Blog

દિપાવલી : આવકારની રંગોળી , દેકારાની ફૂલઝર

ફટાકડાની ધડબડાટી અને રંગોળીની કલરફુલ રંગતાળી એટલે દિવાળી. ગજબ છે નહિ આપણાં તહેવારો, દેકારો અને આવકારો એકસાથે મળે. આતશબાજીની સાથે સાથે સ્નેહબાજી પણ ઝળહળી ઉઠે. ધરતી અને આકાશ બંનેને એકસાથે રંગીલું બનાવી દે. દિવાળીની રાત પડે એટલે રંગો થનગની ઉઠે, આકાશ પણ કાળુડિબાંગ બની બેસી રહે, અને એ પણ ગીત લલકારતું હશે કે,

“હું રંગાવાનું આજે રંગમાં

 આતશબાજીની ફૂલઝરમાં … 

 હું રંગાવાનું આજે રંગમાં…

ફટાકડાં તણી  ફટફટમાં

હું રંગાવાનું આજે રંગમાં…

લો, લખતાં લખતાં શબ્દોમાં પણ રંગોનો રંગ લાગી ગયો અને ગીત બની ગયું. આ તો મજા છે તહેવારોની, વિચાર માત્રથી જ સ્વભાવ પ્રેમાળ બની જાય, વિચારોની સાફસફાઈ આપમેળે જ થઈ જાય.

દિવાળીના સમયમાં માણસ સ્મિતભર્યો રહે છે બાકી તો રોજ વિસ્મયભર્યો જોવા મળે. એક સર્વે કદાચ થાય તો જાણવા મળશે કે, તહેવારના સમયમાં માણસ વધુ પ્રસન્ન જોવા મળે છે. અને પ્રસન્નતા છે ત્યાં જ તહેવાર છે. બાકી ગમે તેવો મજાનો દિવસ કેમ ન હોય, પ્રસન્નતાને પોષો નહિ તો પછી સમય આપણને શોષે છે. માટે જ્યાં રહો ત્યાં તહેવારમાં રહો, દિવાળી તણી ઊજાણીમાં મઘમઘતાં રહો. રંગોનો તહેવાર હોય અને મોંઢા પર રંગ ન દેખાઈ તો દિવાળીનાં નસીબ.

આ આર્ટિકલ તમે વાંચતા હશો ત્યારે દિવાળી હજી પાંચ દિવસ છેટી હશે. માટે તહેવાર તો સફાઈનો ચાલતો હશે કાં પૂર્ણતાને આરે હશે. હા, હા, એજ ધૂળજાહરા… હવે જેમ બોલીએ શબ્દ એમ જ લખીએ તો પણ અજીબ લાગે એવો શબ્દ છે. ગુજરાતીઓમાં તો આ નિયમ બની ગયો. દિવાળી આવે એટલે ઘર-સફાઈ કરવાની. અને ખૂણે ખૂણાની કરવાની. પછી ભલેને પાંચ દિવસ બીમાર પડો પણ સફાઈ તો કરવાની જ. નહીં તો શેરીની પાંચ બાયું આપણી વાતો કરે.

કેવું બધું અજીબ છે નહીં. આપણાં તહેવારો આપણી સ્ત્રીઓ જ સાચવે છે, ઉજવે છે અને આવકારે છે. પેલાં ઘરની સાફસફાઈ, પછી ઘરની દિવાળી સ્પેશ્યલ સજાવટ, પછી દિવાળીની ખરીદી, પછી દિવાળી સ્પેશ્યલ ચટપટી વાનગીઓ બનાવવી, પછી ઘરમાં લક્ષ્મી પૂજન વગેરે વિધિ, પછી રોજ રંગોળી કરવી, અને ઘરના રોજનાં કામ તો ખરાં જ. છતાં ચહેરા પર દિવાળીની મધમીઠી સ્માઈલ સદા વહેતી જ હોય. અને આ બધાં વચ્ચે પાછું પોતાનું બ્યુટીપાર્લર. ખરી જોગમાયા, “હજારહાથ વાળી સદા ઊજવે દિવાળી.” પુરુષો ઘરની બહારની દીવાલ અને સ્ત્રીઓ ઘરનો આખો શણગાર. એટલે જ મેં પહેલાં લખ્યું કે, આતશબાજી અને રંગોળી બંને ભળે ત્યારે જ તહેવાર ખરાં અર્થમાં ઊજવાય છે. 

આ સમયે દિવાળીની રજાઓ એટલે ઘરનાં સભ્યોનું સ્નેહમિલન. કારણ કે, દર ત્રીજા ઘરે કોઈને કોઈ સભ્ય બહાર છે. ઘરથી દૂર છે. નોકરી કે ભણવાનું કે વ્યવસાય હેતુ ઘરને સજાવવા ઘરથી દૂર રહેતાં હોય છે. એટલે ઘરમાં એક પ્રકારની નિરવતા સદા ખૂચ્યાં કરતી હોય છે. જેવી દિવાળીની રજાઓ શરૂ થાય એટલે ઘર પણ આળસ મરડી બેઠું થઈ જાય અને ગેલમાં આવી દેકારો કરવા લાગે. પણ મમતાની હૂંફ જુઓ તમે, એ ઘરનો કોલાહલ પણ મીઠો લાગે, ઘરની એવી અશાંતિ પણ રોજ જીવવી ગમે. “સ્વજનોનાં ઘોઘાંટ કરતાં ખાલીપાની શૂન્યતા વધુ દુઃખદાયક હોય છે.” માટે જ એવું કહેવાય છે કે, “આવી દિવાળી, સ્વજનોને લાવી દિવાળી, હવે ઘરમાં ગુંજશે રંગતાળી અને મધુરતાથી ઊજવાશે દિવાળી….”

અંધારી ઘનઘોર રાતમાં પણ  નાના નાના દિવેલીયા ટમટમતાં જોવાની મજા પણ અનેરી છે. આપણાં તહેવારોની મૂળ વાત જ ચમકારો છે. ભીતર પ્રગટે કે બહાર ઝળહળે પરંતુ અજવાળીયું થવું જોઈએ. વિચારોમાં પ્રગટશે એક ચિનગારી ત્યારે તો ઉજવાશે ખરી દિવાળી. રંગોની ભેળસેળ જેમ રંગોળી બને તેમ સ્વજનો સાથે સેલિબ્રેશન એટલે દિવાળી બને. તમે દુનિયાના કોઈપણ ખૂણે વસતાં કેમ ન હો, પણ દિવાળી તો ત્યાં જ કરવી જ્યાં પરિવાર રહેતો હોય, જ્યાં માતાપિતા રહેતાં હોય એ જ ઘરે દિવાળી કરવી જોઈએ. પરિવાર સાથે તહેવારો ઉજવવામાં જો મંદી નડે તો એ જીવનની માંદગી જ છે. માટે દિવાળી તો ઘરે જ….  ઉત્સાહમાં સાથે ઘર પણ જોડાય અને પછી ઘરમાં જ આખું વિશ્વ રચાય. 

મેં તો રંગબેરંગી શબ્દો વડે તહેવાર ઉજવવાની શરૂઆત કરી દીધી, હવે તમારી રાહ છે. તમે નિયમિત મારા શબ્દોમાં રંગો પૂરો છો, સ્નેહથી મારા આર્ટિકલને આવકારો છો એ બદલ હું આપનો ઋણી તો ખરો. માટે એક દિવાળી ગિફ્ટ તમારા સૌ માટે… મારી વેબસાઈટ jaydevpurohit.com આજે આપ સૌને અર્પણ કરું છું. લાગણીફુલ શબ્દો અનુભવજો. સાચે જ ભીતરની સ્થિતિ અવર્ણનીય છે. પ્રેમમાં નિતારેલાં શબ્દોને ગૂંથી આ ગિફ્ટ તમારા માટે તૈયાર કર્યું છે.  આ કલરફુલ વેબસાઈટની મુલાકાત લો અને આપણી મિત્રતાને કાયમી કરીએ. “આવો મિત્ર બનીએ” એનાં પર ક્લિક કરશો એટલે આપણી મિત્રતા આજીવન થઈ જશે. રાહ જોઉં છું હું આપની…

આપને દિપાવલી મુબારક અને નવુંવરસ પણ હસતું, ખીલતું, ઉછળતું, કૂદતું રહે એવી શુભેચ્છા. નીચેની મારી લખેલી બે પંક્તિ આપણી મિત્રતા માટે…

ટીક ટૉક

આપણું મળવું એ માત્ર મળવું ન્હોતું

હતું એ નવું વરસ, બંને કિનારાનું 

– જયદેવ પુરોહિત

jaydevpurohit.com 

23/10/2019

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest
Inline Feedbacks
View all comments
Baldev
Baldev
1 year ago

Wah wah subh shuruaat ✨✨✨

1
0
Would love your thoughts, please comment.x
()
x