સ્પીકરોનો ધંધો તાબડતોબ ચાલ્યા જ કરે છે.

ખેર, આજે કોઈ એક વિષય પર લખવાની જરાય ઈચ્છા નથી. આગળ શું લખીશ એ પણ નક્કી કરેલું નથી. જે સહજ લખાય તે લખવું છે. મારે આ રીતે તમારી સાથે આજે મળવું છે…

ગયું વર્ષ હવે ‘યાદગાર’ કહેવાશે ને આજથી શરૂ થયેલ 2020 ‘અનિશ્ચિત’ કહેવાશે. બધાનું વર્ષ મિશ્રિત રહ્યું હશે. કોઈ સ્વજન વ્યક્તિની વિદાય તો કોઈ કિલકીલાટનો જન્મ થયો હશે. ક્યાંક મિત્રતામાં સરવાળો તો ક્યાંક પ્રેમમાં બાદબાકી પણ થઈ હશે. અને બધું થવું પણ જોઈએ. તો જ અનુભવાય કે જીવન એ સતત વહેતો પ્રવાહ છે. જીવન સારું કે ખરાબ નથી હોતું, પરંતુ રોજ જીવન જીવતું રહેવાનું હોય છે. રોજ આપણા હોવાપણાનો પુરાવો આપતું રહેવાનું હોય છે. બસ, જીવન આ રીતે જીવવાનું હોય છે.

જે થઈ ગયું એ જ શ્રેષ્ઠ હતું એવું નથી. શ્રેષ્ઠ કામ હજી શરૂ પણ નથી થયું. જે આવનાર છે એ કંઈક નવું લાવનાર છે. માણસની શ્રેષ્ઠતા ક્યારેય પૂર્ણ થતી નથી. કોઈ શ્રેષ્ઠ કામ ત્યાં સુધી જ નવું રહે છે જ્યાં સુધી એ કામનું સન્માન નથી થતું. એકવખત સન્માન થઈ ગયા બાદ એ કામ જૂનું થઈ જાય છે. ચવાય જાય છે. પછી વારંવાર એ કામ લોકોને સાંભળવું કે જોવું કે વખાણવું પણ નથી ગમતું. ફરી એક નવી રાહ તરફ દોડવું પડે છે. ફરી કંઈક શ્રેષ્ઠ સાધવું પડે છે ને ફરી લોકો સમક્ષ જવું પડે છે.

એક મેચમાં કરેલ 200 રન પણ બીજા મેચમાં શૂન્ય બની જાય છે. એટલે કે બીજા મેચમાં ફરી શૂન્યથી જ શરૂ કરવું પડે છે. જો આ થિયરી માણસના મગજમાં નહીં પરંતુ તેમની આદતમાં વણાય જાય તો માણસ રોજ નવો જન્મ લે છે એવું એ અનુભવી શકે છે. દરેક સૂર્યોદય આપણો નવો જન્મ છે અને દરેક સૂર્યાસ્ત આપણું મૃત્યુ.

31ની રાત્રીએ કરેલ ધીંગામસ્તીનો ચમકારો લાંબા સમય સુધી રહેતો હોય છે. કલરફુલ લાઇટ્સ અને વોલિયમફુલ મ્યુઝિકની વચ્ચે નાચતાં હોઈએ તો જ પાર્ટી કરી કહેવાય એવું નથી. જ્યાં આપણે બેબાક ગમે તે બોલી શકીએ એવાં વ્યક્તિઓની સાથે ‘ટાઈમ સ્પેન્ડ’ કરવો એ પણ પાર્ટી જ છે.
બંધ ચાર દીવાલોમાં પણ મિત્રતાનો ચબૂતરો ચૂં ચૂં કરે એ પણ 31ની પાર્ટી જ છે બોસ. બીજા કંઈ રીતે એન્જોય કરે છે એ મહત્ત્વનું નથી તમને કંઈ રીતે એન્જોય કરવું ગમે છે અને તમે અત્યારે કંઈ રીતે એન્જોય કરી શકો છો એ મહત્ત્વનું છે.

બાકી બીજાના ફોટોસ કે વિડિયોઝ જોઈને પોતાની જાતને કોસવાની ભૂલ ક્યારેય ન કરવી. કેમ કે, ઝાકમઝોળ લાઇટ્સમાં અને પડઘાછાપ ઘોંઘાટમાં નાચનારાં બધાં સાચે જ “હેપ્પી” નથી હોતાં. અને એન્જોય કરવું જ જોઈએ એ પણ જરૂરી નથી. મન કરે મોજ ત્યારે એન્જોય કરી લેવાનું. એનાં માટે વર્ષની પૂર્ણાહુતિ જરૂરી નથી.

પાર્ટીનો એક અર્થ થાય છે ‘સહજ આનંદ કરવો’. બધું ભૂલી, આસપાસની દુનિયાને થોડીવાર ડીલીટ કરી, હું કોણ છું?? હું નાચીશ તો મારા સંસ્કાર વિશે જોનાર શું બોલશે?? મને આમ પાગલની જેમ ઝૂમતાં જોઈને લોકો મારા મમ્મી-પપ્પા વિશે પણ જીભ કચરાય એવું બોલશે તો?? આવા બધાં વિચારોને કચરાપેટીમાં ઘા કરીને ઝૂમી લેવાનું. નાચી લેવાનું. આ રીતે પોતામાં રહેલ ‘પ્યોર હાર્ટ’ને મળી લેવાનું.

જાતને પ્રેમ કરતાં શીખીએ. જે મળ્યું એમાં ઓરીજનલ સ્માઈલ કરતાં રહીએ. કંઈક નવું નવું મેળવતાં રહીએ. નવા લોકોને મળતાં રહીએ અને જે છે આપણા સાથીદારો તેમને હંમેશા આપણા બનાવીને રાખીએ. બસ, બાકી આજે જે નવું વર્ષ થયું તે થોડા જ દિવસોમાં જૂનું થઈ જશે. અને આપણે પણ એ જ. જેમ પાછળનાં વર્ષો કાઢ્યા તેમ રીઢા બની જશું. ચલો હવે વિચારોને અહીં બ્રેક લગાવીએ. જે લખાયું એ હવે તમારું…

ટીક ટૉક

Don’t worry and fret, faint – hearted,
The chances have just begun,
For the best jobs haven’t been started,
The best work has not been done.

હે નબળી ઈચ્છાશક્તિવાળા, ચિંતા ન કર અને બળાપો ન કાઢ; તક તો હજી હવે શરૂ થઈ છે. શ્રેષ્ઠ કામ તો હજી શરૂ પણ નથી થયું અને શ્રેષ્ઠ કાર્ય હજી પૂર્ણ નથી થયું.

– જયદેવ પુરોહિત

01/01/2019

બુધવાર, સંજોગ ન્યૂઝ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x