Blog

સિર્ફ એક વાયરસ માનવી કો “લબાડ” બના દેતાં હૈ…

આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ પરંતુ રોગની સામે કઈ કરી શકતા નથી અને ખાસ એવું કઈ ધારી શકતા પણ નથી. પાંચથી છ ફૂટના શરીરમાં હજારો રોગ જન્મે છે ને આપમેળે નાશ પામે છે. જે લોકો ગર્વથી પોતાને નિરોગી કહેતાં હોય છે એ પણ હકીકતે ‘નિરોગી’ હોતાં નથી. આપણું શરીર રોગોની યુનિવર્સિટી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે,

શરીરે સુખી તે સુખી સર્વ રીતે
શરીરે દુઃખી તે દુઃખી સર્વ રીતે

કોરોના વાયરસે પોતાનું પ્રભુત્વ સારું એવું ફેલાવ્યું છે. એક રોગનું કણ સમગ્ર જીવસૃષ્ટિને ખતમ કરી દેવા સક્ષમ છે. રોગ આવે ક્યાંથી?? તો જવાબ છે આપણી બનાવટમાંથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમાંથી. મોટા ભાગનાં મોટાં રોગો આ પાંચ તત્ત્વોમાંથી જન્મે છે અને આ પાંચ તત્ત્વો દ્વારા જ દૂર દૂર સુધી પહોંચે છે. પાણી, હવા, ધૂળ, પ્રકાશ અને વાતાવરણ આ પાંચ સ્થાનો છે, જ્યાં રોગોનું નિર્માણ થાય છે અને પછી એ ચારેતરફ ગતિ કરે છે. રોગની સામે બધા લાચાર… બિચારા…લબાડ…

માણસ પોતાના શરીર સામે હારી જાય છે. ભીમ જેવા ભીમને પણ એક સામાન્ય ઉધરસ આસાનીથી હેરાન કરી શકે છે. રોગોનું ઘર લઈને આપણે ફરીએ છીએ, જીવીએ છીએ. કોઈ માણસ રોગમુક્ત જીવન ન જીવી શકે. આપણા શાસ્ત્રો પણ કહે છે કે, જેના શરીરમાં નખે પણ રોગ નથી, એવો કોઈ વ્યક્તિ જ નથી. પરંતુ જે રોગની સામે આપણી રોગપ્રતિકારક શક્તિ હારી જાય છે તે રોગ આપણને ભાંગી નાખે છે. લબાડ બનાવી દે છે. આવું કેમ થાય છે?? અને રોગની શરૂઆત ક્યાંથી થાય છે??

દુનિયાની કોઈપણ મજબૂત મુસીબત સામે માણસ લડી લે છે, લડતો આવ્યો છે અને લડતો રહેશે. પરંતુ શરીરમાં રહેતા ત્રણ મિત્ર અને શત્રુ એવા “વાત, પિત્ત, અને કફ” સામે ઢળી જાય છે. આ ત્રણ રોગનું મૂળ છે અને રોગ સામે રક્ષક પણ. જે માણસને મારે પણ અને માણસને તારે પણ. વાત, પિત્ત અને કફ આ ત્રણ જો આપણા શરીરના મિત્ર બનીને રહે તો માણસ નિરોગી. અને જો બેલેન્સ બગડે તો માણસ ફફડે. મોટા મોટા રોગોનું મૂળ અહીંથી જ જન્મ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ આ ત્રણ બાબત પર વજન મુકવામાં આવ્યો છે. આ ત્રણ પાયામાંથી કોઈ એક જરા પણ ડગમગે એટલે માણસનું સ્વાસ્થ્ય ખોરવાય છે. તાવ, શરદી અને ઉધરસ તરત અસર કરે છે. અને આપણે પણ સહન કરતાં જ જઈએ.

આટલાં રોગો આવ્યાં ક્યાંથી?? શું પહેલાં આટલાં રોગો હતાં?? હા, રોગો આદિકાળથી છે. અને રહેશે. નવા નવા જન્મશે અને માણસો મરતાં રહેશે. પહેલાં પણ મોટા રોગો હતાં જ પણ કોઈને ખબર ન્હોતી અથવા કોઈ મનમાં ન લેતું. કોઈ બીજું નામ આપીને વાત દબાવી દેતાં. હવે જ્ઞાન-વિજ્ઞાન આપણી પાસે આંગળીના ટેરવે છે એટલે રોગના નામ સુધી પહોંચી જઈએ છીએ. રોગના કારણ સુધી પણ…

એક માણસ આખી જીવસૃષ્ટિને હણી શકે છે. આ તણખલામાં આગ લાગ્યાં જેવું હોય. પછી તો જંગલ આપમેળે ભળકે બળે. વાયરસને ક્યાં વીઝા લેવાં પડે? આપણે રોજ આપણી અંદરના હવામાનને ભેળસેળ કરી મૂકીએ છીએ. આપણી આસપાસ હવામાં ચારેકોર કોઈની ઉધરસના છાંટા તો કોઈની છીંકના કણો હવામાં ફરતાં જ હોય છે અને આપણે પણ શ્વાચ્છોશ્વાસ દ્વારા ગ્રહણ કરતાં જ હોઈએ. અને અંદરની સિસ્ટમને ડેમેજ પણ કરતા હોઈએ.. ઘણું તો આપણે નજરઅંદાજ કરી સહન કરી લેતાં હોઇએ.. જ્યારે એ દુઃખાવો અથવા એ રોગ પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે આપણે ડોકટર પાસે જઈએ અને છેલ્લે ડોકટરો કહે કે, . થાય એટલી સેવા કરો…બાકી…

માણસ ભલે ગમે તેટલા જીવનને માણવાના પ્રિ-પ્લાનિંગ કરી લે પણ એક રોગ બધું વેરવિખેર કરી નાખે. ઘણાંની આર્થિક કરોડરજ્જુ વાંકી વાળી નાખી. જે જે છેતરીપિંડી વડે કુબેર બન્યા છે એ બધા એક રોગ સામે કંગાળ બનતાં જોયા છે. રોગ ક્યાં ગરીબ કે અમીર એવાં ભેદભાવ રાખે છે.. બસ તક મળતાં શરીરમાં ઘુસી જાય છે.

કહેવાનું એજ કે, કોરોના આજે છે ને કાલે નહિ હોય. પરંતુ આવા રોગો આવતાં જ રહેશે. જે બેકાબૂ હોય છે. શરીરમાં રોગ મુખ્ય નાક, કાન અને મોંઢા દ્વારા પ્રવેશ કરે છે અને ત્યાંથી જ બહાર પણ ફેલાય છે. માટે શક્ય હોય ત્યાં સુધી એ ત્રણ રોગ પ્રવેશદ્વારની કાળજી લેવામાં જ આપણી ભલાય છે. બાકી, માણસ હમેશા રોગો સામે લાચાર રહ્યો છે…બિચારો બની જાય છે… કોરોના છે એટલે નહિ પણ જીવન છે એટલે થોડા કેરફુલ બનીએ..

( લબાડ એટલે અહીં ઢીલોઢફ )

ટીક ટૉક

શરદી, ઉધરસ ને ખાંસી
બધા રોગની સગી માસી

– જયદેવ પુરોહિત

18/03/2020

સંજોગ ન્યૂઝ, અમરેલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest
Inline Feedbacks
View all comments
trackback
1 year ago

[…] સિર્ફ એક વાયરસ માનવી કો “લબાડ” બના દેત… […]

1
0
Would love your thoughts, please comment.x
()
x